Home તાજા સમાચાર gujrati ઝીણાની બીમારીના સમાચાર પ્રસરી ગયા હોત તો ભારતનું વિભાજન અટકી શકત?

ઝીણાની બીમારીના સમાચાર પ્રસરી ગયા હોત તો ભારતનું વિભાજન અટકી શકત?

3
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

પિંગ-પૉંગના દડા કરતાં સહેજ મોટા, બે કાળા ગોળ ડાઘની આસપાસ રચાયેલાં સફેદ વર્તુળો અને ફેફસાં પર પ્રસરેલા સફેદ ડાઘના ઝૂમખાં દર્શાવતાં હતાં કે ક્ષયરોગ (ટીબી) ફેફસાંને ધીમે-ધીમે ખતમ કરી રહ્યો હતો.

આ ઍક્સ-રે પાકિસ્તાનના સ્થાપક મહમ્મદ અલી ઝીણાના ફેફસાંનો હતો.

પોતાના પુસ્તક ‘ફ્રીડમ ઍટ મિડનાઇટ’માં લૅરી કૉલિન્સ અને ડૉમિનિક લૅપિયરે લખ્યું છે કે, “જૂન 1946માં આ જ ઍક્સ-રે જોઈને, મુંબઈના ડૉ. જાલ રતનજી પટેલ અને રેડિયોલૉજિસ્ટ ડૉ. જાલ દિબુ સમજી ગયા હતા કે બીમારી એ હદે આગળ વધી ચૂકી હતી કે ઝીણા ભાગ્યે જ એકાદ બે વર્ષ જ જીવિત રહી શકે.”

“પણ બંને ડૉક્ટરોએ ઝીણાની વિનંતીથી આ અહેવાલ પોતાના પૂરતો જ સીમિત રાખ્યો.”

પાકિસ્તાનની સ્થાપનાનાં 79 વર્ષ બાદ, આ બંને પારસી ડૉક્ટરોને તેમની ‘આ મૌન, છતાં અસાધારણ સેવા’ બદલ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘નિશાન-એ-કાઈદ-એ-આઝમ’ માટે નામાંકિત કરાયા છે.

પાકિસ્તાનના આયોજનમંત્રી અને પુરસ્કાર સમિતિના અધ્યક્ષ અહસાન ઇકબાલે પોતાની એક ઍક્સ પોસ્ટમાં લખ્યું, “આ એક એવું રહસ્ય હતું કે જેને ઘણાં ઇતિહાસકારો વીસમી સદીના સૌથી મહત્ત્વપૂર્ણ તેમજ ઇતિહાસની દિશા બદલી નાખનાર રહસ્યો પૈકીનું એક માને છે.”

“ઝીણાની બીમારીની જાણ તેમના રાજકીય વિરોધીઓ અને બ્રિટિશ શાસકોને થઈ ગઈ હોત તો શક્ય છે કે ભારતનું વિભાજન ટળી ગયું હોત અને અને પાકિસ્તાનની સ્થાપના સામે પણ પ્રશ્નાર્થ ઊભો થઈ ગયો હોત.”

ઝીણાનું સ્વાસ્થ્ય કેમ સતત કથળી રહ્યું હતું?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, OUP

ઝીણાની કથળતી જતી તબિયત અને તેમના શરીર પર પડી રહેલો અસહ્ય બોજ દુનિયાની નજરથી છુપાયેલો હતો. અકબર અહમદે પોતાના પુસ્તક ‘જિન્ના, પાકિસ્તાન ઍન્ડ ઇસ્લામિક આઇડેન્ટિટી: ધ સર્ચ ફૉર સલાદીન’માં લખ્યું છે, “ઝીણાના ઉત્તમ પોશાક અને ગરિમાપૂર્ણ વ્યક્તિત્વે એ હકીકતને છુપાવી રાખી હતી કે તેમનું શારીરિક સ્વાસ્થ્ય સારું નહોતું.”

“1938થી તેઓ સતત પોતાના ચેતાતંત્ર અને દેહ પર પડતા દબાણ અંગે ફરિયાદ કરતા હતા. ત્યાર પછી તેઓ અવારનવાર બીમાર પડવા લાગ્યા, જો કે, તેમની બીમારીને ગુપ્ત રાખવામાં આવી હતી.”

લેખક હેક્ટર બોલિથોએ મે 1952માં મુંબઈમાં ડૉ. પટેલની મુલાકાત લીધી હતી.

પોતાના પુસ્તક ‘જિન્ના: ક્રિએટર ઑફ પાકિસ્તાન’માં હેક્ટર બોલિથો લખે છે કે ડૉ. પટેલે તેમને જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 1944માં તેમણે ઝીણાને તપાસ્યા ત્યારે તેમનું બ્લડપ્રેશર લગભગ 90 હતું.

ડૉ. પટેલે જણાવ્યું હતું, “એ સમયે તેઓ પૂરી લગનથી કામ કરી રહ્યા હતા, પરંતુ ખૂબ જ દુબળા અને અશક્ત થઈ ગયા હતા. તેમણે છાતીમાં દુખાવાની અને ઉધરસની ફરિયાદ પણ કરી હતી.”

“તેમના ફેફસાંના નીચેના ભાગમાં ન્યુમોનિયા હજુ પૂરેપૂરો મટ્યો ન હોવાનું જણાતું હતું.”

“મેં તેમને કૅલ્શિયમનાં ઇન્જેક્શન, શક્તિ વધારવાની દવાઓ અને શૉર્ટ-વેવ ડાયાથર્મી સારવાર લેવાની સલાહ આપી. ઉધરસ મટી ગઈ અને તેઓ આરામ કરવા માટે પહાડી વિસ્તારમાં જતા રહ્યા.”

“તેઓ પાછા આવ્યા ત્યારે તેમનું વજન 18 પાઉન્ડ વધી ગયું હતું. આ સમાચાર અખબારોમાં છપાયા અને તેની સાથે મારું નામ પણ આવી ગયું.”

“હું મિસ્ટર ઝીણા પાસે ગયો અને કહ્યું કે કોઈ મૂર્ખે આ સમાચાર અખબાર સુધી પહોંચાડી દીધા છે. તેમણે જવાબમાં કહ્યું, ‘એ મૂર્ખ હું જ હતો.’ મારી આટલી સારી સારવાર કરનારનો આભાર હું કેમ ન માનું?”

ઝીણાની બીમારી વકરતી જતી હતી

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Keystone/Getty Images

અકબર અહમદના જણાવ્યા અનુસાર, 1945ના પહેલા છ મહિનામાં પણ મોટા ભાગનો સમય તેઓ બીમાર રહ્યા હતા.

એ જ વર્ષે ઇસ્ફહાની સંગ્રહમાં સામેલ, 9 ઑક્ટોબરના એક પત્રમાં તેમણે સ્વીકાર્યું હતું, “દબાણ એટલું બધું છે કે હું માંડ તેને સહન કરી શકું છું.”

“તેમના ડૉક્ટરો, ડૉ. જાલ પટેલ અને ડૉ. દિનશા મહેતાએ તેમને આરામ કરવા, તબિયત સુધારવા અને કામની ગતિ થોડી ઘટાડવા માટે સમજાવવાની કોશિશ કરી. પણ પાકિસ્તાન માટેનો સંઘર્ષ શરૂ થઈ ચૂક્યો હતો અને ઝીણા પાસે રહેલો સમય ઝડપભેર ઘટી રહ્યો હતો.”

લૅરી કૉલિન્સ અને ડૉમિનિક લૅપિયરે લખ્યું છે કે ઝીણા આખી જિંદગી નબળાં ફેફસાંને કારણે કથળતી તબિયતનો સામનો કરતા રહ્યા હતા.

“મે 1946ના અંતિમ દિવસોમાં શિમલામાં મુસ્લિમ લીગના આ નેતાને ફરી એક વાર બ્રૉન્કાઇટિસ થયો.”

“ઝીણાનાં વફાદાર બહેન ફાતિમા તેમને ટ્રેન દ્વારા મુંબઈ લઈ આવ્યાં, પરંતુ મુસાફરી દરમિયાન તેમની તબિયત વધુ બગડી ગઈ.”

“ફાતિમાએ તરત જ ડૉ. પટેલને બોલાવ્યા. તેઓ તરત જ સમજી ગયા કે પોતાના દર્દીની હાલત અત્યંત ચિંતાજનક હતી.”

1970ના દાયકાના આરંભે, લૅરી અને ડૉમિનિક પોતાના પુસ્તક માટે સંશોધન કરી રહ્યા હતા, ત્યારે ડૉ. પટેલે તેમને ઝીણાની સારવારની ગુપ્ત ફાઇલ દેખાડી હતી, જેના પર ફક્ત ‘એમ. એ. ઝીણા’ લખેલું હતું.

ત્યાં સુધીમાં ઝીણાનો ઍક્સ-રે કરનારા રેડિયોલૉજિસ્ટ ડૉ. જાલ દિબુનું અવસાન થઈ ચૂક્યું હતું.

તેથી લૅરીએ તેમની પુત્રી હોમીનો સંપર્ક સાધ્યો, જેઓ પોતાના પિતાની ક્લિનિકમાં કામ કરી ચૂક્યાં હતાં. હોમીએ જે માહિતી આપી એ પણ ડૉ. પટેલે જણાવેલી વિગતો સાથે મેળ ખાતી હતી.

પટેલ અને દિબુનું તારણ હતું કે બીમારી એવા તબક્કે પહોંચી ગઈ હતી કે તેની સારવાર શક્ય નહોતી.

1975માં પ્રકાશિત પોતાના પુસ્તક ‘ફ્રીડમ ઍટ મિડનાઇટ’માં લૅરી અને ડૉમિનિકે પહેલી વાર આ રહસ્યને દુનિયા સમક્ષ જાહેર કર્યું.

પુસ્તક અનુસાર, ડૉ. પટેલે ઝીણાને ચેતવણી આપી હતી કે મુંબઈના રેલવે સ્ટેશન પર તેમના સ્વાગત માટે ઊમટી પડેલી ભીડ વચ્ચે ગયા તો તેઓ બેભાન થઈને પડી જઈ શકે છે.

“એટલે પટેલે તેમને રસ્તામાં જ ટ્રેનમાંથી ઉતારી દીધા અને હૉસ્પિટલ લઈ ગયા. ત્યાં જ પટેલને એ રહસ્યની જાણ થઈ, જે પાછળથી ભારતનું સૌથી ગુપ્ત રખાયેલું રહસ્ય બની રહ્યું.” ભારે દુઃખ સાથે ડૉ. પટેલે પોતાના મિત્ર અને દર્દીને તેમની જીવલેણ બીમારીની જાણ કરી.

ડૉ. પટેલના જણાવ્યા મુજબ, “તેમણે ઝીણાને કહ્યું કે તેમની શારીરિક શક્તિ હવે લગભગ ખૂટી પડી છે.”

“તેમણે કામનો બોજ ઘણો ઓછો ન કર્યો, વધુ આરામ ન કર્યો, સિગારેટ ન છોડી અને શરીરને પૂરતો આરામ ન આપ્યો, તો હવે તેઓ વધુમાં વધુ એક-બે વર્ષ જ જીવી શકશે.”

પટેલના જણાવ્યા મુજબ, “આ કડવી વાત સાંભળીને પણ ઝીણાના ચહેરા પર કોઈ ભાવ ન દેખાયો. પીળો પડી ગયેલા તેમના ચહેરોની રેખા સુધ્ધાં ફરકી નહીં.”

“તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પોતે જીવનભર જે સંઘર્ષ કર્યો છે તેને કોઈ સેનેટોરિયમના પલંગ પર પડી રહેવા સારું છોડી દેવાનો સવાલ જ ઊભો થતો નથી.”

“મૃત્યુ સિવાય બીજું કશું જ તેમને એ કામથી રોકી શકે તેમ નહોતું, જેને તેમણે પોતાના જીવનનું ધ્યેય બનાવી લીધું હતું. એ ધ્યેય એટલે ઇતિહાસના આ નિર્ણાયક વળાંકે ભારતના મુસ્લિમોનું નેતૃત્વ કરવું.”

“ઝીણા જાણતા હતા કે તેમના વિરોધીઓને તેમની ગંભીર બીમારીની અને તેઓ મૃત્યુની નજીક હોવાની જાણ થઈ જાય, તો એ લોકોની આખી રાજકીય વ્યૂહરચના બદલાઈ શકે છે.”

“તેઓ કદાચ ઝીણાના મૃત્યુની રાહ જોવા લાગે અને પછી મુસ્લિમ લીગના, તેમનાથી વધુ ‘લવચીક’ નેતાઓ દ્વારા ઝીણાનું સ્વપ્ન રોળી નાખવાનો પ્રયાસ કરે.”

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Douglas Miller/Keystone/Getty Images

‘ફ્રીડમ ઍટ મિડનાઇટ’માં લખ્યું છે કે દર બે અઠવાડિયે ડૉ. પટેલ ઝીણાને ગુપ્ત રીતે કેટલાંક ઇન્જેક્શન મૂકતા, જેનાથી તેમને થોડી તાકાત મળતી અને ઝીણા ફરી કામે લાગી જતા.

“તેમણે પોતાના ડૉક્ટરની સલાહ માનવાનો કશો ગંભીર પ્રયાસ કર્યો નહીં. અસાધારણ હિંમત અને દૃઢ નિશ્ચય સાથે ઝીણા પોતાના જીવનના ધ્યેય તરફ ઝડપથી આગળ વધતા રહ્યા.”

અકબર અહમદના જણાવ્યા મુજબ, પાકિસ્તાન બન્યું ત્યાં સુધીમાં ઝીણાની તબિયત અતિશય કથળી ચૂકી હતી.

“તેઓ ક્ષયરોગ(ટીબી)થી પીડાતા હતા અને ભારે ધૂમ્રપાનની તેમની આદત તેમજ સતત રહેતી અતિશય વ્યસ્તતાએ પણ તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી હતી. તેઓ પોતાની મનપસંદ ‘ક્રેવન એ’ બ્રાન્ડની લગભગ 50 સિગારેટ રોજ પીતા હતા.”

31 જુલાઈ 1947ના રોજ, પાકિસ્તાનની સ્થાપનાના થોડા અઠવાડિયા પહેલાં, ઝીણા મુંબઈના આરામ બાગ કબ્રસ્તાનમાં આવેલી પોતાની પત્ની રતનબાઈ (રત્તી)ની કબર પર ગયા હતા. તેમને ખબર હતી કે કદાચ તેઓ ફરી ક્યારેય મુંબઈ આવી નહીં શકે.

પાકિસ્તાન બન્યા પછી ઝીણા ફરી એક વાર વ્યસ્ત થઈ ગયા. જો કે, તેમની રોજિંદી દિનચર્યા અને કામકાજમાં થોડો સુધારો ચોક્કસ થયો હતો.

જ્યારે ઝીણાએ કહ્યું કે, ‘હું બહુ થાકી ગયો છું’

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

હેક્ટર બોલિથોએ લખ્યું છે કે ફેબ્રુઆરી 1948ની શરૂઆતમાં પાકિસ્તાનના સ્થાપક મહમદઅલી ઝીણાના જૂના પારસી મિત્ર જમશેદ નસરવાનજી એક દિવસ કરાચીના ગવર્નમેન્ટ હાઉસના બગીચામાં તેમને શોધતા હતા.

તેમને ઝીણા એક બાંકડા પર અર્ધનિદ્રાવસ્થામાં બેઠેલા દેખાયા.

ઝીણાએ આંખો ખોલી અને કહ્યું, “હું બહુ થાકી ગયો છું, જમશેદ, બહુ જ થાકી ગયો છું.”

બોલિથોના જણાવ્યા મુજબ, પાકિસ્તાન બન્યું એ પહેલાં તેઓ હંમેશાં એટલા વ્યસ્ત રહેતા કે તેઓ બહાર બેસીને ઝોકાં ખાય એવું વિચારી પણ ન શકાય.

“પણ હવે તેઓ ક્યારેક બગીચામાં બેસીને થોડી વાર ચૂપચાપ વિચારતા, અને પછી થોડી વાર સૂઈ જતા. ક્યારેક બગીચામાં લટાર મારતાં નીચા નમીને કોઈ ફૂલ તોડતા અને કોટ પર લગાવી દેતા.”

બોલિથોના જણાવ્યા અનુસાર, એ જ ફેબ્રુઆરીની એક સવારે ‘ધ સ્ટેટ્સમૅન’ના ભૂતપૂર્વ તંત્રી ઇયાન સ્ટીફન્સ ઝીણાને મળવા ગયા.

તેમણે પાછળથી લખેલું, “એ સમયે કોઈને એ વાતનો અણસાર સુધ્ધાં નહોતો કે પાકિસ્તાનના સર્જક મૃત્યુ તરફ આગળ વધી રહ્યા હતા.”

“તેમનાં ફેફસાં ક્ષયરોગથી ખરાબ રીતે અસરગ્રસ્ત થઈ ચૂક્યાં હતાં. આ વાતની કોઈને જાણ નહોતી અને થોડા મહિના પછી આ જ બીમારીએ તેમનો જીવ લીધો.”

મુલાકાતને અંતે ઝીણાએ કહ્યું, “લોકો કહે છે કે હું બીમાર હતો. પણ હું બીમાર નહોતો, માત્ર થાકી જાઉં છું.”

“હવે હું યુવાન નથી રહ્યો અને મારા માથે ઘણી જવાબદારીઓ છે… એટલે થાકી જાઉં ત્યારે આરામ કરું છું.”

“હું મારા ડૉક્ટરોને ચાલ્યા જવાનું કહી દઉં છું. હું નથી ઇચ્છતો કે તેઓ કારણ વગર મારી આસપાસ ઘૂમરાતા રહે.”

બોલિથોના જણાવ્યા મુજબ, મુંબઈના ડૉક્ટરોએ સાડા ત્રણ વર્ષ પહેલાં આપેલી ચિંતાજનક જાણકારીને ઝીણાએ કોઈને કહ્યા વિના પોતાની પાસે જ સંઘરી રાખી હતી.

જુલાઈ, 1948 સુધીમાં ઝીણાની ફેફસાંની જૂની બીમારી વધુ ગંભીર બની ચૂકી હતી. તેથી તેમને બલૂચિસ્તાનના દૂરના પર્વતીય સ્થળ ઝિયારત પર લઈ જવામાં આવ્યા.

ત્યાં હવા પ્રમાણમાં પાતળી હતી. પરંતુ ઝિયારતમાં પણ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો નહીં.

ઝીણાના લોહીનાં પરીક્ષણો અને છાતીના ઍક્સ-રેની વિગતવાર તપાસ કર્યા પછી તેમના ડૉક્ટર ઇલાહી બખ્શને ખાતરી થઈ ગઈ કે તેમની ફેફસાંની જૂની બીમારી એવા તબક્કે પહોંચી ગઈ હતી, કે જ્યાં તેની કોઈ સારવાર શક્ય નહોતી.

કદાચ એ જ દિવસોમાં ઝીણાના કેટલાક મિત્રો તેમના ઈલાજ માટે દોડધામ કરી રહ્યા હતા.

ડૉક્ટર પાસે જ્યારે ઝીણાની સારવાર મામલે અજાણ્યા કૉલ આવ્યા

પોતાના પુસ્તક ‘ટ્યુબરક્યુલોસિસ: ધ ગ્રેટેસ્ટ સ્ટોરી નેવર ટોલ્ડ’માં ડૉક્ટર અને લેખક ડૉ. ફ્રૅન્ક રાયન લખે છે, “વૉશિંગ્ટનમાં મને પાકિસ્તાની દૂતાવાસમાંથી કેટલાક રહસ્યમય ફોનકૉલ આવ્યા હતા. તેમાં મને કહેવામાં આવ્યું હતું કે મારે એક એવા માણસને તપાસવા માટે તાત્કાલિક કરાચી આવવાનું છે, જેનું નામ કે તેને થયેલી બીમારી વિશે મને કશું જ જણાવવામાં આવ્યું નહોતું.”

“આ કેસની હકીકત જાણવા અને સમજવા માટે મેં કરેલી બધી કોશિશો વ્યર્થ ગઈ. થોડા જ દિવસો પછી મને ફોન આવ્યો કે હવે મારી સેવાઓની જરૂર નથી, કારણ કે દર્દીનું અવસાન થઈ ગયું છે.”

ફ્રૅન્ક રાયને લખ્યું છે કે બે-ત્રણ વર્ષ પછી, પોતે સાન ફ્રાન્સિસ્કો ચાલ્યા ગયેલા ત્યારે એક ડૉક્ટર તેમને મળવા આવ્યા.

“તેમણે જણાવ્યું કે એ ફોનકૉલ તેમણે જ કર્યા હતા અને એ દર્દી બીજું કોઈ નહીં, પણ ઝીણા હતા. તેઓ ઝીણાના અંગત ડૉક્ટર રહી ચૂક્યા હતા.”

“હવે આ ગુપ્તતાનું કારણ પણ સ્પષ્ટ થઈ ગયું. થોડાં વર્ષો પહેલાં પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટમાં મેં આપેલું વક્તવ્ય એ ડૉક્ટરે સાંભળેલું અને મારાં પ્રકાશિત થયેલાં કેટલાંક લખાણો પણ વાંચ્યાં હતાં.”

“મહમદઅલી ઝીણા ફેફસાંના જૂના ક્ષયરોગ(ટીબી)થી પીડાતા હતા, જેની પહેલવહેલી સારવાર તેમના ડૉક્ટર ડૉ. પટેલે જૂન, 1946માં કરી હતી.”

ઝીણાના સ્વાસ્થ્યનું રહસ્ય ખૂલ્યું ત્યારે માઉન્ટબૅટને શું કહ્યું

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

‘ફ્રીડમ ઍટ મિડનાઇટ’માં લખ્યું છે કે એપ્રિલ, 1947માં લૉર્ડ લૂઇ માઉન્ટબેટન, જવાહરલાલ નહેરુ કે મોહનદાસ ગાંધીને આ અસાધારણ રહસ્યની જાણ હોત, તો ભારતનું વિભાજન કદાચ ટાળી શકાયું હોત.

“પોતાના મુસ્લિમ દેશવાસીઓ માટે અલગ રાષ્ટ્ર મેળવવાના સંકલ્પમાં ઝીણા એટલા મક્કમ હતા કે તેમણે અંતિમ વાઇસરૉયને પણ એ નિર્ણય લેવા મજબૂર કરી દીધા.”

ડૉમિનિકે પછી જણાવેલું કે તેમણે જ્યારે આ રહસ્ય લૉર્ડ માઉન્ટબેટનને જણાવ્યું, ત્યારે તેમનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. તેમણે કહ્યું હતું કે એ સમયે ઝીણાની બીમારીની ગંભીરતા વિશે પોતાને જાણ હોત, તો તેમના મતે કદાચ પાકિસ્તાન અસ્તિત્વમાં જ ન આવ્યું હોત.

“ત્યારે મને આ બધી વાતની જાણ હોત, તો ઇતિહાસની દિશા કંઈક જુદી હોત. હું સ્વતંત્રતા આપવાનો નિર્ણય કેટલાક મહિનાઓ માટે મોકૂફ રાખત. પાકિસ્તાન અસ્તિત્વમાં જ ન આવ્યું હોત.”

“તેમણે કહ્યું, ‘મને વિશ્વાસ જ નથી આવતો!’ પછી તેઓ ઊંડા આશ્ચર્ય સાથે ‘ઓહ ગૉડ!’ બોલતાં તેઓ હાંફી ઊઠ્યા. સામાન્ય રીતે શાંત રહેતી તેમની વાદળી આંખો તીવ્ર લાગણીથી સંકોચાઈ ગઈ હતી.”

પુસ્તકમાં જણાવાયા મુજબ, આ રહસ્ય એટલી કાળજીપૂર્વક છુપાવીને રાખવામાં આવ્યું હતું કે બ્રિટિશ ગુપ્તચર સેવા પણ તેનાથી સંપૂર્ણપણે અજાણ હતી.

આખરે 11 સપ્ટેમ્બર, 1948ના રોજ ફેફસાંના ક્ષયરોગ (ટીબી)ને કારણે ઝીણાનું અવસાન થયું.

પાકિસ્તાનના આયોજનમંત્રી અને પુરસ્કાર સમિતિના અધ્યક્ષ અહસાન ઇકબાલે પોતાની ઍક્સ પોસ્ટમાં લખ્યું હતું કે ડૉ. જાલ રતનજી પટેલ અને ડૉ. જાલ દિબુની વ્યાવસાયિક નિષ્ઠાએ, અજાણતાં જ, એવી પરિસ્થિતિ ઊભી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, જેના કારણે પાકિસ્તાનની સ્થાપના શક્ય બની.

ભારત સરકારે ડૉ. જાલ રતનજી પટેલને 1962માં દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન ‘પદ્મભૂષણ’થી સન્માનિત કર્યા હતા.

પાકિસ્તાને આ વર્ષે 14 ઑગસ્ટે ડૉ. જાલ રતનજી પટેલ અને ડૉ. જાલ દિબુને ‘નિશાન-એ-કાઈદ-એ-આઝમ’ સન્માનની જાહેરાત કરી છે. આ સન્માન આવતા વર્ષે 23 માર્ચે એક સમારંભમાં ઔપચારિક રીતે એનાયત કરવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS