Source : BBC NEWS
UGC
-
વાંચવાનો સમય: 3 મિનિટ
અમદાવાદમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી) અને ગુજરાત પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ બનાવવાની શંકાસ્પદ લૅબોરેટરી ઝડપી પાડી છે. પોલીસે આ ઘટના બાદ એક વ્યક્તિની ધરપકડ કરી છે.
પોલીસે આ આરોપીની ધરપકડ કરીને કૉર્ટમાં રજૂ કર્યો હતો, જે બાદ તેના નવેમ્બર 17 સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી એક ઇમારતના ભોંયરામાંથી ડ્રગ્સ બનાવવામાં ઉપયોગમાં લેવાતાં હોવાની શંકા ધરાવતાં 130 કિલોથી વધુ રસાયણો અને લૅબોરેટરીનાં સાધનો જપ્ત કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત, પ્રવાહી અને પાઉડરના સ્વરૂપમાં આશરે 28 ગ્રામ એમડી ડ્રગ્સ પણ મળી આવ્યું છે.
એનસીબીના અમદાવાદ ઝોનલ યુનિટે 15 નવેમ્બરે જાહેર કરેલી અખબારી યાદી પ્રમાણે, ચોક્કસ બાતમીના આધારે ‘ઑપરેશન સિન્થેટિક ડ્રગ’ હાથ ધરવામાં આવ્યું હતું.
આ દરમિયાન સરખેજ વિસ્તારમાં મુદસ્સર અહમદ ખાન નામની વ્યક્તિના મકાનમાં તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન મકાનના ભોંયરામાં શંકાસ્પદ લૅબોરેટરી મળી આવી હતી. ત્યાં વિવિધ રસાયણો, કાચનાં સાધનો, હીટિંગ મશીન, ડિજિટલ મૅગ્નેટિક સ્ટિરર સહિતનાં ઉપકરણો મળી આવ્યાં હતાં.
એનસીબીના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલા રસાયણોનું કુલ વજન 130.613 કિલોગ્રામ છે. જોકે, આ રસાયણોનો ઉપયોગ ડ્રગ્સ બનાવવા માટે થતો હતો કે નહીં, તે અંગેની તપાસ ચાલી રહી છે.
રાજસ્થાનમાં તાલીમ લીધા બાદ એકમ શરૂ કર્યાનો દાવો
બીબીસી સાથે વાત કરતાં સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.એલ. ચાવડાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ રાજસ્થાનમાં ડ્રગ્સ બનાવવાની તાલીમ લીધી હતી અને ત્યાર બાદ અમદાવાદમાં ઉત્પાદન એકમ શરૂ કર્યું હતું.
ચાવડાના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, આરોપીએ ભરૂચ અને અંકલેશ્વરમાંથી રસાયણો મેળવ્યાં હતાં.
તેમણે કહ્યું કે, ઉત્પાદનનો પ્રથમ જથ્થો તૈયાર થાય તે પહેલાં જ આ એકમનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જોકે, આ કેસની વધુ તપાસ એનસીબીના અધિકારીઓ કરી રહ્યા છે.
એનસીબી આરોપી સામે અગાઉ નોંધાયેલા 4 ફોજદારી ગુનાઓની વિગતોની પણ તપાસ કરી રહી છે. આ ગુનાઓમાં મારામારી, ધમકી, હથિયાર અને અન્ય કાયદાકીય જોગવાઈઓ હેઠળના કેસનો સમાવેશ થાય છે.
એનસીબીના એક ઉચ્ચ અધિકારીએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, મુદસ્સર પોતાના ઘરના જ ભોંયરામાં આ ફૅક્ટરી ચલાવી રહ્યો હતો અને વિવિધ કૅમિકલ તથા બીજી તમામ સામગ્રી આ ભોંયરામાં જ સંતાડીને રાખી હતી.
મુદસ્સર આ ઘરમાં પોતાની પત્ની સાથે રહેતો હતો. પોલીસને એવું પણ જાણવા મળ્યું છે કે, તે બોપલ વિસ્તારમાં એક કૅફે પણ ચલાવતો હતો અને તે કૅફેનો ઉપયોગ ખરેખર આ ડ્રગ બનાવવા કે તેના વેચાણ માટે થતો હતો કે નહીં, તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી નશીલા પદાર્થોની હેરાફેરી અને જપ્તીનો મુદ્દો ચર્ચામાં રહ્યો છે.
રાજ્યસભામાં આ વર્ષની શરૂઆતમાં રજૂ કરવામાં આવેલા નેશનલ ક્રાઇમ રેકૉર્ડ્સ બ્યૂરો (એનસીઆરબી)ના આંકડા પ્રમાણે, 2022થી 2024 દરમિયાન ગુજરાતમાંથી 60 ટનથી વધુ નશીલા પદાર્થો જપ્ત કરવામાં આવ્યા હતા.
આ સમયગાળામાં અફીણ આધારિત નશીલા પદાર્થોનું આશરે 29,927 કિલોગ્રામ અને ગાંજાનું આશરે 33,773 કિલોગ્રામ પ્રમાણ જપ્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, કૉકેન સહિતના અન્ય નશીલા પદાર્થોનો આશરે 122 કિલોગ્રામ જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો.
જોકે, આ આંકડા માત્ર પોલીસ અને તપાસ એજન્સીઓ દ્વારા જપ્ત કરવામાં આવેલા નશીલા પદાર્થો દર્શાવે છે. રાજ્યમાં નશીલા પદાર્થોની વાસ્તવિક હેરાફેરી કે વપરાશ કેટલો છે, તેનો અંદાજ આ આંકડાઓ પરથી લગાવી શકાય નહીં.
એનસીબીના જણાવ્યા અનુસાર, હાલ આ કેસમાં રસાયણો ક્યાંથી મેળવવામાં આવ્યાં હતાં, તેમનો ઉપયોગ શેના માટે થવાનો હતો અને આ નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. અન્ય રાજ્યો સાથેની કડીઓ પણ તપાસવામાં આવી રહી છે.
નશીલા પદાર્થો અંગેની કોઈ પણ માહિતી આપવા માટે એનસીબીએ લોકોને માનસ (MANAS) રાષ્ટ્રીય નાર્કોટિક્સ હેલ્પલાઇનના ટૉલ ફ્રી નંબર 1933 પર સંપર્ક કરવા અપીલ કરી છે.
હાલમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં આ વિશે વાત કરી હતી. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, નશીલા પદાર્થોનું સેવન યુવાનોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની સાથે તેમની એકાગ્રતાને પણ નુકસાન પહોંચાડે છે.
શાહે કહ્યું હતું કે, નક્સલમુક્ત ભારતનું લક્ષ્ય હાંસલ કર્યા બાદ મોદી સરકારે હવે 31 ડિસેમ્બર, 2029 સુધીમાં ‘નશામુક્ત ભારત’ બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. તેમણે સૌને અપીલ કરી હતી કે, 31 ડિસેમ્બર, 2028 પહેલાં ‘નશામુક્ત ગુજરાત’ બનાવવાની જવાબદારી ઉપાડે.
તેમણે જણાવ્યું હતું કે, નશાના વ્યસનથી પીડાતા યુવાનો માટે વ્યસનમુક્તિકેન્દ્રો શરૂ કરવામાં આવી રહ્યાં છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, નશાના વ્યસનની સારવાર લેવામાં કોઈ સંકોચ કે શરમ રાખવાની જરૂર નથી. આવા યુવાનોની ઓળખ પણ ગુપ્ત રાખવામાં આવશે તેવી ખાતરી તેમણે આપી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




