Source : BBC NEWS
Alexi J. Rosenfeld/Getty Images
ઇઝરાયલની સામાન્ય ચૂંટણીનાં આંશિક પરિણામો દર્શાવે છે કે, વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી અને પૂર્વ સૈન્ય પ્રમુખ ગાદી આઇઝનકોટ કરતાં આગળ ચાલી રહ્યા છે, પરંતુ સંસદમાં બહુમતી મેળવવાથી હજુ પણ દૂર છે.
85 ટકા મતોની ગણતરી પૂર્ણ થયા બાદ, નેતન્યાહૂની લિકૂડ પાર્ટી તથા તેના કટ્ટર જમણેરી અને અતિ-રૂઢિવાદી યહૂદી સાથીદારો 120 સભ્યોવાળી સંસદમાં 53 બેઠકો જીતવાના માર્ગ પર હતા. જ્યારે ગાદી આઇઝનકોટની યાશર પાર્ટી અને તેમના ગઠબંધનની ત્રણ અન્ય યહૂદી વિપક્ષી પાર્ટીઓ 48 બેઠકો જીતતી દેખાઈ રહી હતી.
બંને નેતાઓએ જણાવ્યું છે કે, તેઓ સરકાર બનાવવા માટે ગઠબંધન રચવાનો પ્રયાસ કરશે.
આરબ નેતૃત્વવાળી પાર્ટીઓ 19 બેઠકો જીતે તેવી શક્યતા છે. પરિણામે આ પાર્ટીઓ “કિંગમેકર” તરીકે ઊભરી શકે છે. જોકે, એક યહૂદી પાર્ટીને બાદ કરતાં બાકીની લગભગ તમામ યહૂદી પાર્ટીઓએ તેમની સાથે કામ ન કરવાની જાહેરાત કરી છે.
સૈનિકો, રાજદૂતો અને હૉસ્પિટલોમાં દાખલ દર્દીઓ સહિત વિવિધ વર્ગોનાં અંદાજે 4 લાખ 30 હજારથી 4 લાખ 80 હજાર પોસ્ટલ બૅલેટોની ગણતરી હજુ બાકી છે, તેથી અંતિમ પરિણામો આવવામાં હજુ એક કે બે દિવસ લાગી શકે છે.
પરિણામોની સત્તાવાર પુષ્ટિ થયા પછી, રાષ્ટ્રપતિ હર્ઝોગ તમામ રાજકીય પક્ષો સાથે ચર્ચા કરશે અને ત્યારબાદ જ કોઈ નેતાને સરકાર બનાવવા માટે આમંત્રણ આપશે. આ પ્રક્રિયામાં અનેક અઠવાડિયાં લાગી શકે છે.
જો સરકાર રચવાના પ્રયાસો નિષ્ફળ જશે તો ફરીથી ચૂંટણી યોજવાની નોબત આવી શકે છે.
યેરુશલેમ સ્થિત પોતાના નિવાસસ્થાને યોજાયેલી બેઠક દરમિયાન હર્ઝોગએ મંગળવારે યોજાયેલી ચૂંટણીમાં નોંધાયેલા 77.7 ટકા મતદાનની પ્રશંસા કરી હતી. આ બે દાયકાથી વધુ સમયમાં દેશમાં નોંધાયેલું સૌથી ઊંચું મતદાન હતું.
તેમણે જણાવ્યું, “આ ઇઝરાયલી સમાજ માટે ગૌરવની બાબત છે અને ઇઝરાયલમાં લોકશાહી પ્રત્યેની ભાવના કેટલી ઊંડી છે તે જોવું નોંધપાત્ર હતું.”
તેમણે વધુમાં કહ્યું કે, તેમને આગામી અઠવાડિયાંમાં સત્તાવાર પરિણામો મળવાની આશા છે, ત્યારબાદ તેઓ તમામ પક્ષો સાથે ચર્ચાની પ્રક્રિયા શરૂ કરશે.
તેમણે ઉમેર્યું, “ચોક્કસપણે ચૂંટણીના વધુ એક ચક્રથી બચવા માટે દરેક શક્ય પ્રયાસ થવો જોઈએ. તેથી હું આશા રાખું છું કે અહીં આવનારા તમામ લોકો ખુલ્લા મનથી આવશે.”
વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી બંનેએ દાવો કર્યો છે કે સરકાર રચવા માટે તેમને આમંત્રણ મળવું જોઈએ.
EPA
વિપક્ષી ગઠબંધનના નેતા ગાડી આઇઝનકોટે પ્રારંભિક એક્ઝિટ પોલના આધારે દાવો કર્યો હતો કે, જનતાએ “પરિવર્તનના પક્ષમાં નિર્ણય આપ્યો છે.”
ઇઝરાયલનાં ત્રણ પ્રસારણ માધ્યમોના એક્ઝિટ પોલ મુજબ, આઇઝનકોટનું “ચેન્જ બ્લૉક” સંસદની 52થી 53 બેઠકો મેળવી શકે છે, જ્યારે નેતન્યાહૂના ગઠબંધનને આશરે 50 બેઠકો મળવાનો અંદાજ હતો.
તેલ અવીવમાં યાશર પાર્ટીના મુખ્ય મથકે સમર્થકોને સંબોધતા તેમણે કહ્યું, “નિષ્ફળ ગઠબંધને જનતાનો વિશ્વાસ ગુમાવ્યો છે. હું મારા સાથીદારો સાથે મળીને ખાતરી કરીશ કે જનતાનો નિર્ણય એક ઝાયોનિસ્ટ સરકારમાં પરિવર્તિત થાય.”
બાદમાં પ્રસારણ સંસ્થાઓએ તેમના એક્ઝિટ પોલના આંકડામાં સુધારો કર્યો. જેમાંથી બે સર્વેક્ષણોમાં બંને ગઠબંધનોને 51-51 બેઠકો મળવાનો અંદાજ દર્શાવ્યો હતો, જ્યારે એકમાં નેતન્યાહૂના ગઠબંધનને ત્રણ બેઠકોની સરસાઈ બતાવવામાં આવી હતી.
તે પછી નેતન્યાહૂ યેરુશલેમમાં આવેલા લિકૂડના મુખ્યાલય પહોંચ્યા અને જાહેરાત કરી કે તેમના જમણેરી ગઠબંધને “જબરદસ્ત બહુમતી” હાંસલ કરી છે.
તેમણે કહ્યું, “અમે મજબૂત જમણેરી રાષ્ટ્રીય સરકાર બનાવવી પડશે. ઝાયોનિસ્ટ-વિરોધી આરબ પક્ષો પર આધારિત સરકાર રચીને ઇઝરાયલને જોખમમાં મૂકવું સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.”
બુધવારે મતગણતરી દરમિયાન સ્પષ્ટ થયું કે, તેમના ગઠબંધને એક્ઝિટ પોલના અંદાજો કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે અને 53 બેઠકો જીતવાના માર્ગ પર છે. જોકે, આ સંખ્યા અગાઉની સંસદમાં જીતેલી બેઠકો કરતાં 15 ઓછી છે.
મંગળવારે યોજાયેલી આ ચૂંટણી 7 ઑક્ટોબર, 2023ના હમાસ હુમલાઓ અને ત્યારબાદ ગાઝા, લેબનોન તથા ઈરાનમાં થયેલાં યુદ્ધો પછી યોજાયેલી પ્રથમ સામાન્ય ચૂંટણી હતી.
ઇઝરાયલના અનેક નાગરિકોએ પણ આ ચૂંટણીને દેશના ઇતિહાસની સૌથી મહત્ત્વપૂર્ણ ચૂંટણીઓમાંની એક ગણાવી હતી, કારણ કે તે માત્ર નેતૃત્વ નક્કી કરતી ચૂંટણી નહોતી, પરંતુ દેશ તેના વર્તમાન કઠોર ધાર્મિક-રાષ્ટ્રવાદી માર્ગ પર આગળ વધશે કે નહીં તે પણ નક્કી કરી શકે તેવી હતી.
ચૂંટણીના મુખ્ય મુદ્દાઓમાં નીચેના વિષયો સામેલ હતા:
- 7 ઑક્ટોબરના હુમલાઓ માટે જવાબદારી નક્કી કરવી
- પ્રાદેશિક યુદ્ધોનું સંચાલન
- અતિ-રૂઢિવાદી યહૂદી પુરુષોની સૈન્ય ભરતી
- ન્યાયિક સુધારા
- ઇઝરાયલની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા.
કફર સાબામાં રહેતાં અવિગૅલ લેવિનએ પૂર્વ વડા પ્રધાન નફ્તાલી બેનેટની વિપક્ષી બેયાચાદ પાર્ટીને મત આપ્યો હતો. તેમણે બીબીસીને જણાવ્યું કે તેઓ ચૂંટણીનાં પરિણામોથી નિરાશ છે.
તેમણે કહ્યું, “મને નવા નેતૃત્વની આશા હતી. મને લાગે છે કે એક રાષ્ટ્ર તરીકે આપણને તેની જરૂર છે. 7 ઑક્ટોબરે જે લોકો સત્તામાં હતા, તેઓ હવે સત્તામાં હોવા જોઈએ નહીં.”
તેમણે વધુમાં કહ્યું કે લોકો આ બાબતે પણ નિરાશ છે કે નેતન્યાહૂએ લગભગ ત્રણ વર્ષ પહેલાં બનેલી ઘટનાની જવાબદારી સ્વીકારી નથી, જેમાં લગભગ 1,200 લોકોનાં મોત થયાં હતાં અને 251 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. તેમના પતિનાં દાદી પણ કિબુત્ઝ બે’એરીમાં મૃત્યુ પામનારાઓમાં સામેલ હતાં.
રામાત ગાનના રહેવાસી ગૅલે કહ્યું કે, તેમણે નેતન્યાહૂને મત આપ્યો હતો, કારણ કે ઇઝરાયલીઓ એવા પડોશીઓ સાથે શાંતિથી રહી શકે નહીં જેમનું એકમાત્ર લક્ષ્ય યહૂદીઓનો નાશ કરવાનું હોય.
તેમણે એ પણ જણાવ્યું કે, તેમને “આરબ રાજકીય પક્ષો વધુ મજબૂત બનશે” તેવી ચિંતા છે.
બુધવારે લિકૂડ પાર્ટીએ આરોપ લગાવ્યો કે ચૂંટણી “ચોરી લેવામાં આવી છે.” પક્ષે કોઈ પુરાવા રજૂ કર્યા વિના આરોપ લગાવ્યો કે મતદારોને પ્રભાવિત કરવા માટે લાંચ, ધમકીઓ, હિંસા, છેતરપિંડી અને પ્રતિબંધિત સૉફ્ટવૅરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
કેન્દ્રીય ચૂંટણી સમિતિએ જણાવ્યું કે, ચૂંટણી પછીની સમીક્ષાના ભાગરૂપે આ દાવાઓની તપાસ કરવામાં આવશે.
Reuters
બે આરબ પાર્ટીઓ, યુનાઇટેડ આરબ લિસ્ટ અને જૉઇન્ટ લિસ્ટ, તેમની બેઠકોની સંખ્યા લગભગ બમણી કરી શકે છે. તેનું મુખ્ય કારણ આરબ ઇઝરાયલીઓમાં મતદાનમાં થયેલો નોંધપાત્ર વધારો છે. આરબ ઇઝરાયલીઓ દેશની કુલ વસ્તીના આશરે પાંચમા ભાગ જેટલા છે અને તેઓ ઘણીવાર પોતાને ઇઝરાયલના પેલેસ્ટેનિયન નાગરિકો તરીકે ઓળખાવે છે.
હાઇફા નજીકના એક ગામમાં રહેતા અને આરબ મતદારોને મતદાન માટે પ્રેરિત કરનાર મહદી કાબાહાએ આ પરિણામોને “ઐતિહાસિક” ગણાવ્યાં.
તેમણે કહ્યું, “આરબ નાગરિકો મોટી સંખ્યામાં બહાર આવ્યા અને સ્પષ્ટ સંદેશ આપ્યો કે અમે આ દેશમાં અમારી વાસ્તવિક રાજકીય ભાગીદારી અને અવાજ ઇચ્છીએ છીએ.”
જૉઇન્ટ લિસ્ટના પ્રમુખ યુસુફ જબારીનએ બીબીસીને જણાવ્યું કે આરબ મતદારોનો ઉત્સાહ આ કારણે પણ વધ્યો હતો કે તેમને આશા હતી કે તેઓ અતિ-જમણેરી રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઇતામાર બેન-ગ્વીરને સત્તામાંથી દૂર કરી શકશે.
તેમણે બેન-ગ્વીર પર જાતિવાદ અને “અમારા સમુદાય વિરુદ્ધ ઉશ્કેરણી” કરવાનો આરોપ લગાવ્યો.
જ્યુઇશ પાવર પાર્ટીના નેતા ઇતામાર બેન-ગ્વીરે કબજાવાળા વેસ્ટ બૅન્કના વિલય, ગાઝામાં યહૂદી વસાહતો બાંધવા અને પેલેસ્ટેનિયનોના “સ્વૈચ્છિક સ્થળાંતર”ની માંગ કરી છે. અનેક પશ્ચિમી દેશોએ પેલેસ્ટેનિયનો વિરુદ્ધ ઉશ્કેરણીના આરોપોને આધારે તેમના પર પ્રતિબંધો પણ લાદ્યા છે.
2021ની ચૂંટણી પછી રચાયેલી ટૂંકા ગાળાની સત્તારૂઢ સરકારમાં સામેલ રહેલા યુનાઇટેડ આરબ લિસ્ટના નેતા મન્સૂર અબ્બાસએ મંગળવારે રાત્રે કહ્યું, “મને આશા છે કે આંકડાં અમારા પક્ષમાં રહેશે અને અમે, ‘ચેન્જ બ્લૉક’ તથા UAL સાથે મળીને સંસદમાં 61 બેઠકોનું બહુમતી સમીકરણ ઊભું કરી શકીશું.”
ડાબેરી ડેમૉક્રેટ્સ પાર્ટીના નેતા યાયર ગોલાનએ આઇઝનકોટના ગઠબંધનના સાથીઓને કહ્યું કે આરબ પક્ષો સાથે ભાગીદારીમાં “પરિવર્તનકારી સરકાર રચવાની અને નેતન્યાહૂના ગઠબંધનને બદલવાની તક” ઉપલબ્ધ છે.
તેમણે ઍક્સ પર લખ્યું, “જો આપણે ડરવાનું બંધ નહીં કરીએ અને જો આપણે જાતિવાદનો અંત નહીં લાવીએ, તો અહીં આપણું કોઈ ભવિષ્ય નથી.”
જોકે, ગાદી આઇઝનકોટ અગાઉ આવા ગઠબંધન અંગે વાંધો વ્યક્ત કરી ચૂક્યા છે અથવા તેમણે કેટલીક શરતો મૂકી છે. તેમાં ઇઝરાયલને યહૂદી અને લોકશાહી રાષ્ટ્ર તરીકે માન્યતા આપવી તથા હમાસને આતંકવાદી સંગઠન માનવું, જેને સમાપ્ત કરવું જોઈએ, એવી શરતોનો સમાવેશ થાય છે. બીજી તરફ, તેમના ગઠબંધનમાં સામેલ જમણેરી પક્ષોએ આવા કોઈપણ ગઠબંધનને સંપૂર્ણપણે નકારી કાઢ્યું છે.
યુસુફ જબારીનએ જણાવ્યું, “વિપક્ષી પક્ષો કોઈપણ પ્રકારની શરતો મૂકી શકતા નથી. જો ઇઝરાયલમાં વિપક્ષ ખરેખર અને ઠોસ પરિવર્તન લાવવા તથા આ જોખમી, અતિ-જમણેરી સરકારનો વિકલ્પ આપવા તૈયાર છે, તો તેમને અમારી સાથે વાતચીત કરવી જ પડશે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




