Source : BBC NEWS
ઇમેજ સ્રોત, mbkharrazi.ir
ઈરાનમાં સત્તાની આસપાસ હંમેશાં એવા લોકો રહ્યા છે, જેમને ‘આંતરિક વર્તુળો માટે મુશ્કેલી ઊભી કરનારાં તત્ત્વો’ કહી શકાય.
આ લોકો ન તો કોઈ સરકારી પદ પર હોય છે અને ન તો તેમની કોઈ સત્તાવાર હેસિયત હોય છે, પરંતુ સત્તાકેન્દ્ર સાથે તેમની નિકટતા એટલી વધુ હોય છે કે તેમની વાતોને સંપૂર્ણપણે અવગણવી શક્ય બનતું નથી.
પારિવારિક સંબંધો, ધાર્મિક હેસિયત અથવા કોઈ પ્રમાણમાં નાનાં સંગઠન સાથેનો સંબંધ આવા લોકોને પડદા પાછળ લેવાતા નિર્ણયો વિશેની માહિતી જાહેરમાં લાવવાની તક આપે છે. તેઓ ઉચ્ચ સરકારી અધિકારીઓ પર આરોપ લગાવી શકે છે અથવા તેમને ધમકી પણ આપી શકે છે.
તેઓ એવાં નિવેદનો પણ આપી શકે છે, જેના પર સત્તાનાં ઉચ્ચ વર્તુળોમાંથી પ્રતિક્રિયા અને ખંડન સામે આવે છે.
આ બધું હોવા છતાં આવા લોકો સત્તાના સુરક્ષિત દાયરામાં જ ટકી રહે છે. થોડા સમય બાદ તેઓ કોઈ નવા દાવા સાથે ફરી જાહેરમાં જોવા મળે છે.
મોહમ્મદ બાકર ખરાઝીમાં ઉપર જણાવાયેલી ઘણી વિશેષતા જોવા મળે છે.
તેઓ એક ધાર્મિક વ્યક્તિ છે અને તેમની પાસે કોઈ સરકારી પદ નથી. તેઓ ‘હિઝબુલ્લાહ ઈરાન’ નામના સંગઠનના મહાસચિવ છે. જોકે, ઈરાનની રાજનીતિમાં આ સંગઠનનું વાસ્તવિક મહત્ત્વ અને હેસિયત કેટલાં છે તે સ્પષ્ટ નથી.
આ ઉપરાંત, તેમનો સંબંધ એવા પરિવાર સાથે છે, જેના સંબંધો ધાર્મિક મદરસા, રાજદ્વારી વર્તુળો અને ખામેનેઈ પરિવાર સાથે જોડાયેલા છે.
મોહમ્મદ બાકર ખરાઝી કેમ ચર્ચામાં રહે છે?
મોહમ્મદ બાકર ખરાઝી પોતાની આ પૃષ્ઠભૂમિ અને હેસિયતના આધારે એવાં ‘રહસ્યો’ જાહેર કરે છે, જેના વિશે બોલવા બદલ ઈરાન જેવા દેશમાં કોઈ અન્ય વ્યક્તિને ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે.
તાજેતરમાં તેમણે દાવો કર્યો હતો કે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન 27 અથવા 28 વખત રાજીનામું આપી ચૂક્યા છે અથવા એવું કરવાની ધમકી આપી ચૂક્યા છે. તેમના કહેવા મુજબ, સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈએ મસૂદ પેઝેશ્કિયાનના આ વલણ અંગે લેખિત જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે જો પેઝેશ્કિયાન ફરી રાજીનામું આપશે તો તેઓ તેને સ્વીકારી લેશે, એટલે કે ઈરાનના રાષ્ટ્રપતિનું રાજીનામું મંજૂર કરી લેશે.
મોહમ્મદ બાકર ખરાઝીએ એવો દાવો પણ કર્યો હતો કે મોહમ્મદ બાકર ઝુલકદરને સુપ્રીમ નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલના સચિવ પદેથી હઠાવાઈ રહ્યા છે અને તેમની જગ્યાએ મોહસીન રઝાઈની નિમણૂક કરવામાં આવશે. તેમનો આ દાવો સાચો સાબિત થયો હોવાનું કહેવાય છે અને અલી ખામેનેઈએ તાજેતરમાં મોહસીન રઝાઈની નિમણૂકને મંજૂરી આપી છે.
બાકર ખરાઝીએ વધુમાં કહ્યું હતું કે વિદેશમંત્રી અબ્બાસ અરાગચીને જણાવી દેવામાં આવ્યું છે કે હવે તેમને વાટાઘાટમાં હસ્તક્ષેપ કરવાની મંજૂરી નહીં આપવામાં આવે.
ઈરાનના રાષ્ટ્રપતિ કાર્યાલયે મસૂદ પેઝેશ્કિયાનના રાજીનામા અંગે બાકર ખરાઝીનાં નિવેદનોને “સંપૂર્ણપણે ખોટાં અને બકવાસ” ગણાવ્યાં છે. બીજી તરફ, ઈરાનના સર્વોચ્ચ નેતાના કાર્યાલયે પણ મોજતબા ખામેનેઈ અંગે ખરાઝીએ કરેલા નિવેદનનું ખંડન કર્યું છે.
ખરાઝીનાં નિવેદનો અને ત્યાર બાદ આવેલાં ખંડનોને કારણે ઊભો થયેલો આ વિવાદ કોઈ નવી ઘટના નથી. તેના બદલે, તે લાંબા સમયથી ચાલતી આવતી એક શ્રેણીની વધુ એક કડી છે.
આ લાંબી શ્રેણીમાં ઈરાનથી અલગ થઈ ગયેલા વિસ્તારોને પાછા મેળવવાનાં વચનો, ડૉલરની કિંમત 1,000 તોમાન જેટલી થઈ જશે એવા દાવાઓ, સરકારને “તબાહ” કરવાની ધમકીઓ, પરમાણુ બૉમ્બ બનાવવાનાં સૂચનો અને અહીં સુધી કે અમેરિકાના દરિયાકિનારે સુનામી સર્જવા માટે પરમાણુ હથિયારોના ઉપયોગ જેવાં નિવેદનો પણ સામેલ રહ્યાં છે.
સવાલ એ છે કે મોહમ્મદ બાકર ખરાઝી કોણ છે? અને એટલાં વિવાદાસ્પદ તથા અસામાન્ય નિવેદનો છતાં તેઓ આજે પણ સરકારી વર્તુળોના આંતરિક મામલાઓ વિશે પોતાના દાવા કેવી રીતે જાહેર રીતે રજૂ કરી શકે છે?
ઈરાનના બાકર ખરાઝી કોણ છે?
ઇમેજ સ્રોત, mbkharrazi.ir
મોહમ્મદ બાકર ખરાઝીનો જન્મ 21 જુલાઈ, 1961ના રોજ ઈરાનના એક ધાર્મિક પરિવારમાં થયો હતો.
ઈરાનની સરકારી સમાચાર એજન્સી ‘ઇરના’ મુજબ, તેમનો જન્મ તહેરાનમાં થયો હતો. જોકે, તેમનો ઉછેર કોમ શહેરમાં થયો હતો. તેમના પિતા મોહસીન ખરાઝી, કોમના હૌઝા-એ-ઇલ્મિયાના વરિષ્ઠ શિક્ષકોમાં સામેલ હતા. તેઓ મજલિસ-એ-ખબરેગાન-એ-રહબરીના બીજા કાર્યકાળથી લઈને ચોથા કાર્યકાળ સુધી તહેરાનના પ્રતિનિધિ પણ રહ્યા હતા.
મોહમ્મદ બાકર ખરાઝીના યુવાનીનાં વર્ષો, શિક્ષણ અને અન્ય પ્રવૃત્તિઓ વિશેની મોટા ભાગની માહિતી એકબીજા સાથે જોડાયેલા બે સ્રોતમાંથી મળે છે. પ્રથમ, તેમની વ્યક્તિગત વેબસાઇટ પર તેમના એક શિષ્ય દ્વારા લખાયેલી તેમની જીવનકથા અને બીજું, માર્ચ 2023માં ઇરના દ્વારા પ્રકાશિત એક પરિચયાત્મક પ્રોફાઇલ. આ પ્રોફાઇલ મજલિસ-એ-ખબરેગાનની ચૂંટણીમાં તેમની ઉમેદવારી દરમિયાન પ્રકાશિત કરવામાં આવી હતી.
તેમની સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત જીવનચરિત્ર મુજબ, મોહમ્મદ બાકર ખરાઝી નાની ઉંમરથી જ ઈરાનના શાહ વિરુદ્ધની પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યા હતા.
ઇરનાએ 2023માં મજલિસ-એ-ખબરેગાનની ચૂંટણીમાં તેમની ઉમેદવારી સમયે લખ્યું હતું કે તેમણે પોતાના ભાઈ મોહમ્મદ સાદિક ખરાઝી સાથે ઇસ્લામિક ક્રાંતિ પહેલાં યોજાયેલાં પ્રદર્શનોમાં ભાગ લીધો હતો. નાની ઉંમરમાં આ જ કારણસર તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી.
એ જ અહેવાલમાં એવો દાવો પણ કરાયો હતો કે તે જ સમયગાળા દરમિયાન તેમણે કોમ શહેરના જમકરાન વિસ્તારની પહાડી ભૂમિમાં ‘હિઝ્બુલ્લાહનું પ્રથમ પ્રતિરોધક સેલ’ બનાવ્યું હતું. તેમણે હિઝ્બુલ્લાહ સાથે સંકળાયેલા લોકોને તાલીમ પણ આપી હતી.
ઈરાનમાં ઇસ્લામિક ક્રાંતિ બાદ મોહમ્મદ બાકર ખરાઝીએ પોતાનો શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યો અને કોમના હૌઝા-એ-ઇલ્મિયામાં પ્રવેશ લીધો. તેમની જીવનકથા મુજબ, તેમણે ફિક્હ અને ઉસૂલનો અભ્યાસ પોતાના પિતા તેમજ હૌઝાના અન્ય શિક્ષકો પાસેથી કર્યો હતો.
મોહમ્મદ બાકર ખરાઝીનું નામ 1990ના દાયકાની શરૂઆતથી ‘હિઝ્બુલ્લાહ ઈરાન’ અને એ જ નામના એક અખબાર સાથે જોડાયેલું રહ્યું છે. આ સંગઠન જાણીતા જૂથ ‘અન્સાર હિઝ્બુલ્લાહ’થી અલગ છે. મોહમ્મદ બાકર ખરાઝીને આ સંગઠનના મહાસચિવ અને તેના અખબારના સંપાદક તરીકે ઓળખાવવામાં આવે છે.
આ સંગઠનની કાનૂની હેસિયત સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. જોકે, એવું લાગે છે કે ‘હિઝ્બુલ્લાહ ઈરાન’ના મહાસચિવનું પદ છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી મોહમ્મદ બાકર ખરાઝીને એક સ્થાયી રાજકીય ઓળખ અને પોતાની વાત રજૂ કરવા માટેનું મંચ પૂરું પાડતું રહ્યું છે.
2023માં ઈરાનની કાઉન્સિલે કરમાન પ્રાંતમાંથી મજલિસ-એ-ખબરેગાનની ચૂંટણી લડવા માટે મોહમ્મદ બાકર ખરાઝીની ઉમેદવારીને મંજૂરી આપી હતી. જોકે, તેઓ પ્રાંતની ત્રણ બેઠકોમાંથી એક પણ બેઠક જીતવામાં સફળ રહ્યા નહોતા.
આ સિવાય લગભગ દસ વર્ષ પહેલાં તેમણે 2013ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ‘દૌલત-એ-સાલેહીન’ એટલે કે ‘નેક લોકોની સરકાર’ના સૂત્ર સાથે ઉમેદવાર તરીકે પોતાની નોંધણી કરાવી હતી. પરંતુ કાઉન્સિલે તેમની ઉમેદવારી નામંજૂર કરી દીધી હતી.
ખુમૈની અને ખામેનેઈ પરિવારો સાથેના સંબંધો
ઇમેજ સ્રોત, Hadi Zand – ISNA
મોહમ્મદ બાકર ખરાઝી ક્યારેય ઈરાની સરકારમાં કોઈ મોટા સરકારી પદ પર રહ્યા નથી. જોકે, તેમના પરિવારના સભ્યોએ હૌઝા-એ-ઇલ્મિયા, રાજદ્વારી ક્ષેત્ર અને ઇસ્લામિક ગણરાજ્ય ઈરાનના સર્વોચ્ચ નેતૃત્વ સાથે સંકળાયેલાં વર્તુળો સહિત અનેક પ્રભાવશાળી ક્ષેત્રોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
આ જ પૃષ્ઠભૂમિના કારણે તેમનાં નિવેદનોને (એવા સમયે પણ જ્યારે તેઓ પોતાના દાવાઓના સમર્થનમાં કોઈ પુરાવા રજૂ કરતા નથી) સામાન્ય ધાર્મિક અથવા રાજકીય કાર્યકરની તુલનામાં ઘણું વધુ ધ્યાન મળે છે.
તેમના ભાઈ મોહમ્મદ સાદિક ખરાઝી ઘણાં વર્ષો સુધી ઈરાનના વિદેશ મંત્રાલયમાં કાર્યરત્ રહ્યા છે. તેઓ ફ્રાન્સમાં ઈરાનના રાજદૂત પણ રહ્યા હતા અને બાદમાં સુધારાવાદી પક્ષ ‘નિદાએ ઈરાનિયાન’ના સ્થાપક બન્યા હતા.
તેમના કાકા કમાલ ખરાઝી પણ મોહમ્મદ ખાતમીના કાર્યકાળ દરમિયાન વિદેશમંત્રી રહ્યા હતા. બાદમાં 2006માં તેમને વિદેશી સંબંધો માટેની વ્યૂહાત્મક પરિષદના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ સંસ્થાની રચના અલી ખામેનેઈના આદેશ પર કરવામાં આવી હતી.
સાદિક અને કમાલ ખરાઝીની રાજકીય શૈલી અને ભાષા, મોહમ્મદ બાકર ખરાઝીના તુલનાત્મક રીતે કડક અને બિનપરંપરાગત અભિગમથી ઘણી અલગ રહી છે.
ખરાઝી પરિવારનો ખામેનેઈ પરિવાર સાથેનો સંબંધ મોહમ્મદ બાકર ખરાઝીનાં બહેન સોસન ખરાઝી દ્વારા જોડાય છે.
સોસન ખરાઝીનાં લગ્ન મસૂદ ખામેનેઈ સાથે થયાં છે. તેઓ અલી ખામેનેઈના ત્રીજા પુત્ર અને મોજતબા ખામેનેઈના નાના ભાઈ છે.
આ રીતે મસૂદ ખામેનેઈ, મોહમ્મદ બાકર ખરાઝીના બનેવી થાય છે. મસૂદ ખામેનેઈ જાહેરમાં બહુ ઓછા જોવા મળે છે. વિવિધ અહેવાલો અનુસાર, તેઓ પોતાના પિતા સાથે સંબંધિત દસ્તાવેજો અને વારસાના સંરક્ષણ તથા પ્રકાશન સાથે જોડાયેલી કચેરીની જવાબદારીઓ નિભાવતા રહ્યા છે.
પારિવારિક સંબંધોનું આ જાળું માત્ર ખામેનેઈ પરિવાર પૂરતું મર્યાદિત નથી.
સાદિક ખરાઝીના એક પુત્રનાં લગ્ન મોહમ્મદ રઝા ખાતમી અને ઝહરા અશરાકીની પુત્રી સાથે થયાં હતાં. આ સંબંધ દ્વારા ખરાઝી પરિવાર એક તરફ પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ ખાતમીના પરિવાર સાથે અને બીજી તરફ રૂહુલ્લાહ ખુમૈનીના પરિવાર સાથે પણ જોડાય છે.
આ પારિવારિક સંબંધો અમુક હદ સુધી એ સમજવામાં મદદ કરે છે કે ઈરાની સરકારના આંતરિક મામલાઓને લઈને મોહમ્મદ બાકર ખરાઝીના દાવાઓમાં આટલો અસાધારણ રસ કેમ લેવાય છે.
તાજેતરમાં બાકર ખરાઝીએ દાવો કર્યો હતો કે તેઓ લગભગ 40 વર્ષથી મોજતબા ખામેનેઈના મિત્ર છે અને અનેક ખાનગી મુલાકાતોમાં પણ સામેલ રહ્યા છે.
ઇમેજ સ્રોત, Hadi Zand – ISNA
એટલે કે, મોહમ્મદ બાકર ખરાઝી માત્ર એક ધાર્મિક વ્યક્તિત્વ અથવા રાજકીય કાર્યકર તરીકે નહીં, પરંતુ એવા વ્યક્તિ તરીકે સામે આવે છે જેમની ઔપચારિક સત્તાના માળખામાં કોઈ ભૂમિકા નથી. તેમ છતાં, પારિવારિક અને અંગત સંબંધોના માધ્યમથી તેમની પહોંચ ઈરાનના સૌથી પ્રભાવશાળી રાજકીય અને ધાર્મિક વર્તુળો સુધી છે.
આ જ કારણ છે કે તેમનાં નિવેદનો પર, ભલે પછી તેમનું ખંડન કરવામાં આવે, ઈરાનના રાજકીય પરિદૃશ્યમાં ચર્ચા શરૂ થઈ જાય છે.
વચનો, દાવાઓ અને ધમકીઓ
2013ની રાષ્ટ્રપતિ ચૂંટણી માટે નોંધણી કરાવવી એ મોહમ્મદ બાકર ખરાઝી દ્વારા ઈરાનની સત્તાના ઔપચારિક માળખામાં સામેલ થવાનો સૌથી ગંભીર પ્રયાસ માનવામાં આવે છે.
તેમણે પોતાના રાજકીય અભિયાનનું લક્ષ્ય ‘દૌલત-એ-સાલેહીન’ (એટલે કે ‘નેક લોકોની સરકાર’)ની સ્થાપના હોવાનું જણાવ્યું હતું અને ‘ફારિસ-એ-ઇસ્લામી’નો નારો અપનાવ્યો હતો. તેમના જણાવ્યા મુજબ, આ સૂત્રમાં ‘ફારિસ’ શબ્દ હકીકતમાં ચાર શબ્દોના પ્રારંભિક અક્ષરોમાંથી બનાવવામાં આવ્યો હતો: ‘પ્રગતિ, શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા’.
ખરાઝીનાં ચૂંટણીલક્ષી વચનો તે સમયે ઘણી ચર્ચામાં રહ્યાં હતાં. તેમણે એવું વચન પણ આપ્યું હતું કે રાષ્ટ્રપતિ બન્યાના શરૂઆતના થોડા મહિનામાં જ ઈરાન પર લાગેલા પ્રતિબંધો હઠાવી દેવામાં આવશે. સાથે જ દેશની ચલણ વ્યવસ્થા હેઠળના રિયાલ અને તોમાનને બદલી નાખવામાં આવશે.
વિદેશનીતિના મામલે પણ તેમણે અસાધારણ દાવા કર્યા હતા. તેમનું કહેવું હતું કે છેલ્લી બે સદી દરમિયાન ઈરાનથી અલગ થઈ ગયેલા તમામ વિસ્તારોને ‘લોહીનું એક ટીપું પણ વહાવ્યા વગર’ ફરી ઈરાનનો ભાગ બનાવી દેવામાં આવશે. આ વિસ્તારોમાં તેમણે તાજિકિસ્તાન, આર્મેનિયા અને અઝરબૈજાનનો પણ ઉલ્લંઘનજનક રીતે ઉલ્લેખ કર્યો હતો.
ખરાઝીનાં આ નિવેદનો તેમની સત્તાવાર ચૂંટણી ઉમેદવારીની નોંધણીથી ઘણા મહિના પહેલાં સામે આવ્યાં હતાં. તેના પર તાજિકિસ્તાન સરકારે પ્રતિક્રિયા આપી હતી. તાજિક વિદેશ મંત્રાલયે આ ટિપ્પણીઓને તાજિકિસ્તાનની સાર્વભૌમત્વ અને સ્વતંત્રતાનું ઉલ્લંઘન તેમજ એક સ્વતંત્ર દેશના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ ગણાવીને તેની કડક શબ્દોમાં નિંદા કરી હતી.
જોકે, રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન ગાર્ડિયન કાઉન્સિલે મોહમ્મદ બાકર ખરાઝીની ઉમેદવારીને મંજૂરી આપી નહોતી. તેમનું નામ અંતિમ ઉમેદવારોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું નહોતું.
એક વાર ફરી ચર્ચામાં મોહમ્મદ બાકર ખરાઝી
ઇમેજ સ્રોત, mbkharrazi.ir
મોહમ્મદ બાકર ખરાઝીના તાજેતરનાં નિવેદનોએ તેમને એક વાર ફરી ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે.
તેમણે રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનની કડક ટીકા કરતાં કહ્યું હતું કે તેમની સરકાર “પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી શકશે નહીં.”
બાકર ખરાઝીએ પોતાના સંગઠનના સભ્યોને જણાવ્યું હતું કે દરેક શહેરમાં 530 લોકોને સંગઠિત કરવામાં આવે. તેમનો હેતુ કુલ 2 લાખ 50 હજાર લોકોની એવી શક્તિ તૈયાર કરવાનો છે, જે દરેક સમયે તૈયાર રહે. ખરાઝીના જણાવ્યા મુજબ, માત્ર એક સૂચના પૂરતી રહેશે કે આ લોકો તહેરાન પહોંચી જઈને “કામ પૂરું કરી દે.”
જોકે, મોહમ્મદ બાકર ખરાઝીનો સૌથી વધુ ધ્યાન ખેંચનારો દાવો રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન દ્વારા કથિત રીતે વારંવાર રાજીનામું આપવાની ઑફર અને તેના પર અલી ખામેનેઈની કડક પ્રતિક્રિયા સાથે સંબંધિત હતો.
ઇસ્લામિક ગણરાજ્ય ઈરાનના સર્વોચ્ચ નેતાના કાર્યાલયે, ખરાઝીનું નામ લીધા વગર, રાષ્ટ્રપતિના પત્ર પર સર્વોચ્ચ નેતાની પ્રતિક્રિયા સંબંધિત દાવાને “ખોટો અને તથ્યોના વિરુદ્ધ” ગણાવ્યો હતો. સર્વોચ્ચ નેતાના કાર્યાલયે કહ્યું હતું કે આ પ્રકારની સામગ્રીનું પ્રકાશન સમાજમાં “મતભેદ અને ફૂટ” પેદા કરે છે તથા તે “ઈરાની રાષ્ટ્રના વિરોધીઓ અને દુશ્મનોના હેતુઓને પ્રોત્સાહન” આપવાનું કારણ પણ બને છે.
બીજી તરફ, મસૂદ પેઝેશ્કિયાને પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે જો તેઓ ક્યારેય પદ છોડવાનો નિર્ણય કરશે, તો તેની સત્તાવાર જાહેરાત કરશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “હું રાજીનામું નહીં આપું, હું અડગ રહીશ.”
અલી ખામેનેઈના કાર્યાલય દ્વારા સ્પષ્ટ ખંડન કરવામાં આવ્યા છતાં, મોહમ્મદ બાકર ખરાઝીએ પોતાના દાવાથી સંપૂર્ણપણે પીછેહઠ કરી નહોતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




