Home તાજા સમાચાર gujrati મંગળના ઉપગ્રહનો માત્ર 10 ગ્રામનો એક ટુકડો મેળવવા માટે આ મિશન કેમ...

મંગળના ઉપગ્રહનો માત્ર 10 ગ્રામનો એક ટુકડો મેળવવા માટે આ મિશન કેમ અવકાશમાં જશે?

6
0

Source : BBC NEWS

MMX અવકાશયાનનું એક કલ્પના ચિત્ર. સોનેરી અને કાળા રંગનું આ અવકાશયાન વિશાળ સૌર પેનલો, થ્રસ્ટર અને ઍન્ટેનાથી સજ્જ છે. તેની પાછળના ભાગમાં મંગળની લાલ સપાટી વિશાળ દેખાય છે. આ અવકાશયાન ફોબોસ નામના નાના, ઘેરા રંગના અને અનિયમિત આકારના ઉપગ્રહ તરફ આગળ વધી રહ્યું છે.

સોમવારે એક અવકાશયાન લૉન્ચ કરવામાં આવશે, જે મંગળના ઉપગ્રહ ફોબોસનો એક ટુકડો મેળવીને તેને પૃથ્વી પર પાછો લાવવાનો પ્રયાસ કરશે.

જો આ મિશન સફળ રહેશે, તો મંગળ અથવા તેના ઉપગ્રહોમાંથી કોઈ નમૂનો પૃથ્વી પર લાવીને અહીંની પ્રયોગશાળાઓમાં તેનું વિશ્લેષણ કરવામાં આવશે, તેવી આ પ્રથમ ઘટના બનશે.

અવકાશયાન જાપાનમાંથી પ્રક્ષેપિત કરવામાં આવશે અને ઑગસ્ટ 2027માં ફોબોસ પર પહોંચશે.

આશા રાખવામાં આવે છે કે માર્સ મૂન્સ એક્સપ્લોરેશન (MMX) મિશન, જેનું નેતૃત્વ જાપાન સ્પેસ એજન્સી કરી રહી છે, તે મંગળના ઉપગ્રહોની રચના કેવી રીતે થઈ હતી તે રહસ્યનો ઉકેલ લાવશે.

નમૂનાઓના વિશ્લેષણ માટે MMX મિશનનાં ઉપપ્રમુખ પ્રોફેસર સારા રસેલ, જે નૅચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ સાથે જોડાયેલાં છે, તેમણે કહ્યું હતું કે, “ફોબોસ સુધી જઈને ત્યાંથી નમૂનો લઈને તેને પૃથ્વી પર પરત લાવવાનું અત્યાર સુધી કોઈ સફળ મિશન થયું નથી.”

તેમણે વધુમાં કહ્યું હતું કે, “મને લાગે છે કે આ એક અત્યંત મહત્ત્વાકાંક્ષી અને રોમાંચક મિશન છે.”

આ મિશનનો હેતુ શું છે?

ઇન્ફોગ્રાફિક

આંતરિક સૌરમંડળમાં માત્ર ત્રણ ઉપગ્રહો છે: આપણો પોતાનો ચંદ્ર અને મંગળની આસપાસ ફરતા બે ઉપગ્રહો, જેમનાં નામ ફોબોસ અને ડીમોસ છે.

આ બંને ઉપગ્રહો અત્યંત નાના છે. ફોબોસનો વ્યાસ આશરે 20 કિલોમીટર (12 માઇલ) છે અને ડીમોસનો વ્યાસ આશરે 10 કિલોમીટર (છ માઇલ) છે. તેમનો આકાર પણ અનિયમિત છે, અને તેઓ અવકાશમાં તરતા બટાકા જેવા દેખાય છે.

MMX અવકાશયાન મંગળના વિસ્તારમાં પહોંચશે ત્યારે ડીમોસનો અભ્યાસ કરશે અને ત્યાર પછી ફોબોસ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

આ મિશનનો હેતુ ભૂપ્રદેશની શોધખોળ કરવા માટે એક નાનું રોવર ઉતારવાનો પણ છે, જોકે આ કામ સહેલું નહીં હોય.

સારા રસેલ કહે છે કે આટલા નાના ઉપગ્રહ પર આજ સુધી કોઈએ રોવર ઉતાર્યું નથી.

તેમણે સમજાવ્યું, “આ ઉપગ્રહનું પોતાનું ગુરુત્વાકર્ષણ બહુ ઓછું છે.”

“પરંતુ તેની નજીક જ એક વિશાળ ગ્રહ છે, જેનું ગુરુત્વાકર્ષણ ઘણું વધારે છે, અને તેના કારણે રોવરને ઉપગ્રહની સપાટી પર ઉતારવાનું કામ ઘણું મુશ્કેલ બની જાય છે.”

માત્ર 10 ગ્રામ સામગ્રી લવાશે

મંગળને તેના ઉપગ્રહો આશરે 450 કરોડ વર્ષ પહેલાં મળ્યા હતા, પરંતુ તેમની રચના કેવી રીતે થઈ હતી એ કોઈ જાણતું નથી.

રોવર ઉતરાણ માટે યોગ્ય સ્થળની તપાસ કરશે, જેથી MMX અવકાશયાન પોતે પાછળથી ફોબોસની સપાટી પર ઊતરી શકે.

સપાટી પર પહોંચ્યા પછી, તે ચંદ્રની ધૂળના કેટલાક નમૂના એકત્રિત કરવા માટે એક રોબૉટિક હાથ અને નમૂના એકત્રિત કરવાનાં બે સાધનો બહાર કાઢશે.

આ સામગ્રીને એક નાનકડી કૅપ્સ્યુલમાં પૅક કરવામાં આવશે. આ કૅપ્સ્યુલ 2031માં પૃથ્વી પર પાછી ફરશે અને દક્ષિણ ઑસ્ટ્રેલિયાના વૂમેરા રણમાં ઊતરશે.

પાછી લાવવામાં આવનારી સામગ્રીનું પ્રમાણ બહુ જ ઓછું હશે—માત્ર 10 ગ્રામ.

જાપાનના આ મિશન સાથે કામ કરી રહેલાં લેસ્ટર યુનિવર્સિટીનાં ડૉ. ક્રિસા અવડેલિડૂએ કહ્યું, “ખરેખર, આ પ્રમાણ ઘણું ઓછું છે.”

તેમણે કહ્યું, “પરંતુ ધૂળના એક-એક કણ પર પણ અનેક અભ્યાસ કરી શકાય છે.”

“વૈજ્ઞાનિક સંશોધન કરવા માટે કોઈ ગ્રહની સપાટી પરથી કિલોગ્રામના હિસાબે નમૂના પાછા લાવવાની જરૂર નથી. એટલે ધૂળનો એકે એક ગ્રામ મૂલ્યવાન છે.”

આ નમૂનાથી શું મદદ મળશે?

અવકાશયાન ફોબોસની સપાટી પરથી ચંદ્રની ધૂળના 10 ગ્રામ નમૂના એકત્રિત કરશે.

વિજ્ઞાનીઓ માને છે કે આ નમૂનો મંગળના ઉપગ્રહો આખરે ક્યાંથી આવ્યા એ કોયડો ઉકેલવામાં મદદ કરશે.

આ અંગે બે અલગ-અલગ માન્યતાઓ છે.

એક માન્યતા મુજબ, મંગળના ઇતિહાસના પ્રારંભિક તબક્કામાં અવકાશમાંથી આવેલો એક ખડક મંગળ સાથે અથડાયો હતો અને તેમાંથી છૂટેલા કાટમાળમાંથી ફોબોસ તેમજ ડીમોસની રચના થઈ હતી.

બીજી માન્યતા મુજબ, આ બંને ઉપગ્રહો બાહ્ય સૌરમંડળમાંથી ભટકતા આવેલા બે લઘુગ્રહો છે, જેને મંગળના ગુરુત્વાકર્ષણે પોતાની તરફ ખેંચી લીધા હતા.

સારા રસેલે કહ્યું, “નમૂનો પાછો આવશે, ત્યારે અમે તેની રાસાયણિક રચના અને તેમાં રહેલાં ખનિજોનો ઝીણવટભર્યો અભ્યાસ કરી શકીશું. આ બંને પરિકલ્પનાઓનાં પરિણામો એકબીજાથી સ્પષ્ટપણે અલગ હશે.”

તેમણે કહ્યું, “લગભગ તરત જ સ્પષ્ટ થઈ જશે કે આ નમૂનો આવી કોઈ પ્રચંડ અથડામણનું પરિણામ છે કે પછી ગુરુત્વાકર્ષણ દ્વારા પકડાયેલો લઘુગ્રહ છે. એટલે અમે આ વાતનો જવાબ બહુ ઝડપથી મેળવી લઈશું.”

આ ટીમને આશા છે કે આ નમૂના સાથે તેમની પ્રયોગશાળાઓમાં એક વધારાની ભેટ પણ આવી શકે છે.

રસેલે કહ્યું, “ખૂબ જ રોમાંચક બાબતોમાંની એક એ છે કે ફોબોસ મંગળની સપાટીની એટલો નજીક છે કે જ્યારે પણ મંગળની સપાટી પર કોઈ અથડામણ થાય છે, ત્યારે તેના કારણે છૂટેલા ધૂળનાં નાના કણો ફોબોસમાં જ સમાઈ જઈ શકે છે.”

તેમણે કહ્યું, “એનો અર્થ એ થયો કે આપણને પાછા મળનારા નમૂનામાં મંગળના કણો પણ હોઈ શકે છે. તેથી આપણને મંગળની રચના અને તેના ઇતિહાસ વિશે સીધી માહિતી મળી શકે છે.”

વૈજ્ઞાનિકોની લાંબા સમયની ઇચ્છા

મંગળના ઉલ્કાપિંડો દુર્લભ છે. અહીં દર્શાવેલો ઉલ્કાપિંડ નેચરલ હિસ્ટરી મ્યુઝિયમમાં પ્રદર્શિત છે.

મંગળ પરથી નમૂનાઓ પૃથ્વી પર પાછા લાવવાની મહત્ત્વાકાંક્ષા અવકાશ વૈજ્ઞાનિકો લાંબા સમયથી ધરાવે છે.

નાસાનું પર્સિવરન્સ રોવર 2021થી મંગળની શોધખોળ કરી રહ્યું છે. તે મંગળ પરથી કાળજીપૂર્વક નમૂનાઓ એકત્રિત કરીને તેમને ખાસ નળાકાર પાત્રોમાં સાચવી રહ્યું છે.

નાસા અને યુરોપિયન અવકાશ સંસ્થાનું ‘માર્સ સેમ્પલ રિટર્ન’ નામનું બીજું મિશન આ નળાકાર પાત્રોને એકત્રિત કરીને પૃથ્વી પર પાછાં લાવવાનું હતું. પરંતુ અમેરિકી કૉંગ્રેસે આ મિશન માટેનું ભંડોળ અટકાવી દીધા પછી, હકીકતમાં આ મિશન રદ થઈ ગયું છે.

ચીન મંગળ પરથી નમૂનાઓ એકત્રિત કરવાનું પોતાનું મિશન તૈયાર કરી રહ્યું છે, જે 2028માં અવકાશમાં છોડવામાં આવનાર છે. આ મિશન દ્વારા 2031માં મંગળની સામગ્રી પૃથ્વી પર પાછી લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

મંગળના ઉલ્કાપિંડોના સ્વરૂપે આ લાલ ગ્રહના કેટલાક ટુકડા આપણી પાસે પૃથ્વી પર પહેલેથી જ છે.

આ ટુકડા મંગળની સપાટી પર લઘુગ્રહોના અથડાવાને કારણે બહાર ફેંકાયા હતા અને અંતે અવકાશમાં ફંગોળાઈને પૃથ્વી તરફ આવ્યા હતા.

મંગળના ઉલ્કાપિંડો અત્યંત દુર્લભ છે. પરંતુ પૃથ્વી પર પડતા અવકાશી ખડકોની જેમ, અહીં પહોંચતાં જ તેઓ દૂષિત થઈ જાય છે. હવા, ધૂળ, માટી અને પાણી સાથે ભળી જવાથી તેમની મૂળ સ્થિતિ બદલાઈ જાય છે.

વૈજ્ઞાનિકો મંગળ અને તેના ઉપગ્રહોમાંથી સીધા નમૂના મેળવવા માટે આતુર છે, કારણ કે આવા નમૂના સંપૂર્ણપણે દૂષણમુક્ત અને શુદ્ધ હશે.

MMX મિશનનું પ્રક્ષેપણ 20 ઑક્ટોબરે સ્થાનિક સમય અનુસાર સવારે 4:41 વાગ્યે (19 ઑક્ટોબરે બ્રિટિશ સમય અનુસાર રાત્રે 8:41 વાગ્યે) તાનેગાશિમા અવકાશ કેન્દ્ર પરથી થવાનું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS