Home તાજા સમાચાર gujrati મુકેશ અંબાણીને મળવા અમેરિકાના વિદેશમંત્રી છેક જામનગર કેમ ગયા?

મુકેશ અંબાણીને મળવા અમેરિકાના વિદેશમંત્રી છેક જામનગર કેમ ગયા?

5
0

Source : BBC NEWS

અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોએ ગયા અઠવાડિયા ગુજરાતના જામનગરમાં આવેલી રિફાઇનરીની મુલાકાત લીધી અને મુકેશ અંબાણી સાથે પણ મુલાકાત કરી હતી

અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયો છ મહિનાની અંદર બીજી વખત ભારતની મુલાકાતે આવ્યા હતા.

આ મુલાકાત દરમિયાન સૌથી વધુ ચર્ચા એ વાતની થઈ રહી છે કે રુબિયોએ દિલ્હી બદલે જામનગર જવાનું કેમ પસંદ કર્યું અને ગુજરાતની જામનગરમાં આવેલી રિફાઇનરીનો ભારત-અમેરિકા સંબંધોના ભવિષ્ય સાથે આખરે શું સંબંધ છે?

મુંબઈમાં રુબિયોની તાતા અને અદાણી જૂથના પ્રતિનિધિઓ સાથેની મુલાકાત તેમજ જામનગરમાં મુકેશ અંબાણી સાથેની ચર્ચા એ સંકેત આપે છે કે ભારતની ઔદ્યોગિક શક્તિ અને દેશની વિદેશનીતિ વચ્ચેનો સંબંધ સતત વધુ ગાઢ બનતો જઈ રહ્યો છે.

બીજી તરફ, અમેરિકામાં ઈંધણના ભાવ વધી રહ્યા છે અને નવેમ્બરમાં મધ્યાવધિ ચૂંટણી યોજાવાની છે.

ટ્રમ્પ પોતાના બંને કાર્યકાળ દરમિયાન અત્યાર સુધીની સૌથી નીચી અપ્રૂવલ રેટિંગનો સામનો કરી રહ્યા છે.

આવા સમયે ભારત સાથે ઊર્જા ક્ષેત્રમાં સહકાર વધારવો અને ભારતીય કંપનીઓ પાસેથી અમેરિકામાં વધુ રોકાણ મેળવવું અમેરિકન સરકારની મહત્ત્વપૂર્ણ પ્રાથમિકતાઓમાં સામેલ થઈ ગયું છે.

બીબીસી હિન્દીનો સાપ્તાહિક ન્યૂઝ બુલેટિન શો ધ લેન્સ

ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. બંને દેશો વચ્ચે તણાવનું એક મોટું કારણ રશિયાથી ભારતની ઑઇલ ખરીદી અંગે અમેરિકા દ્વારા કરવામાં આવતું દબાણ રહ્યું છે. આવા વાતાવરણમાં અમેરિકાની ઊર્જા વ્યૂહરચનામાં રિલાયન્સનું વધતું મહત્ત્વ એક મોટો સવાલ કરે છે.

શું ભારત આ કંપનીના આર્થિક પ્રભાવનો ઉપયોગ રાજદ્વારી સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે કરી શકે છે?

અને જ્યારે વેપારી હિતો વિદેશનીતિ સાથે પહેલાં કરતાં વધુ ઊંડાઈથી જોડાઈ રહ્યાં છે, ત્યારે ભારતના રાજદ્વારી નિર્ણયો પર ખાનગી કંપનીઓનો પ્રભાવ આખરે કેટલો વધવાનો છે?

આ પ્રશ્નોના જવાબ શોધવા માટે કલેક્ટિવ ન્યૂઝરૂમના ડિરેક્ટર ઑફ જર્નલિઝમ મુકેશ શર્માએ ઑઇલ ક્ષેત્રના જાણકાર નરેન્દ્ર તનેજા અને રાજદ્વારી મામલાઓનાં પત્રકાર તૃપ્તિનાથ સાથે ચર્ચા કરી હતી.

‘રિલાયન્સની રિફાઇનરી અમેરિકામાં ચૂંટણીનો મુદ્દો’

રિલાયન્સની જામનગરમાં આવેલી રિફાઇનરી વિશ્વની સૌથી મોટી અને સૌથી આધુનિક રિફાઇનરીઓમાંની એક છે (ફાઇલ ફોટો)

માર્કો રુબિયોની મુંબઈમાં એસ. જયશંકર સાથે મુલાકાત થઈ હતી અને ત્યાર બાદ તેઓ જામનગર ગયા હતા.

ઘટનાઓ અને સ્થળોના આ ક્રમના આધારે અમેરિકાની પ્રાથમિકતાઓ વિશે વાત કરતાં તૃપ્તિનાથ કહે છે કે મુંબઈ ભારતની આર્થિક રાજધાની અને વેપારનું મુખ્ય કેન્દ્ર છે. જોકે, રુબિયો આ વખતે વેપાર, ઉદ્યોગ અને ટૅક્નૉલૉજી સંબંધિત મુદ્દાઓ પર વધુ ભાર મૂકી રહ્યા હતા, તેથી તેમનું મુખ્ય ધ્યાન મુંબઈ પર કેન્દ્રિત રહ્યું. આથી તેઓ દિલ્હી ન ગયા.

જ્યાં સુધી જામનગર જવાની વાત છે, તો ત્યાં વિશ્વની સૌથી મોટી ઑઇલ શુદ્ધીકરણની સુવિધા છે અને તેની ક્ષમતા પણ અત્યંત નોંધપાત્ર છે. આ કારણે જ રુબિયોએ ભારતને ઑઇલ રિફાઇનિંગ ક્ષેત્રની મહાશક્તિ પણ ગણાવ્યું હતું.

તૃપ્તિનાથ વધુમાં કહે છે કે આ વખતે રુબિયોની જામનગર મુલાકાતને ઘણું મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે, કેમ કે આવતા મહિને અમેરિકામાં મધ્યાવધિ ચૂંટણી થવાની છે. ત્યાં ડીઝલના ભાવનો મુદ્દો ચૂંટણીમાં ખૂબ મોટો બની ગયો છે.

આ મુદ્દાને આગળ વધારતાં નરેન્દ્ર તનેજા કહે છે કે અમેરિકાના વિદેશમંત્રી જામનગર એટલા માટે પણ ગયા કે રિલાયન્સ અમેરિકામાં એક મોટી રિફાઇનરી સ્થાપિત કરી રહી છે.

તેમણે કહ્યું કે છેલ્લાં 50 વર્ષમાં અમેરિકામાં કોઈ નવી રિફાઇનરી બની નહોતી. ત્યાં ઑઇલ ઉદ્યોગને પ્રદૂષણ સાથે જોડીને તેના વિરોધમાં વાતાવરણ ઊભું કરવામાં આવતું રહ્યું છે. કોઈ પણ રાજ્ય પોતાના વિસ્તારમાં નવી રિફાઇનરી સ્થાપિત કરવા ઉત્સુક નહોતું, કારણ કે એવું માનવામાં આવતું હતું કે તેનાથી પ્રદૂષણ વધે છે.

અમેરિકામાં હવે ચૂંટણીઓ નજીક છે અને ટૅક્સાસ રાજ્યમાં રિલાયન્સની રિફાઇનરી ચૂંટણીનો મહત્ત્વનો મુદ્દો બની ગઈ છે.

સૅનેટની ચૂંટણીઓમાં પણ આ એક મોટો મુદ્દો છે. નરેન્દ્ર તનેજાના જણાવ્યા અનુસાર, અમેરિકાના વિદેશમંત્રીએ અહીં આવીને પોતાના મતદારોને એવો સંદેશ આપવા પ્રયત્ન કર્યો છે કે તેઓ તેમના માટે આટલી મોટી રિફાઇનરી લઈને આવી રહ્યા છે.

‘કૂટનીતિમાં રાષ્ટ્રીય જરૂરિયાતો સૌપ્રથમ આવે’

ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર (ડાબે), અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયો, ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર અને ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી

એક તરફ અમેરિકા ભારતને રશિયાથી ક્રૂડઑઇલ ખરીદવાનું ટાળવા કહે છે. બીજી તરફ એવું પણ જોવા મળે છે કે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમેરિકા પોતે જ તેમાં છૂટ આપવાની વાત કરે છે.

અમેરિકાની વિદેશનીતિમાં દેખાતા આ વિરોધાભાસ અંગે નરેન્દ્ર તનેજાએ કહ્યું, “આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કોઈ કાયમી મિત્ર હોતો નથી. ઘણા લોકો માને છે કે રશિયા આપણો મિત્ર છે, પરંતુ રાજકારણને આ રીતે જોવું યોગ્ય નથી. આપણે એ જોવું જોઈએ કે આપણી જરૂરિયાતો શું છે.”

“સવાલ એ નથી કે અમેરિકા શું કરી રહ્યું છે, પરંતુ એ છે કે આપણે આ પરિસ્થિતિઓનો સામનો કેવી રીતે કરીએ અને પોતાનાં હિતોની રક્ષા કેવી રીતે કરીએ.”

“અમેરિકાની અંદર પણ એવી સમજણ છે કે ભારતે રશિયાથી ઑઇલ ખરીદવાનું ચાલુ રાખવું જોઈએ. જો ભારત રશિયન ઑઇલ ખરીદવાનું બંધ કરી દે, તો વિશ્વભરમાં ઑઇલના ભાવ વધી શકે છે.”

“અમેરિકા દુનિયામાં ઑઇલનો સૌથી મોટો વપરાશકાર છે. ઑઇલ મોંઘું થવાથી અમેરિકન ગ્રાહકો પર વધારાનો બોજ પડશે. અમેરિકા આવું ઇચ્છતું નથી.”

રાજદ્વારી મામલાઓનાં પત્રકાર તૃપ્તિનાથ

તૃપ્તિનાથ કહે છે કે કૂટનીતિ પરિસ્થિતિઓ પ્રમાણે બદલાતી રહે છે, જે રીતે રાજકારણમાં સમીકરણો સતત બદલાતાં રહે છે. કૂટનીતિમાં સૌથી પહેલાં પોતાની રાષ્ટ્રીય જરૂરિયાતો અને હિતોને ધ્યાનમાં લેવા પડે છે.

તેમણે કહ્યું, “રુબિયો અહીં આવ્યા અને જામનગર પણ ગયા. તેઓ માત્ર કોઈ ખાનગી કંપનીના માળખાકીય પ્રોજેક્ટને જોવા માટે આવ્યા નહોતા. તેમણે અહીં આવીને એવું પણ કહ્યું કે પેટ્રોલિયમ ત્યાં સુધી ઉપયોગી નથી, જ્યાં સુધી તેનું પ્રોસેસિંગ ન કરવામાં આવે.”

“રિલાયન્સ અમેરિકામાં પણ રોકાણ કરી રહી છે. તેથી સ્વાભાવિક છે કે અમેરિકા પોતાનાં હિતો પર નજર રાખશે અને હિતોને જોશે.”

‘ઑઇલની રાષ્ટ્રીયતા નહીં, તેની કિંમત જોઈએ છીએ’

21 ઑક્ટોબરે જામનગરમાં (ડાબેથી) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણી, ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર, મુકેશ અંબાણી અને અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયો

જો આવનારા સમયમાં ભારત અમેરિકા અને વેનેઝુએલાથી વધુ પ્રમાણમાં ઑઇલ ખરીદવાનું શરૂ કરે, તો પરંપરાગત રીતે જ્યાંથી ભારત ઑઇલ આયાત કરતું આવ્યું છે તે મધ્યપૂર્વના દેશો સાથેના સંબંધો પર શું અસર પડશે?

તૃપ્તિનાથ કહે છે કે જે દેશોમાંથી ભારત પરંપરાગત રીતે ઑઇલ ખરીદતું હતું, ત્યાં પુરવઠામાં અવરોધો પેદા થયા હતા. આથી ભારતે ઑઇલ આયાતના સ્રોતોમાં વિવિધતા લાવવાનું શરૂ કર્યું.

તેઓ કહે છે, “દરેક દેશ પોતાની પરિસ્થિતિ અને ઊર્જા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આયાતના સ્રોતોમાં વિવિધતા લાવે છે. તેમાં કોઈ વાંધો નથી. આખરે, આપણા માટે સૌથી મહત્ત્વનું એ છે કે પુરવઠો ખોરવાઈ ન જાય. આપણી જરૂરિયાતો પૂરી થતી રહે અને દેશનું કામકાજ સતત ચાલતું રહે તે જરૂરી છે.”

નરેન્દ્ર તનેજા કહે છે કે આપણી અર્થવ્યવસ્થા ઑઇલ પર આધારિત છે. ઑઇલ વગર ઘણી બાબતો શક્ય નથી. રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓમાં પણ આશરે 65 ટકા સુધી ઑઇલ આધારિત ઉત્પાદનોનો ફાળો હોઈ શકે છે. પરંતુ આપણી પાસે જરૂરિયાત મુજબનું પૂરતું ઑઇલ ઉપલબ્ધ નથી.

તેઓ કહે છે, “આથી આપણે ઑઇલની આયાત કરીએ છીએ અને જ્યાંથી તે ઉપલબ્ધ હોય ત્યાંથી ખરીદીએ છીએ. આપણે કુલ જરૂરિયાતમાંથી આશરે 89 ટકા ઑઇલ આયાત કરવું પડે છે. છતાં પણ આપણા દેશમાં 23થી વધુ ઑઇલ રિફાઇનરી છે, જેમાં કેટલીક વિશ્વની શ્રેષ્ઠ રિફાઇનરીઓમાં ગણાય છે.”

“આપણે વર્ષોથી ખાડી દેશોમાંથી ઑઇલ ખરીદતા આવ્યા છીએ. ત્યાં યુદ્ધ શરૂ થયા પછી રશિયાથી વધુ ઑઇલ ખરીદવાનું શરૂ કર્યું હતું. આપણી નીતિ સ્પષ્ટ છે કે અમે ઑઇલની રાષ્ટ્રીયતા નથી જોતા, તેની કિંમત જોઈએ છીએ. ભલે તે દુનિયાના કોઈ પણ ખૂણેથી મળે.”

“આજે આપણે 43 દેશોમાંથી ક્રૂડઑઇલ આયાત કરીએ છીએ. આપણી રિફાઇનરીઓમાં તેનું પ્રોસેસિંગ કર્યા બાદ દેશની જરૂરિયાતો પૂરી કરીએ છીએ. ત્યાર બાદ વધારાનાં ઑઇલ ઉત્પાદનોનું 106 દેશોમાં નિકાસ કરીએ છીએ. તેના દ્વારા આપણને મોટી માત્રામાં ડૉલર અને વિદેશી મુદ્રા પ્રાપ્ત થાય છે.”

‘ભારત કોઈ સાચું-ખોટું નક્કી કરવાની સ્થિતિમાં નથી’

ઑઇલ ક્ષેત્રના જાણકાર નરેન્દ્ર તનેજા

નરેન્દ્ર તનેજા કહે છે, “અમેરિકાએ વેનેઝુએલાને જાણે પોતાની વસાહત જેવું બનાવી દીધું છે. ભારત પાસે એવી સુવિધા નથી કે બેસીને નક્કી કરે કે કોણ સાચું છે, કોણ ખોટું છે અથવા ઑઇલ કયા દેશનું છે.”

“આપણને ઑઇલની જરૂર છે, કારણ કે આપણી અર્થવ્યવસ્થાનો આધાર અને કરોડરજ્જુ ઑઇલ છે. તેથી આપણી વ્યવહારુ કૂટનીતિ અને નીતિ એ જ છે કે જ્યાંથી ઑઇલ ઉપલબ્ધ થાય, ત્યાંથી તેને ખરીદવું.”

“હવે મને એવું લાગે છે કે અમેરિકાના વિદેશમંત્રી ઇચ્છે છે કે ભારતીય કંપનીઓ, ખાસ કરીને રિલાયન્સ, વેનેઝુએલાથી વધુ ઑઇલ ખરીદે અને તેનું પ્રોસેસિંગ કરે.”

“રિલાયન્સ 106 દેશોમાં પેટ્રોલિયમ ઉત્પાદનો વેચે છે. શક્ય છે કે અમેરિકાની તરફથી એવી દરખાસ્ત હોય કે તમે વધુ પેટ્રોલિયમ ઉત્પાદનો અમને વેચો.”

“અમે તમને વેનેઝુએલાથી સસ્તા ભાવે ઑઇલ ઉપલબ્ધ કરાવી દઈશું. આવી પ્રકારની ત્રિપક્ષીય વ્યવસ્થા અંગે ચર્ચા થઈ શકે છે.”

તેમણે વધુમાં કહ્યું કે જો આવો કોઈ કરાર થાય અને તેના પરિણામે ભારત પર અમેરિકાની નિર્ભરતા વધે, તો તે ભારત માટે મહત્ત્વપૂર્ણ વિકાસ ગણાશે.

વેનેઝુએલાનું ઑઇલ ભારતમાં પ્રોસેસ કરવામાં આવશે અને ત્યાર બાદ તે અમેરિકન બજારમાં વેચવામાં આવશે. આવી વ્યવસ્થામાં ભારતનું મહત્ત્વ વધુ વધી જશે.

તેમના જણાવ્યા અનુસાર, “આપણે આ સ્થિતિનો ઉપયોગ આપણાં હિત માટે કરી શકીએ છીએ. આ આપણા માટે એક એવો ફાયદાકારક મુદ્દો બની શકે છે, જેનો જરૂર પડ્યે ઉપયોગ કરી શકાય. અન્ય દેશો સાથેના સંબંધોમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરવા અને પોતાનો પ્રભાવ વધારવા માટે આ એક મહત્ત્વપૂર્ણ કૂટનીતિક લાભ સાબિત થઈ શકે છે.”

‘કંપનીનો ફાળો દેશહિતમાં પણ હોઈ શકે’

ગયા વર્ષે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથવિધિ સમારંભમાં મુકેશ અંબાણી અને તેમનાં પત્ની નીતા અંબાણી હાજર રહ્યાં હતાં

સવાલ એ થાય છે કે જ્યારે કોઈ બીજા દેશની સરકાર પોતાના વિદેશમંત્રીના પ્રવાસ દરમિયાન કોઈ એક ખાનગી કંપનીને આટલું મહત્ત્વ આપે, ત્યારે શું તે કંપનીને બંને દેશોના સંબંધોમાં અયોગ્ય લાભ અથવા વધારાનો પ્રભાવ મળતો નથી?

તૃપ્તિનાથ કહે છે કે આ મુદ્દાને આ દૃષ્ટિકોણથી જોવાની જરૂર નથી, કારણ કે આખરે તે કંપનીનો ફાળો દેશના હિતમાં પણ હોઈ શકે છે.

તેઓ કહે છે, “હું તમને એક ઉદાહરણ આપવા માગું છું. માનો કે કોઈ કંપની બુલેટ ટ્રેન બનાવે છે. હવે તેનો લાભ માત્ર તે કંપનીને જ નહીં, પરંતુ જાપાનને પણ મળશે. એક દેશ તરીકે જાપાનને પણ તેનો ફાયદો થશે.”

“આ જ રીતે બીજી કોઈ કંપની પણ હોઈ શકે છે, જેની પાસે કોઈ વિશિષ્ટ વસ્તુ બનાવવાની ક્ષમતા હોય. જો એ ક્ષમતા દેશનાં રાષ્ટ્રીય હિતોને પૂર્ણ કરતી હોય, તો મને નથી લાગતું કે તેમાં કોઈ સમસ્યા છે અથવા પછી કોઈએ આ વાતનો વિરોધ કરવો જોઈએ કે વિદેશમંત્રી તે કંપનીમાં કેમ ગયા અને તેમણે ત્યાંના પ્લાન્ટની મુલાકાત કેમ લીધી.”

નરેન્દ્ર તનેજા કહે છે કે જ્યારે કંપનીઓ કોઈ દેશની અર્થવ્યવસ્થા અને ઊર્જા સુરક્ષા માટે અનિવાર્ય બની જાય છે, ત્યારે તેનું મહત્ત્વ ખૂબ વધી જાય છે. આજે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થામાં અને ભારત જેવા મોટા દેશોમાં પણ મોટી કંપનીઓની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ છે. પછી તે રિલાયન્સ હોય કે તાતા.”

તનેજા કહે છે, “જો આપણે ભારતનાં ત્રણ મોટાં નિકાસ ક્ષેત્રો પર નજર કરીએ, જે ભારતીય અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે, તો તેમાં હીરા અને દાગીના, માહિતી પ્રૌદ્યોગિકી (આઇટી) સેવાઓ અને પેટ્રોલિયમ ઉત્પાદનોનો સમાવેશ થાય છે. આમાંથી પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસનો મોટો હિસ્સો રિલાયન્સ દ્વારા કરવામાં આવે છે.”

“આ રીતે દેશની અર્થવ્યવસ્થામાં કંપનીનું મહત્ત્વ ઘણું વધારે છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે આજે પણ સમગ્ર વિશ્વની રાજનીતિ અને અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ ઊર્જા છે અને ઊર્જામાં પણ ખાસ કરીને ઑઇલનું ખૂબ મહત્ત્વ છે. વિશ્વ રાજકારણમાં લાંબા સમયથી એક જૂની ધારણા રહી છે કે જેનું ઑઇલ પર નિયંત્રણ હોય, તેનું વિશ્વ પર પણ નિયંત્રણ રહે.”

તનેજા એ પણ માને છે કે કોઈ એક કંપની અત્યંત પ્રભાવશાળી બની જાય, તો તેને નીતિગત નિર્ણયો પર અયોગ્ય લાભ મળવાની શક્યતા રહે છે.

તેમના કહેવા મુજબ, સરકારની જવાબદારી છે કે આવી કંપનીઓનું યોગ્ય નિયમન કરે અને ખાતરી કરે કે તેઓ પોતાના પ્રભાવ અથવા કદનો દુરુપયોગ ન કરે.

તેઓ કહે છે કે આ માટે જ નિયામક સંસ્થાઓ હોય છે. પેટ્રોલિયમ ક્ષેત્ર માટે પણ નિયામક છે અને ગૅસ ક્ષેત્ર માટે પણ નિયામક સંસ્થાઓ કાર્યરત્ છે. તેનું કામ એ સુનિશ્ચિત કરવાનું છે કે તે સંપૂર્ણ સતર્કતાથી કરે, જેમ ભારતીય સિક્યૉરિટીઝ ઍન્ડ ઍક્સચેન્જ બોર્ડ (સેબી) કરે છે.

તેથી નિયામક સંસ્થાઓ નિષ્પક્ષ રહે અને કોઈ રાજકીય પક્ષ કે જૂથ તરફ ઝુકાવ રાખ્યા વગર કાર્ય કરે, તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS