Home તાજા સમાચાર gujrati ‘જે પક્ષોને આટલું મોટું દાન મળ્યું છે તેમની ઑફિસો ગુજરાતમાં છે’, કાગળ...

‘જે પક્ષોને આટલું મોટું દાન મળ્યું છે તેમની ઑફિસો ગુજરાતમાં છે’, કાગળ પરના પક્ષોને મળેલા ફંડ પર બીબીસીના અહેવાલ પર રાજકીય પક્ષો અને વિશ્લેષકોએ શું કહ્યું?

2
0

Source : BBC NEWS

'કાગળ પર'ના રાજકીય પક્ષોને ફંડ: બીબીસી તપાસ વિશે રાજકીય પક્ષો અને વિશ્લેષકોએ શું કહ્યું

ઇમેજ સ્રોત, ANI

પ્રકાશિત

વાંચવાનો સમય: 6 મિનિટ

અજાણ્યા કે અનામી રાજકીય પક્ષોને મળેલા અઢળક ફંડને લઈને બીબીસીની એક ઇન્વેસ્ટિગેશન સ્ટોરી પર ઘણી રાજકીય પાર્ટીઓએ પ્રતિક્રિયા આપી છે.

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે સવાલ ઉઠાવ્યો છે કે શું નાણા મંત્રાલય અને અન્ય તપાસ એજન્સીઓ આ મામલાની તપાસ કરશે?

તો બીજી તરફ, આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજયસિંહે શનિવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં સીધો આરોપ લગાવ્યો કે “આ દાન વાસ્તવમાં ભાજપને મળ્યું છે.”

બીબીસીના એક તપાસ અહેવાલમાં જાણવા મળ્યું છે કે ભારતમાં ઘણા રાજકીય પક્ષોને ચૂંટણી રાજકારણથી લગભગ ગેરહાજર હોવા છતાં સેંકડો કરોડો રૂપિયાનું દાન મળ્યું હતું.

આ અહેવાલ બહાર આવ્યા બાદ વિપક્ષી નેતાઓ, વરિષ્ઠ પત્રકારો અને રાજકીય વિશ્લેષકોએ પણ આ પક્ષોની ભૂમિકા પર પ્રશ્નો ઉઠાવ્યા છે.

સંજયસિંહે શું કહ્યું?

'કાગળ પર'ના રાજકીય પક્ષોને ફંડ: બીબીસી તપાસ વિશે રાજકીય પક્ષો અને વિશ્લેષકોએ શું કહ્યું

ઇમેજ સ્રોત, Sanjay Singh

ઉત્તર પ્રદેશના લખનઉમાં એક પત્રકાર પરિષદ દરમિયાન સંજયસિંહે કહ્યું, “જે પક્ષોને આટલું મોટું દાન મળ્યું છે તેમની ઑફિસો ગુજરાતમાં છે. હું સીધો આરોપ લગાવી રહ્યો છું કે આ દાન ‘ચંદા ચોર પાર્ટી’ ભાજપને મળ્યું છે.”

“ટીએમસી સાંસદ સાકેત ગોખલેને ઈડી દ્વારા 500 રૂપિયાના કેસમાં જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, મને અને અમારા પક્ષના નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, પરંતુ આટલો મોટો ભ્રષ્ટાચાર થયો, છતાં એક પણ વ્યક્તિને જેલમાં નથી મોકલાઈ. ન તો ઈડી તપાસ થઈ કે ન તો સીબીઆઈની તપાસ થઈ.”

તેમણે આ મામલે ચૂંટણી પંચની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા.

સંજયસિંહે કહ્યું, “ચૂંટણી પંચે આ મામલે કોઈ કાર્યવાહી કરી નથી. ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર કુંભકર્ણની જેમ સૂઈ રહ્યા છે. બીબીસીએ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ચૂંટણી પંચે કોઈ જવાબ આપ્યો નહીં.”

આમ આદમી પાર્ટીએ આ બાબતને ‘બીજેપીના દાનની રમત’ ગણાવી.

આપએ તેના સત્તાવાર ઍક્સ પર પોસ્ટ કરી “ભાજપનો દાનનો નવો ખેલ ઍક્સપોઝડ! ગુજરાતમાં 6 નાના પક્ષો, જે માન્યતા પ્રાપ્ત ન હોય તેવા પક્ષોને 1,700 કરોડ રૂપિયાનું દાન મળ્યું, જ્યારે ભાજપ સિવાયની તમામ નૅશનલ પાર્ટીઓને કુલ મળીને 1,480 કરોડ રૂપિયા મળ્યા!”

આપે વધુમાં લખ્યું, “બીબીસીના અહેવાલ મુજબ, ઇન્કમ ટૅક્સ વિભાગે આ પાર્ટીઓની તપાસ સુદ્ધાં કરી નથી. શું ભાજપ દ્વારા કાળાં નાણાંને ધોળાં કરવાનો ખેલ ચાલી રહ્યો છે?”

કૉંગ્રેસે શું કહ્યું?

'કાગળ પર'ના રાજકીય પક્ષોને ફંડ: બીબીસી તપાસ વિશે રાજકીય પક્ષો અને વિશ્લેષકોએ શું કહ્યું

કૉંગ્રેસ સેવાદળે કહ્યું છે કે જો આ પક્ષોના તાર સત્તામાં બેઠેલા લોકો સાથે જોડાયેલા હોય, તો આ માત્ર દાનનો વિષય નથી, પરંતુ લોકશાહી સાથે મોટી રમત છે.

કૉંગ્રેસ સેવાદળે ઍક્સ પર લખ્યું “ગુજરાતનો નવો રાજકીય દાન-ખેલ? નાની-નાની પાર્ટીઓ, હજારો કરોડનું દાન, મત કેટલાક પણ નહીં ઉપરાંત ઑફિસ બંધ, ફોન પણ બંધ! 620 કરોડ રૂપિયાનું દાન મેળવનાર ‘આમ જનમત પાર્ટી’ જેની ઑફિસ બંધ છે, પ્રમુખ ગાયબ છે અને ખજાનચી કહે છે કે તેને કંઈ ખબર નથી!”

“બીજી તરફ, મુખ્ય વિરોધ પક્ષ અને રાષ્ટ્રીય પાર્ટી કૉંગ્રેસને માત્ર 125 કરોડ રૂપિયા મળ્યા. એ જ સમયગાળા દરમિયાન કૉંગ્રેસના ખાતામાં ‘પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ’ તરફથી 156.4 કરોડ રૂપિયા આવ્યા જે રાષ્ટ્રીય પાર્ટીઓને મળે છે.”

“જો આ પક્ષો સત્તાની નજીકના લોકો સાથે જોડાયેલા હોય, તો આ ફક્ત દાનની વાત નથી, તે લોકશાહી સાથે એક મોટી રમત છે.”

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી દિગ્વિજયસિંહે પણ આ મુદ્દા પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે ઍક્સ પર કટાક્ષ કરતાં લખ્યું કે, ‘મોદી હૈ તો સબ મુમકિન હૈ.’

તેમણે લખ્યું, “વર્ષ 2023-24માં આમ જનમત પાર્ટી પાસે કૉંગ્રેસ કરતાં પણ વધુ દાન આવ્યું. શું ચૂંટણી પંચ આ પાર્ટીના બૅન્ક એકાઉન્ટની તપાસ કરશે? શું નાણાં મંત્રાલય આની ઈડી અને આઈટી વિભાગ પાસે તપાસ કરાવશે?”

“આ પાર્ટી હવે બિહારથી ગુજરાત જતી રહી. પણ 620 કરોડ રૂપિયા બૅન્ક એકાઉન્ટમાં ધરાવતી પાર્ટી હવે ક્યાં છે? તેનું એકાઉન્ટ હજુ પણ ચાલુ છે. દાન હજુ પણ સ્વીકારાઈ રહ્યું છે! મોદી હૈ તો સબ મુમકિન હૈ.”

અન્ય પક્ષોએ પણ પારદર્શિતા પર સવાલ ઉઠાવ્યા

‘ઝારખંડ મુક્તિ મોરચા’એ ઍક્સ પર પોસ્ટ કરીને આ બાબત પર પ્રશ્નો ઉઠાવ્યા તેમણે લખ્યું કે આ પક્ષોને આટલા પૈસા કોણે પૂરા પાડ્યા.

ઝારખંડ મુક્તિ મોર્ચાએ એક ઍક્સ પોસ્ટમાં લખ્યું, “ભાજપનું ગુજરાત મૉડેલ… આ ખુલ્લેઆમ લોકશાહીનું ચીરહરણ નથી તો બીજું શું છે? ગુજરાતમાં આ કઈ પાર્ટીઓ છે જેમને હજારો કરોડ રૂપિયાનું દાન મળ્યું અને વોટ નહિવત્ મળ્યા? આટલા હજારો કરોડનું દાન આખરે કોણે આપ્યું? કોના ઇશારે આપ્યું? અને શા માટે આપ્યું?”

બદાયૂંથી સમાજવાદી પાર્ટીના સાંસદ આદિત્ય યાદવે ઍક્સ પર લખ્યું, “જો કોઈએક રાજકીય પાર્ટીને એક જ નાણાકીય વર્ષમાં કથિત રીતે 620 કરોડ રૂપિયાનું દાન મળી જાય અને છતાં તેના પર કોઈ નક્કર પ્રશ્નો ઊભા થતા નથી તો પ્રશ્ન ફક્ત દાનનો નથી પરંતુ સમગ્ર સિસ્ટમની પારદર્શિતાનો છે.”

તેમણે પૂછ્યું, “આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? કોણે આપ્યા? કયા હેતુ માટે? ક્યાં ખર્ચવામાં આવ્યા? પાર્ટીનું સરનામું અને માળખું કેમ બદલાયું? અને સૌથી મોટો પ્રશ્ન: શું રાજકીય પક્ષોનાં નામે કાળાં નાણાં કે દાનની હેરાફેરીનો કોઈ રસ્તો બનાવવામાં આવી રહ્યો છે?”

“જો બધું નિયમો મુજબ હોય, તો પછી નિષ્પક્ષ તપાસની ચિંતા શા માટે? તપાસ એજન્સીઓની જવાબદારી ફક્ત વિપક્ષ સુધી જ મર્યાદિત કેમ હોવી જોઈએ?”

'કાગળ પર'ના રાજકીય પક્ષોને ફંડ: બીબીસી તપાસ વિશે રાજકીય પક્ષો અને વિશ્લેષકોએ શું કહ્યું

તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)નાં રાજ્યસભા સાંસદ સાગરિકા ઘોષે પણ અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે.

તેમણે ઍક્સ પર લખ્યું, “બીબીસી હિંદીની ભારતની રહસ્યમય ‘કાગળ પરની પાર્ટીઓ’ પર મોટી તપાસ એવા રાજકીય પક્ષો જેમની પાસે ના કોઈ ઑફિસ છે, ના કાર્યકરો, ના ઉમેદવાર અને ના તો વોટ આપનારા લોકોનો આધાર છતાં તેમને કરોડો-અબજો રૂપિયાનું ભારે દાન મળી રહ્યું છે.”

તેમણે લખ્યું, “શું આ પાર્ટીઓનો ઉપયોગ ટૅક્સ બચાવવા અને પૈસાની ગેરકાયદે હેરફેર કરવા માટે થઈ રહ્યો છે? દાન આપનારા કોણ છે? આખરે પૈસા ક્યાં ગયા? ચૂંટણી પંચ અને આઈટી વિભાગે કાર્યવાહી કેમ ન કરી?” આપણે પહેલાથી જ વિચિત્ર NCPI વિશે જાણીએ છીએ, જેમાં હાલ 20 ગદ્દાર સાંસદો છે.”

વાસ્તવમાં, બીબીસીની આ તપાસ જૂનમાં તે જ સમયે શરૂ થઈ હતી જ્યારે તૃણમૂલ કૉંગ્રેસના 20 સાંસદો પાર્ટી છોડીને નૅશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઑફ ઇન્ડિયા (NCPI)માં જોડાયા હતા.

એનસીપીઆઈ પણ એક નોંધાયેલી પરંતુ માન્યતા પ્રાપ્ત ન હોય તેવી રાજકીય પાર્ટી (RUPP) છે.

ટીએમસીના 20 બળવાખોર સાંસદોએ તેમાં ભળીને એનડીએને ટેકો આપ્યા બાદ આના પર મોટા પ્રશ્નો ઊભા થયા હતા.

બીબીસીએ 2024ની સામાન્ય ચૂંટણી પહેલાં સૌથી વધુ દાન મેળવનારા છ પક્ષોની તપાસ કરી છે, જોકે, આ યાદીમાં એનસીપીનો સમાવેશ થતો નથી.

પત્રકારો અને વિશ્લેષકોએ શું કહ્યું?

'કાગળ પર'ના રાજકીય પક્ષોને ફંડ: બીબીસી તપાસ વિશે રાજકીય પક્ષો અને વિશ્લેષકોએ શું કહ્યું

બીબીસી દ્વારા હાથ ધરવામાં આવેલી આ તપાસ પર પત્રકારો અને રાજકીય વિશ્લેષકોએ પણ પ્રતિક્રિયા આપી છે.

વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈએ પૂછ્યું કે શું ચૂંટણી પંચ અને ઈડી આ મામલાની તપાસ કરશે?

તેમણે ઍક્સ પર લખ્યું, “શું ચૂંટણી પંચ તપાસ કરશે કે આ નાની અને અજાણી પાર્ટીઓમાં કોણ મોટી રકમ રોકી રહ્યું છે? આ કિસ્સામાં તે ગુજરાતની છે, પણ આવી પાર્ટીઓ આખા ભારતમાં છે. શું ED તપાસ કરશે કે આ પૈસાની ગેરકાયદે હેરફેરનો બીજો મોટો કેસ છે? કે પછી અમુક મુદ્દાઓને અડવાનું જ નથી?”

વરિષ્ઠ લેખક અને કૉંગ્રેસના પૂર્વ પ્રવક્તા સંજય ઝાએ કહ્યું કે આ કેસની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવી જોઈએ.

સંજય ઝાએ ઍક્સ પર લખ્યું, “બીબીસીનો આ અહેવાલ ચોંકાવનારો છે. આ રાજકીય પક્ષોને કોણે ભંડોળ પૂરું પાડ્યું? શું આ કોઈના બદલે સામેથી કામ કરતી પાર્ટીઓ હતી? અને જો એવું હોય, તો કોના માટે?

“આ મામલાની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને નિર્ધારિત સમયમાં પૂર્ણ થવી જોઈએ. આ માટે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ એક SIT ની રચના થવી જોઈએ.”

તેમણે કહ્યું, “હું હંમેશાં માનતો આવ્યો છું કે ચૂંટણીનાં નાણાંમાં પારદર્શિતાને ઘણા લાંબા સમયથી અવગણવામાં આવી છે. ચૂંટણી બૉન્ડ સિસ્ટમ કેટલી ખામીયુક્ત છે તેનું ઉત્તમ ઉદાહરણ છે.”

વરિષ્ઠ પત્રકાર રવીશકુમારે પૂછ્યું કે શું આ પૈસા વોટ ખરીદવા માટે વહેંચવામાં આવ્યા છે?

તેમણે ઍક્સ પર લખ્યું , “ભારતની ચૂંટણી પ્રક્રિયા સડી ગઈ છે. આમાં એટલાં સ્તરે કૌભાંડોના દરવાજા ખોલી દેવાયા છે કે ખબર નથી પડતી કે જે રિઝલ્ટ આપણે જોઈએ છીએ તે પંચનું છે કે પ્રિન્ટરમાંથી નીકળ્યું છે.”

“છ પાર્ટીઓ પાસે સેંકડો કરોડનું દાન ક્યાંથી આવ્યું? આ પૈસા વપરાયાનો હિસાબ તો હશે જ. શું આ પૈસા વોટ ખરીદવા માટે વહેંચાયા છે?”

રાહુલ ગાંધીની જૂની ઍક્સ પોસ્ટ વાઇરલ

રાહુલ ગાંધીની જૂની એક્સ પોસ્ટ વાયરલ

ઇમેજ સ્રોત, Ishant Chauhan/Hindustan Times via Getty Images

આ મામલે કૉંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની એક જૂની ઍક્સ પોસ્ટ પણ ફરી વાઇરલ થઈ રહી છે.

રાહુલ ગાંધીએ એક અખબારના સમાચાર શૅર કરતાં 27 ઑગસ્ટ, 2025ના રોજ લખ્યું હતું કે ગુજરાતમાં કેટલીક એવી અનામી પાર્ટીઓ છે, જેમને 4300 કરોડનું દાન મળ્યું છે.

રાહુલ ગાંધીએ ઍક્સ પર લખ્યું હતું કે, “ગુજરાતમાં કેટલીક અનામી પાર્ટીઓ છે જેમનાં નામ કોઈએ સાંભળ્યાં નથી પરંતુ તેમને 4300 કરોડ રૂપિયાનાં દાન મળ્યાં છે! આ પાર્ટીઓએ બહુ ઓછી વાર ચૂંટણી લડી છે અથવા તેના પર ખર્ચ કર્યો છે.”

“આ હજારો કરોડ આવ્યા ક્યાંથી? આને ચલાવે છે કોણ? અને પૈસા ગયા ક્યાં? શું ચૂંટણી પંચ તપાસ કરશે કે પછી અહીં પણ પહેલા ઍફિડેવિટ માંગશે? કે પછી કાયદો જ બદલી નાખશે, જેથી આ ડેટા પણ છુપાવી શકાય?”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS