Home તાજા સમાચાર gujrati બીબીસીના અહેવાલ બાદ ગુજરાતમાં ‘પેપર પાર્ટીઓ’ સામેની સીઆઇડીની કાર્યવાહી, કોની સામે ફરિયાદ...

બીબીસીના અહેવાલ બાદ ગુજરાતમાં ‘પેપર પાર્ટીઓ’ સામેની સીઆઇડીની કાર્યવાહી, કોની સામે ફરિયાદ નોંધાઈ?

5
0

Source : BBC NEWS

ગુજરાત પોલીસ

‘કાગળ પરની પાર્ટીઓ’ને મળતા સેંકડો કરોડ રૂપિયાના દાન અંગે બીબીસીએ પ્રકાશિત કરેલા રિપોર્ટનાં ત્રણ અઠવાડિયાં પછી હવે ગુજરાતના ગાંધીનગર સીઆઇડી કાર્યાલયમાં આ મામલે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.

બીબીસીના રિપોર્ટમાં એ સામે આવ્યું હતું કે ગુજરાતના છ નાના પક્ષોને 2023-24માં 1700 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું, જે ભાજપ સિવાયના તમામ રાષ્ટ્રીય પક્ષોની કુલ આવક કરતાં વધુ હતું.

આ રાજકીય પક્ષો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (બીએનએસ)ની કલમ 173 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આવકવેરા વિભાગના અધિકારીઓની ફરિયાદોના આધારે આ છ પક્ષોમાંથી ઓછામાં ઓછા ત્રણ સામે પોલીસ ફરિયાદો દાખલ કરવામાં આવી છે.

ભારતીય નૅશનલ જનતા દળ, ગરીબ કલ્યાણ પાર્ટી અને અભિવ્યક્તિ સ્વતંત્રતા પાર્ટીના પદાધિકારીઓ સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. બીબીસી હિન્દીએ આ ત્રણેય એફઆઇઆર વાંચી છે.

જોકે, સ્થાનિક ગુજરાતી અખબારોના મતે ચોથા પક્ષ, સત્યવાદી રક્ષક પક્ષ સામે પણ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. જોકે, અમારી પાસે તેની નકલ ન હોવાથી અમે સ્વતંત્ર રીતે તેની પુષ્ટિ કરી શકતા નથી.

ગાંધીનગરસ્થિત સીઆઇડી ક્રાઇમના એક અધિકારીએ જણાવ્યું છે કે, “આ કેસમાં બે પાર્ટીઓ અમદાવાદની છે અને એક ગાંધીનગરમાં આવેલી છે.”

ધરપકડ અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, “હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી. પ્રક્રિયા ચાલુ છે.”

જે પક્ષો સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમના પર છેતરપિંડીનો આરોપ છે.

ભારતીય નૅશનલ જનતા દળ (BNJD)

આ છ પક્ષોને 2023-24માં સૌથી વધુ દાન મળ્યું હતું. 2023-24 એ છેલ્લી લોકસભા ચૂંટણી પહેલાંનું નાણાકીય વર્ષ હતું.

સીઆઇડી ક્રાઈમ ગાંધીનગરે ગાંધીનગર શહેરના મેઘમલ્હાર કૉમ્પ્લેક્સમાં કાર્યરત્ ભારતીય નૅશનલ જનતા દળ (BNJD) નામની રાજકીય પાર્ટી અને તેની સાથે સંકળાયેલા ચાર લોકો સામે કેસ નોંધ્યો છે.

એવો આરોપ છે કે 2019-20 અને 2024-26 વચ્ચે તેમને 1143 કરોડ રૂપિયાથી વધુનું ભંડોળ પ્રાપ્ત થયું હતું અને છેતરપિંડીથી પ્રાપ્ત થયું હતું. તેના પરિણામે સરકારી તિજોરીને 343 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

પોલીસ એફઆઇઆરમાં જણાવાયું છે કે આરોપીઓએ એકબીજા સાથે સાઠગાંઠ કરીને નકલી દસ્તાવેજો તૈયાર કર્યા અને ભારતના ચૂંટણીપંચને નકલી કન્ટ્રિબ્યુશન રિપોર્ટ (ફૉર્મ 24A) રજૂ કર્યાં. આ ફૉર્મ સાચાં હોવાનો દાવો કર્યો, જેના કારણે સરકારી તિજોરીને 343 કરોડ રૂપિયાનું નુકસાન થયું.

પ્રાથમિક તપાસ દરમિયાન, એવું જાણવા મળ્યું છે કે આ આરોપીઓ ગુનાહિત કાવતરું રચીને બૉગસ દાન લઈને, કરચોરી કરવાના ઇરાદાથી કમિશન એજન્ટો મારફત વિવિધ દાતાઓ પાસેથી પાર્ટીના પાંચ અલગ-અલગ બૅન્ક ખાતાંમાં પૈસા ટ્રાન્સફર કરી રહ્યા હતા. આ બધું આરટીજીએસ બૅન્કિંગ ચૅનલથી થઈ રહ્યું હતું.

આરોપીઓ દાતાઓને નકલી ડોનેશનની ઍન્ટ્રી આપતા હતા અને જમા કરાયેલા પૈસા માટે નકલી રસીદો તૈયાર કરતા હતા. આથી, દાતાઓ ખોટો દાવો કરી શકે અને આવકવેરા કાયદાની કલમ 80GGB અને 80GGC હેઠળ 100 ટકા કર કપાતનો લાભ મેળવી શકે.

જ્યારે બીબીસીએ તેની તપાસના ભાગરૂપે ગજેરા સાથે વાત કરી હતી, ત્યારે તેમણે અમને કહ્યું કે તેઓ કંઈ ખોટું કરી રહ્યા નથી.

તેમણે કહ્યું હતું કે, “પાર્ટીના ખાતામાંથી રોકડ ઉપાડી શકાતી નથી. આવકવેરા વિભાગને ખબર જ હશે કે પૈસા ક્યાંથી આવી રહ્યા છે અને ક્યાં જઈ રહ્યા છે.”

સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી

સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી પર 2023થી 2025 વચ્ચે 519 કરોડ રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતનો આરોપ છે.

તેમણે નકલી દસ્તાવેજો બનાવીને અને એ સાચા હોવાનો દાવો કરીને ભારતના ચૂંટણીપંચને ખોટો ફંડ રિપોર્ટ રજૂ કર્યો.

આના પરિણામે સરકારી તિજોરીને 155 કરોડનું નુકસાન થયું છે, જે મળેલા ભંડોળના આશરે ૩૦ ટકા જેટલું છે.

પક્ષ અને તેના પદાધિકારીઓ અને સહયોગીઓ સામે નાણાકીય છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદો દાખલ કરવામાં આવી છે.

સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટીનું કાર્યાલય અમદાવાદના નરોડા વિસ્તારમાં મહાવીર નગર કલ્યાણ મિલની સામે, દુકાન નંબર 2માં આવેલું છે.

સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટીના આરોપી પદાધિકારીઓમાં ટૅક્સ કન્સલ્ટન્ટ મેહુલકુમાર મહેશકુમાર ખત્રી, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેન્દ્ર પુરુષોત્તમ તિવારી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયૂરસિંહ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

બીબીસી સંવાદદાતા શુભાંગી મિશ્રાએ આ પક્ષોના કાર્યાલયોની તપાસ કરી હતી

એફઆઇઆરમાં જણાવાયું છે કે ટૅક્સ કન્સલ્ટન્ટ મેહુલકુમાર મહેશકુમાર ખત્રીના મોબાઇલ ફોન અને લૅપટૉપ પર રાજકીય દાતાઓની યાદી મળી આવી હતી, જેમાં તેઓ કથિત રીતે દાનની રકમ પરત કરી રહ્યા હતા. આ યાદીમાં સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી દ્વારા મેળવેલા ખોટા દાનનો સમાવેશ થતો હતો.

પ્રાથમિક તપાસ દરમિયાન અને આરોપીઓ પાસેથી લેવામાં આવેલાં નિવેદનોના આધારે, એક મોટું અને સંગઠિત નકલી રાજકીય દાન કૌભાંડ બહાર આવ્યું છે.

આમાં દેશના વિવિધ મુખ્ય કરદાતાઓ પાસેથી રાજકીય દાન ચેક અથવા બૅન્ક ટ્રાન્સફર દ્વારા અભિવ્યક્તિ સ્વતંત્રતા પાર્ટીના ખાતામાં મેળવાતું હતું. આ દાનના આધારે, કરદાતાઓને કાયદાની કલમ 80GGB હેઠળ ખોટી રીતે કરમુક્તિ આપવામાં આવી હતી.

8થી 9 ટકા કમિશન કાપી લીધા પછી, બાકીની રકમ મૂળ દાતાઓને રોકડમાં પરત કરવામાં આવતી હતી.

એફઆઇઆરમાં જણાવાયું છે કે પાર્ટીના પ્રમુખ સુરેન્દ્ર તિવારીએ સ્વીકાર્યું છે કે પાર્ટીની રચના ફક્ત કમિશન કમાવવા અને નકલી ઍન્ટ્રીઓ કરવા માટે કરવામાં આવી હતી, અને તેમાં જમીની સ્તરે કોઈ રાજકીય પ્રવૃત્તિ નહોતી.

સુરેન્દ્ર તિવારીની પાર્ટીને 2023-24માં રૂપિયા 219 કરોડનું દાન મળ્યું હતું. સુરેન્દ્ર તિવારીએ અમને કહ્યું કે તેમને પાર્ટીમાં આવતા ભંડોળની જાણ નહોતી અને તેમના સીએ મયૂરસિંહે તેમને ગેરમાર્ગે દોર્યા હતા.

મયૂરસિંહે આ આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તેઓ કોઈ પાર્ટી ચલાવતા નથી, પરંતુ ચૂંટણીપંચમાં વિવિધ પક્ષો માટે ફક્ત ટૅક્સ ફાઇલિંગનું કામ કરે છે, જેમાં ન્યૂ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટીનું નામ પણ સામેલ હતું.

તેણે કહ્યું હતું, “બધા લોકો એ જ છે. તમે સમજો. ઘરમાં જ પાર્ટીઓ છે.”

સુરેન્દ્ર તિવારી, મયૂરસિંહ અને મેહુલકુમાર સહિત આ પાર્ટીના કાર્યકરો સામે એફઆઇઆર નોંધવામાં આવી છે.

ગરીબ કલ્યાણ પાર્ટી

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી ગરીબ કલ્યાણ પાર્ટીની ઑફિસ.

અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં આવેલા શ્રીનાથ શોપિંગ સેન્ટરના A-203માં ચાલી રહેલી ગરીબ કલ્યાણ પાર્ટી અને તેની સાથે સંકળાયેલા આઠ લોકો સામે સીઆઇડી ક્રાઇમે કેસ નોંધ્યો છે.

એવો આરોપ છે કે પાર્ટીને 2022 અને 2026 વચ્ચે 206 કરોડ રૂપિયાથી વધુનું ભંડોળ મળ્યું અને છેતરપિંડી કરી.

આના પરિણામે સરકારી તિજોરીને 62 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું, જે પ્રાપ્ત ભંડોળના લગભગ 30 ટકા જેટલું છે.

પક્ષ અને તેના અધિકારીઓ અને સહયોગીઓ સામે નાણાકીય વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદો દાખલ કરવામાં આવી છે.

આ ફરિયાદ એક આવકવેરા અધિકારી દ્વારા દાખલ કરવામાં આવી હતી. એફઆઇઆરમાં જણાવાયું છે કે અધિકારીએ જણાવ્યું હતું કે તેમના આવકવેરા વિભાગના ડેટામાં એવી માહિતી બહાર આવી છે કે ગરીબ કલ્યાણ પાર્ટી ખોટા દાન સ્વીકારી રહી છે.

તેના આધારે, પાર્ટી ઑફિસ અને વિવિધ અધિકારીઓના પરિસરમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

શરૂઆતની તપાસ દરમિયાન અને આરોપીઓના નિવેદનોના આધારે, એક મોટું અને સંગઠિત નકલી રાજકીય દાન કૌભાંડ બહાર આવ્યું.

આ કૌભાંડમાં આરોપીઓ દેશના સૌથી મોટા કરદાતાઓ પાસેથી ચેક અથવા બૅન્કિંગ ચેનલો દ્વારા પક્ષના ખાતામાં રાજકીય દાન મેળવી રહ્યા હતા.

આ દાનના આધારે કરદાતાઓને કાયદાની કલમ 80GGB હેઠળ ખોટી છૂટ અને કર કપાત મળી રહી હતી.

ત્યાર બાદ આ પૈસા તબક્કાવાર બે નકલી કંપનીઓ (મેસર્સ કૃષ્ણા એન્ટરપ્રાઇઝ અને મેસર્સ જલારામ એન્ટરપ્રાઇઝ)ના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા. અંતે, ભંડોળમાંથી 5થી 7 ટકા કમિશન કાપી લેવામાં આવ્યું અને બાકીની રકમ મૂળ દાતાઓને રોકડ રિફંડના રૂપમાં પરત કરવામાં આવી.

એફઆઇઆરમાં જણાવાયું છે કે પાર્ટી પ્રમુખ નીરજ ક્ષત્રિય અને ખજાનચી ધીરજ ક્ષત્રિયે સ્વીકાર્યું છે કે પાર્ટી ફક્ત કમિશન કમાવવા અને નકલી ઍન્ટ્રીઓ કરવા માટે બનાવવામાં આવી હતી અને તેમનો જમીની સ્તરે કોઈ રાજકીય સંબંધ નથી.

દેશભરના વિવિધ કરદાતાઓ પાસેથી ચેક અથવા આરટીજીએસ દ્વારા દાન પ્રાપ્ત થયું હતું. બદલામાં તેમને નકલી દાનની રસીદો આપવામાં આવી હતી, જેનાથી કરદાતાઓ આવકવેરા કાયદાની કલમ 80GGB હેઠળ તેમની આવકમાંથી 100 ટકા કપાતનો દાવો કરીને કરચોરી કરી શકતા હતા.

તપાસમાં જાણવા મળ્યું કે ગરીબ કલ્યાણ પાર્ટીએ કોઈ માન્ય વાઉચર, બિલ કે ખાતાં રાખ્યાં ન હતાં.

ગરીબ કલ્યાણ પાર્ટીને 2023-24માં રૂપિયા 138 કરોડનું દાન મળ્યું હતું. જ્યારે બીબીસીની ટીમે અમદાવાદમાં પાર્ટીની તપાસ કરી ત્યારે તેનું કાર્યાલય બંધ હતું.

અમે પાર્ટી પ્રમુખ નીરજકુમાર ક્ષત્રિયના ઘરે પણ ગયા, પરંતુ તેઓ ત્યાં પણ મળ્યા નહીં.

હવે નીરજકુમાર, તેમના ભાઈ ધીરજકુમાર અને અન્ય છ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS