Source : BBC NEWS
Vimal Minj
જ્યારે આખા દેશમાં દશેરાના દિવસે રાવણનાં પૂતળાં સળગાવાતાં હોય છે, ત્યારે છત્તીસગઢના બસ્તરમાં જંગલની ધરતી પર લાકડાનો એક વિશાળ રથ આગળ વધી રહ્યો હોય છે. અહીં ન તો રામલીલા થાય, ન રાવણવધ અને ન તીર-કમાનનું કોઈ પ્રદર્શન.
બસ્તરમાં દશેરા ભગવાન રામનો નહીં, પરંતુ અહીંની આરાધ્ય દેવી દંતેશ્વરીનું વિજયગાથા પર્વ છે. બસ્તરના આ દશેરા કુલ 76 દિવસ ચાલે છે.
બસ્તર દશેરાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં દરેક સમાજની એક ચોક્કસ ભૂમિકા હોય છે. રથ બનાવવાનું કામ એક ગામના લોકો કરે છે, રસ્સી બીજા ગામના લોકો લાવે છે, રથ ખેંચવાનું કામ ત્રીજા લોકો કરે છે, જ્યારે સમગ્ર ઉત્સવ કોઈ પણ વિઘ્ન વિના પૂર્ણ થાય તે માટે જોગી તરીકે ઓળખાતા લોકો નવ દિવસ સુધી ખાડામાં બેસીને પ્રાર્થના કરે છે.
Vimal Minj
રથ માટેનું લાકડું એક ગામમાંથી આવે છે, કારીગરો બીજા ગામના હોય છે અને રસ્સી ત્રીજા વિસ્તારમાંથી લાવવામાં આવે છે. જ્યારે વિજયરથ ખેંચવાનો વિશેષ અધિકાર કિલેપાલ પરગણાના માડિયા આદિવાસીઓ પાસે છે.
બસ્તરના સાંસદ અને બસ્તર દશેરા સમિતિના અધ્યક્ષ મહેશ કશ્યપ કહે છે, “આ દશેરા ઉત્સવની સૌથી મોટી વિશેષતા એ છે કે બસ્તરના દરેક સમાજના લોકો તેમાં ભાગ લે છે. દરેક સમાજની પોતાની એક નિશ્ચિત ભૂમિકા છે. દર વર્ષે ભારત ઉપરાંત વિદેશોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો વિશ્વપ્રસિદ્ધ બસ્તરના દશેરા જોવા આવે છે. આ દશેરામાં અમે કોઈનું પૂતળું દહન કરતા નથી.”
દેશના અન્ય ભાગોમાં દશેરા રાવણના દહન માટે જાણીતા છે, પરંતુ બસ્તરમાં આ ઉત્સવ કદાચ તે લોકોના હાથથી યાદ કરાય છે, જે દર વર્ષે આ રથ બનાવે છે, ખેંચે છે અને પછી આગામી વર્ષની તૈયારી માટે પાછા પોતાનાં ગામો જતા રહે છે. અહીં કશું સળગાવીને અંત લવાતો નથી. એક એવી પરંપરા છે, જે દર વર્ષે વિદાય લે છે અને પછી પાછી આવે છે.
600 વર્ષ જૂની પરંપરા
માન્યતા અનુસાર, લગભગ 600 વર્ષ પહેલાં ચાલુક્ય વંશના રાજા પુરુષોત્તમ દેવ જગન્નાથ પુરીની યાત્રાએ નીકળ્યા હતા. આ યાત્રામાં મુરિયા, ભતરા, ગોંડ, ધાકડ અને માહરા સહિત અનેક જાતિના મુખિયા તેમની સાથે જોડાયા હતા. રાજા પોતે પગપાળા ચાલ્યા હતા અને કોઈ સવારીનો ઉપયોગ કર્યો નહોતો.
કહેવાય છે કે પુરીના રાજાએ તેમને 16 પૈડાંવાળો એક વિશાળ રથ ભેટમાં આપ્યો હતો. બસ્તર પરત ફર્યા પછી રાજાએ આ રથ વહેંચી દીધો. ચાર પૈડાં ભગવાન જગન્નાથને અને બાર પૈડાં દેવી દંતેશ્વરીને અર્પણ કર્યાં. ત્યારથી બસ્તર દશેરામાં દેવીનું છત્ર રથ પર રખાય છે અને રથની પરિક્રમા થાય છે.
હરેલી (હરિયાળી) અમાસની સવારે જગદલપુરસ્થિત દંતેશ્વરી મંદિર સામે જંગલમાંથી લાવેલા લાકડાનો ટુકડો મૂકવામાં આવે છે. તેને ‘ઠુરલૂ ખોટલા’ કહેવાય છે. રથ બનાવવાનાં પરંપરાગત ઓજારો સાથે તેની પૂજા કરવામાં આવે છે. આ વિધિને ‘પાઠ જાત્રા’ કહેવામાં આવે છે, તેની સાથે દશેરાની શરૂઆત થાય છે.
ત્યાર બાદ રથનિર્માણનું કામ શરૂ થાય છે. ઝારઉમરગાંવ અને બેડાઉમરગાંવના કારીગરો કોદાળી, કુહાડી વગેરે જેવાં પરંપરાગત ઓજારોની મદદથી આશરે દસ દિવસમાં 40 ફૂટ ઊંચો ભવ્ય રથ તૈયાર કરે છે. તેમાં કોઈ મશીનનો ઉપયોગ થતો નથી. વિવિધ ભાગો માટે જરૂરી લાકડું લાવવાની જવાબદારી અલગ-અલગ ગામોની હોય છે, જે પેઢીઓથી નિભાવવામાં આવે છે. રથ ખેંચવા માટેની રસ્સી વૃક્ષોની છાલમાંથી બને છે, જે પોટાનાર વિસ્તારના ગ્રામજનો લાવે છે.
પિતૃમોક્ષ અમાસની સાંજે બસ્તર દશેરાનું સૌથી રોમાંચક દૃશ્ય જોવા મળે છે. ભંગારામ ચોકમાં કાછિનગુડીમાં પનકા જાતિની એક બાળકી કાછિનદેવીનું રૂપ ધારણ કરે છે. ત્યાર બાદ તે બાળકી કાંટાવાળા ઝૂલામાં બેસીને દશેરા ઉત્સવ શરૂ કરવાની મંજૂરી આપે છે.
કલેક્ટર બનવાનું સપનું જોતી દેવીની પ્રતિનિધિ
Vimal Minj
જે કાછિનદેવી પાસેથી પર્વની મંજૂરી લેવામાં આવે છે, તે મિરગાન, ચંડાર અને તિકડા જેવા આદિવાસી સમાજની કુળદેવી છે.
છેલ્લાં પાંચ વર્ષથી કાછિનદેવીની પ્રતિનિધિ બનતી પાંચમા ધોરણમાં ભણતી 10 વર્ષીય પીહૂ મોટી થઈને કલેક્ટર બનવા માગે છે.
પીહૂ કહે છે, “જ્યારે હું કાછિનદેવી બનું છું, ત્યારે મને એવું લાગે છે કે હું પીહૂ જ નથી. હું દેવીની જેમ લોકોને દર્શન આપું છું. મને જોવા ઘણા લોકો આવે છે. બીજા વિસ્તારોમાંથી પણ દેવી-દેવતાને મારી પાસે લાવવામાં આવે છે.”
બસ્તર દશેરા દરમિયાન દરરોજ કોઈ ને કોઈ પરંપરાગત વિધિ યોજાય છે, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી લોકો ભાગ લે છે.
આસો શુક્લ બીજથી લઈને સાતમ સુધી દરરોજ ફૂલોથી શણગારેલા રથની પરિક્રમા થાય છે. હજારો ગ્રામજનો છાલની મોટી રસ્સીથી રથ ખેંચે છે. રથમાં બિરાજમાન દેવી દંતેશ્વરીને પોલીસ જવાનો સશસ્ત્ર સલામી આપે છે. મહિલાઓ રથની નજર ઉતારે છે અને ફૂલોની વર્ષા કરે છે.
આઠમની મધરાતે ‘નિશા જાત્રા’ની પરંપરા થાય છે. દંતેશ્વરી મંદિરથી દેવીની ડોલી નીકળે છે અને નિશા જાત્રા મંદિર સુધી પહોંચે છે, જે મંદિર વર્ષમાં માત્ર એક જ વખત ખૂલે છે.
અહીં બલિની પરંપરા પણ છે અને ભોગ-પ્રસાદ પરંપરાગત રીતે રાજપુરોહિત પરિવાર તૈયાર કરે છે.
વિજયાદશમી પર આઠ પૈડાંવાળો વિજયરથ નીકળે છે. પરિક્રમા પછી મોડી રાત્રે રથને પ્રતીકાત્મક રીતે “ચોરી” લેવામાં આવે છે અને કુમ્હડાકોટના જંગલમાં છુપાવી દેવાય છે. આ પરંપરાને ‘ભીતર રૈની’ કહેવાય છે.
કુમ્હડાકોટમાં ઓડિશા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને તેલંગણા સહિતના અનેક વિસ્તારોમાંથી 3,000થી વધુ દેવ-દેવતાઓને લાવવામાં આવે છે. બીજા દિવસે રાજપરિવારના પ્રતિનિધિઓ નવા અનાજનો ભોગ ધરાવે છે અને લોકો સાથે મળીને નવાખાની ઉત્સવ ઊજવે છે. ત્યાર બાદ રથ પરત લાવવામાં આવે છે.
મુરિયા દરબાર
Vimal Minj
બસ્તર દશેરા ઉત્સવના અંતે મુરિયા દરબાર યોજાય છે. જૂના દસ્તાવેજો મુજબ આ પરંપરાની શરૂઆત 8 માર્ચ, 1876ના રોજ થઈ હતી.
રજવાડાના સમયમાં આદિવાસી સમાજની પરંપરાગત વહીવટી વ્યવસ્થા હેઠળ માંઝી, મુખિયા, ચાલકી અને નાયક જેવા નેતાઓ પોતાના વિસ્તારની સમસ્યા સીધી રાજા સમક્ષ રજૂ કરતા હતા.
આ પરંપરા આજે પણ યથાવત્ છે. ફરક માત્ર એટલો છે કે હવે રાજાની જગ્યાએ જનપ્રતિનિધિઓ અને પ્રશાસનના લોકો સામસામે બેસે છે.
મુરિયા દરબાર પૂર્ણ થયા બાદ બહારથી આવેલાં દેવી-દેવતાને સન્માનપૂર્વક વિદાય આપવામાં આવે છે. દંતેવાડાથી આવેલી માવલી માતાની ડોલી અને દેવી દંતેશ્વરીનું છત્ર સશસ્ત્ર સલામી અને ભવ્ય શોભાયાત્રા સાથે પરત ફરે છે.
દશેરાનો ઉત્સવ પૂર્ણ થઈ જાય છે. રથ પાછો ફરે છે, દેવી પોતાના ધામમાં પરત ફરે છે અને દૂર-દૂરનાં ગામડાંમાંથી આવેલા લોકો પોતાના ઘરે જવા લાગે છે, પરંતુ એક વર્ષ પૂર્ણ થતાં જ જંગલમાંથી ફરી લાકડું આવશે, કારીગરો ઓજારો કાઢશે, રસ્સીઓ તૈયાર થશે અને હજારો લોકો ફરી એક વાર ભવ્ય રથને ખેંચવા માટે એકત્ર થશે.
પીહૂ કદાચ એક ધોરણ આગળ વધી ગઈ હશે, પરંતુ કાછિનદેવી બનશે ત્યારે કદાચ તે ફરી એ જ વાત કહેશે કે તે ક્ષણે તે પીહૂ નથી રહેતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




