Home તાજા સમાચાર gujrati સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને સવાલ : ‘પહેલેથી જ મતદાર રહેલા લોકો પાસે...

સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને સવાલ : ‘પહેલેથી જ મતદાર રહેલા લોકો પાસે ફૉર્મ-6 શા માટે ભરાવવામાં આવી રહ્યું છે?’

5
0

Source : BBC NEWS

સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને સવાલ:

વાંચવાનો સમય: 5 મિનિટ

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને દિલ્હીમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની પ્રક્રિયા અંગે અનેક મહત્ત્વપૂર્ણ પ્રશ્નો પૂછ્યા છે.

કોર્ટે પ્રશ્ન કર્યો કે, જે લોકો પહેલેથી જ મતદાર હતા અને જેમનાં નામ અગાઉની મતદાર યાદીમાં હતાં, પરંતુ નવી ડ્રાફ્ટ મતદાર યાદીમાં તેમનાં નામ સામેલ નથી, તેમને ફૉર્મ-6 શા માટે ભરાવવામાં આવી રહ્યું છે, જ્યારે આ ફૉર્મ સામાન્ય રીતે નવા મતદારોની નોંધણી માટે હોય છે.

કોર્ટે સૂચવ્યું કે, આવા લોકોને મોડું થયું હોવા છતાં એન્યુમરેશન ફૉર્મ જમા કરવાની તક આપવી જોઈએ.

એન્યુમરેશન ફૉર્મ એ એવો દસ્તાવેજ છે, જેના દ્વારા ચૂંટણી પંચ SIR દરમિયાન વર્તમાન મતદારની માહિતીની ચકાસણી કરે છે. તેમાં મતદાર પોતાની ઓળખ અને મતદાર યાદી સંબંધિત જરૂરી વિગતો આપે છે, જેથી નક્કી થઈ શકે કે તેનું નામ સુધારેલી મતદાર યાદીમાં સામેલ કરવું કે નહીં.

આ મામલે અંજલિ ભારદ્વાજ અને અમૃતા જૌહરી દ્વારા દાખલ કરાયેલી અરજી પર મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ખંડપીઠ સુનાવણી કરી રહી હતી.

સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને સવાલ:

સુનાવણી દરમિયાન કોર્ટે પૂછ્યું કે, અગાઉની મતદાર યાદીમાં નામ ધરાવતા લોકોને, જેમનાં નામ હવે ડ્રાફ્ટ યાદીમાં નથી, તેમને ફૉર્મ-6 ભરવાનું કહેવાનું કારણ શું છે?

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું કે, “ફૉર્મ-6 પ્રથમ વખત મતદાર તરીકે નોંધણી કરાવવા માટે છે. ફૉર્મ-8 નામ, સરનામું અથવા નિવાસસ્થાનમાં ફેરફાર કરવા માટે વપરાય છે.”

તેમણે ઉદાહરણ આપતાં કહ્યું કે, જો કોઈ વ્યક્તિ પહેલાં વસંત કુંજમાં રહેતી હતી અને હવે સરિતા વિહારમાં રહે છે, તો તે પોતાનો જૂનો મતદાર નંબર અને મતદાન મથકની માહિતી આપી નવું સરનામું નોંધાવી શકે છે. આવી સ્થિતિમાં તેને ફૉર્મ-6 ભરાવવાનું યોગ્ય કેમ ગણવું?

જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ પણ કહ્યું કે, પહેલેથી જ મતદાર રહેલી વ્યક્તિને ફૉર્મ-6 ભરાવવું ખોટી પ્રક્રિયા હોઈ શકે છે.

‘શું કોઈ વ્યક્તિ કાયમ માટે મતાધિકાર ગુમાવી દેશે?’

જસ્ટિસ બાગચીએ જણાવ્યું કે, મતદાનનો અધિકાર અત્યંત મહત્ત્વપૂર્ણ છે અને તેને એટલી સરળતાથી છીનવી શકાય નહીં.

તેમણે પૂછ્યું, “જો કોઈ મતદાર બેદરકારી કે અન્ય કારણસર સમયસર જવાબ આપી શક્યો ન હોય, તો શું તેનો અર્થ એ થાય કે તે કાયમ માટે પોતાનો મતાધિકાર ગુમાવી દેશે?”

કોર્ટે નોંધ્યું કે, કોઈ વ્યક્તિ દ્વારા સમયસર જવાબ ન આપી શકવાનાં ઘણાં કારણો હોઈ શકે છે. જો તે પછી તમામ દસ્તાવેજો સાથે અધિકારીઓ સમક્ષ આવે અને તેને ફૉર્મ-6 ભરવાનું કહેવામાં આવે, તો પ્રશ્ન ઊભો થાય છે કે, તે કેવી રીતે પોતાની જાતને “નવો મતદાર” તરીકે જાહેર કરી શકે, જ્યારે તે પહેલેથી જ નોંધાયેલો મતદાર હતો.

કોર્ટના મત અનુસાર, આ સ્થિતિમાં એક “રચનાત્મક અસંગતિ” છે, જેને દૂર કરવાની જરૂર છે.

તાત્કાલિક રીતે બહાર ગયેલા લોકોનું શું?

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે દિલ્હીમાં એવા ઘણા લોકો હોઈ શકે છે, જેમણે સરનામું બદલ્યું હોય કે કામકાજના કારણસર થોડા સમય માટે દિલ્હીની બહાર ગયા હોય અને તેથી તેમને એન્યુમરેશન ફૉર્મ મળ્યું ન હોય.

કોર્ટે પૂછ્યું કે, આવા લોકોને ફરીથી એન્યુમરેશન ફૉર્મ જમા કરવાની અથવા સરનામું બદલવા માટે ફૉર્મ-8 આપવાની તક કેમ ન આપવામાં આવે?

કોર્ટે એ પણ કહ્યું કે માત્ર “Shifted” અને “Absent” જેવી શ્રેણીઓ પૂરતી નથી.

“રેસિડ્યુઅલ કૅટેગરી” બનાવવાની ભલામણ

સુપ્રીમ કોર્ટે સૂચન કર્યું કે, એવા મતદારો માટે અલગ ‘રેસિડ્યુઅલ કૅટેગરી’ બનાવવામાં આવી શકે, જેઓ અન્ય કારણોસર એન્યુમરેશન ફૉર્મ જમા ન કરી શક્યા હોય.

કોર્ટના મતે, વ્યક્તિને સમજાવવાની તક મળવી જોઈએ કે તે સમયસર જવાબ કેમ ન આપી શકી. તેને જરૂરી દસ્તાવેજો રજૂ કરવાની મંજૂરી મળવી જોઈએ. જો અધિકારીઓ સંતોષ પામે તો તેનું નામ યાદીમાં ઉમેરવું જોઈએ. જો અરજી નામંજૂર કરવામાં આવે તો તેનું કારણ લેખિતરૂપે જણાવવું જોઈએ, જેથી તે નિર્ણયને પડકારી શકાય.

પ્રશાંત ભૂષણનો દાવો : આશરે 43 લાખ લોકો ડ્રાફ્ટ યાદી બહાર

સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને સવાલ:

અરજદારો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણએ કોર્ટને જણાવ્યું કે આશરે 43 લાખ લોકોનાં નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી બહાર રાખવામાં આવ્યાં છે.

તેમણે કહ્યું કે, ઘણા લોકોને ખબર જ નહોતી કે તેમને ફૉર્મ જમા કરાવવાનું છે. અનેક ફૉર્મ જૂનાં સરનામાં પર મોકલાયાં હતાં. આવા ઘણા લોકો અગાઉની મતદાર યાદીમાં પહેલેથી જ સામેલ હતા.

ભૂષણના જણાવ્યા અનુસાર, હવે આ લોકોને સુધારેલી યાદીમાં સામેલ થવા માટે ફૉર્મ-6 ભરવાનું કહેવામાં આવી રહ્યું છે, જેનાથી તેમને પરોક્ષ રીતે એ જાહેર કરવું પડે છે કે તેઓ પહેલાં ક્યારેય મતદાર ન હતા.

‘જૂનું ફૉર્મ મોડેથી જમા કરવાની મંજૂરી આપો’

પ્રશાંત ભૂષણે કોર્ટને જણાવ્યું કે, સૌથી સરળ ઉકેલ એ છે કે, જે લોકો સમયસર એન્યુમરેશન ફૉર્મ ન ભરી શક્યા હોય, તેમને હજુ પણ તે જ ફૉર્મ ભરવાની પરવાનગી આપવામાં આવે. જેમણે સરનામું બદલ્યું હોય તેમને એન્યુમરેશન ફૉર્મ સાથે ફૉર્મ-8 આપવાની છૂટ આપવામાં આવે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ફૉર્મ-8 સરનામું બદલનારા મતદારો માટે છે, જ્યારે ફૉર્મ-6 નવા મતદારો માટે છે.

ચૂંટણી પંચનો જવાબ

ચૂંટણી પંચ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ દામા શેષાદ્રિ નાયડૂએ જણાવ્યું કે SIR એક સતત વિકસતી પ્રક્રિયા છે અને અરજદારો દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓના નિવારણ માટે પગલાં લેવામાં આવી રહ્યાં છે.

તેમણે કહ્યું, “કોઈ પણ મતદારને કાયમી રીતે બહાર કરવામાં આવી રહ્યો નથી. અંતિમ મતદાર યાદી પ્રકાશિત થયા પછી પણ કોઈ વ્યક્તિ પોતાનું નામ ઉમેરાવવા અરજી કરી શકે છે. સંબંધિત ઉમેદવારીની અંતિમ તારીખ સુધી અરજી કરી શકાય છે.”

નાયડૂએ વધુમાં જણાવ્યું કે, બે દાયકાથી વધુ સમય પછી SIR કરવામાં આવી રહ્યું છે અને ચૂંટણી પંચ વિવિધ અનુભવો, જેમાં બિહારના અનુભવનો પણ સમાવેશ થાય છે, તેના આધારે પ્રક્રિયામાં સુધારા કરી રહ્યું છે, જેથી કોઈ યોગ્ય મતદાર બહાર ન રહી જાય.

ફૉર્મ-6 અંગે ચૂંટણી પંચનું સ્પષ્ટીકરણ

દામા શેષાદ્રિ નાયડૂએ કહ્યું કે, SIR દરમિયાન “પ્રથમ વખત સમાવેશ”નો અર્થ અગાઉના મતદાર તરીકે નહીં, પરંતુ નવી તૈયાર થતી મતદાર યાદીમાં ફરીથી સમાવેશ થવાથી છે.

પરંતુ મુખ્ય ન્યાયાધીશે પૂછ્યું, “જ્યારે અંતિમ મતદાર યાદી હજી તૈયાર થઈ નથી, ત્યારે પહેલેથી જ મતદાર રહેલી વ્યક્તિને ફૉર્મ-6 ભરવાનું શા માટે કહેવામાં આવે?”

કોર્ટના મત પ્રમાણે, જો મોડેથી એન્યુમરેશન ફૉર્મ સ્વીકારી લેવાય તો સમગ્ર સમસ્યાનો ઉકેલ આવી શકે.

સરળ ભાષામાં માહિતી આપવા કોર્ટની સૂચના

સુપ્રીમ કોર્ટે ચૂંટણી આયોગને જણાવ્યું કે, SIR પ્રક્રિયા અંગે સરળ અને સ્પષ્ટ ભાષામાં વ્યાપક માહિતી જાહેર કરવી જોઈએ.

તેમના અનુસાર, ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી બહાર રહેલા લોકોની યાદીનું પણ મોટા પાયે પ્રસારણ કરવું જોઈએ. લોકોને સમજાવવું જોઈએ કે તેમનું નામ કેમ છૂટી ગયું છે. જવાબ ન આપવાથી શું અસર થઈ શકે તે અંગે પણ સ્પષ્ટ માહિતી આપવી જોઈએ. લોકો હાલ જ્યાં રહે છે ત્યાંના નજીકના ચૂંટણી અધિકારી પાસે પોતાનું ફૉર્મ જમા કરી શકે તે અંગે જાણ કરવી જોઈએ.

30 ઑક્ટોબર ફૉર્મ-6 માટે અંતિમ તારીખ

પ્રશાંત ભૂષણએ કોર્ટને જણાવ્યું કે, ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી બહાર થયેલા લોકો માટે ફૉર્મ-6 જમા કરવાની છેલ્લી તારીખ 30 ઑક્ટોબર છે.

તેમણે દલીલ કરી કે આગામી સુનાવણી બે અઠવાડિયાં બાદ છે અને ત્યાં સુધી આ અંતિમ તારીખ પસાર થઈ જશે.

તેના જવાબમાં દામા શેષાદ્રિ નાયડૂએ કોર્ટને ખાતરી આપી કે, જો જરૂર પડશે તો અંતિમ તારીખ લંબાવવામાં આવશે.

તેમણે કહ્યું, “ચૂંટણી પંચ ખાતરી કરશે કે, આ પ્રક્રિયાનો હેતુ નિષ્ફળ ન જાય અને જરૂર પડશે તો અંતિમ તારીખને લંબાવવામાં આવશે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS