Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Reuters
પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ
કૉકરોચ જનતા પાર્ટી (સીજેપી) એ શનિવારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું. જે બાદ પ્રદર્શન કરવા પહોંચી રહેલા સીજેપી, અન્ય વિપક્ષી દળોના નેતા, સમર્થકો સહિત સેંકડો પ્રદર્શનકારીઓની આખા દિવસ દરમિયાન અટકાયત કરાઈ હતી.
આખો દિવસ, પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ અને દલીલબાજીનાં તસવીરો અને વીડિયો સમાચાર માધ્યમો અને સોશિયલ મીડિયા પર જોવા મળ્યાં હતાં.
નોંધનીય છે કે, જંતર-મંતર ખાતે સીજેપીની પ્રદર્શનની પરવાનગી માગતી અરજી દિલ્હી પોલીસે નકારી કાઢી હતી, પાર્ટીના કન્વીનર અભિજિત દીપકેએ ‘કોઈ પણ સ્થિતિમાં જંતર-મંતર સુધી માર્ચ કરવાનો’ નિર્ણય જાહેર કર્યો હતો.
અભિજિત દીપકે સહિત સીજેપીના અન્ય નેતાઓ, અન્ય વિપક્ષી દળોના નેતાઓ અને કેટલાક યુવાન નેતા અને સમર્થકોની દિલ્હીમાં વિવિધ સ્થળેથી અટકાયત કરાઈ હતી.
શનિવારે આખો દિવસ સુરક્ષા દળના જવાનો અને પ્રદર્શનકારીઓ વચ્ચે દલીલબાજી, ઘર્ષણ અને પ્રદર્શનનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.
સીજેપીના સમર્થકો અને વિપક્ષી દળોએ અટકાયતની કાર્યવાહીને ‘ગેરકાયદેસર’ ગણાવી તમામ પ્રદર્શનકારીઓની મુક્તિની માગ કરી હતી.
જોકે, સામેની બાજુએ ભાજપે કૉક્રોચ પાર્ટીના વિરોધને ‘દેશને અસ્થિર કરવાનો પ્રયાસ’ અને ‘અરાજક તત્ત્વોનો ફ્લૉપ શો’ ગણાવ્યો હતો.
આખા દિવસ દરમિયાન શું શું થયું? અહીં જાણો.
સીજેપીના અભિજિત દીપકે સહિતના નેતાઓની અટકાયત
ઇમેજ સ્રોત, Indranil MUKHERJEE / AFP via Getty Images
દિલ્હીમાં જંતર-મંતર ખાતે પ્રદર્શન માટે પહોંચતાવેંત કૉક્રોચ જનતા પાર્ટીના અભિજિત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને પોલીસે અટકાયતમાં લેવાયા હોવાની પોતાના સત્તાવાર નિવેદનમાં જાહેરાત કરી હતી.
સીજેપીએ દિલ્હી પોલીસની આ કાર્યવાહીને “સરમુખત્યારશાહીપૂર્ણ” ગણાવીને ત્રણેય નેતાઓને તાત્કાલિક તથા કોઈપણ શરત વિના મુક્ત કરવાની માંગ કરી હતી
આ પહેલાં જાણીતા યૂટ્યૂબર ધ્રુવ રાઠી અને સીજેપીના લીગલ અફેર્સ વિભાગનાં વડાં રત્નાસિંહને પણ પોલીસે અટકાયતમાં લીધાં હોવાની માહિતી સામે આવી હતી.
એ બાદ ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ ઍસોસિયેશનનાં રાષ્ટ્રીય પ્રમુખ નેહા બોરા, આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ, પશ્ચિમ બંગાળનાં પૂર્વ સીએમ મમતા બેનરજી સહિતના નેતાઓની પણ પોલીસે અટકાયત કરી હતી.
દિલ્હીમાં વિરોધપ્રદર્શનો વચ્ચે, દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટ નજીક ઘણા વકીલોની અટકાયત કરી હતી. અટકાયત કરાયેલા લોકોમાં સુપ્રીમ કોર્ટનાં ઍડવોકેટ-ઑન-રેકોર્ડ (એઓઆર) સુમિતા હજારિકાનો પણ સમાવેશ થાય છે. જે બાદ આ ઘટનાની સુપ્રીમ કોર્ટ બાર ઍસોસિયેશને ટીકા કરી હતી અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે અટકાયત કરાયેલા વકીલોને મુક્ત કરવા જણાવ્યું હતું.
દિલ્હીમાં ટ્રેન સેવા રદ અને મેટ્રોનાં સ્ટેશનો બંધ કરાયાંનો આરોપ
ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હી મેટ્રોના અનેક સ્ટેશનો બંધ કરવા અને ટ્રેન સેવાઓ રદ કરવા મામલે સુપ્રીમ કોર્ટમાં અવમાનના અરજી દાખલ કરવામાં આવી હતી.
અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે અધિકારીઓએ સુપ્રીમ કોર્ટના તે નિર્દેશનું ઉલ્લંઘન કર્યું છે, જેમાં પરિવહન સેવાઓને સંપૂર્ણપણે બંધ ન કરવાની વાત કહેવામાં આવી હતી.
લાઇવ લૉ અનુસાર, આ અવમાનના અરજી કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સચિવ ગોવિંદ મોહન (આઇએએસ), દિલ્હી પોલીસ કમિશનર અનુરાગકુમાર (આઇપીએસ) અને દિલ્હી મેટ્રો રેલ કૉર્પોરેશન (ડીએમઆરસી)નાં અધ્યક્ષ ડી. થારા (આઇએએસ) વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે.
અરજદારે આરોપ લગાવ્યો છે કે, યોગ્ય કારણ વિના ટ્રેન સેવાઓ રદ કરવામાં આવી રહી છે અને મેટ્રોનાં અનેક સ્ટેશનો બંધ રાખવામાં આવ્યાં હતાં. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, અદાલતના નિર્દેશોનું પાલન કરવામાં અધિકારીઓની નિષ્ફળતાના કારણે દિલ્હીમાં જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું છે.
નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે શુક્રવારે પ્રસ્તાવિત પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હી મેટ્રો અને ટ્રેન સેવાઓ પર લાદવામાં આવેલા પ્રતિબંધોના નિર્ણય પર કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસને પુનર્વિચાર કરવાની સૂચના આપી હતી.
કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના પ્રદર્શન પહેલાં નવી દિલ્હી અને હઝરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશનથી આવતી-જતી 250થી વધુ ટ્રેનો રદ કરી દેવામાં આવી હતી.
બીજી તરફ, દિલ્હી મેટ્રો રેલ કૉર્પોરેશન (ડીએમઆરસી)એ પણ 57 મેટ્રો સ્ટેશનોના પ્રવેશ અને બહાર જવાના દરવાજા બંધ કરી દીધા હતા.
સોનમ વાંગચુકે સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું, ભૂખ હડતાળ પર જવાની ચીમકી
ઇમેજ સ્રોત, ANI
સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે શનિવારે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં સરકાર પાસે અટકાયત કરાયેલા લોકોને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરવામાં આવી હતી.
તેમણે વીડિયોમાં કહ્યું , “જ્યારે હું થોડા સમય પહેલા પાછો આવ્યો ત્યારે મને ખબર પડી કે આજે દિલ્હીમાં વિદ્યાર્થી નેતાઓ, યુવા નેતાઓ, વકીલો, પત્રકારો, અને સાંસદોની પણ ઘણી ધરપકડ કરવામાં આવી છે.”
તેમણે કહ્યું, “ગઈકાલે તેઓ વિચારતા હતા કે વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં શાંતિપૂર્ણ વિરોધપ્રદર્શનની મંજૂરી આપવામાં આવશે. પરંતુ હવે એવું લાગે છે કે જાણે દેશભરમાં અઘોષિત કટોકટી લાદવામાં આવી છે.”
તેમણે સરકારને કહ્યું, “જો આગામી 24 કલાકમાં ધરપકડો હટાવવામાં નહીં આવે, તો મને પણ શાંતિપૂર્ણ વિરોધપ્રદર્શન પર વિચાર કરવાની ફરજ પડશે.”
તેમણે કહ્યું કે તેઓ ધરણા, ઉપવાસ કે પદયાત્રા જેવું કંઈ પણ કરી શકે છે અને તે દિલ્હી કે લેહમાં ગમે ત્યાં થઈ શકે છે.
દિલ્હીમાં વિરોધ પ્રદર્શનથી દૂર રહેલા રાહુલ ગાંધીએ તેમના વીડિયો સંદેશમાં શું કહ્યું?
ઇમેજ સ્રોત, Screen Grab
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક વીડિયો સંદેશ જાહેર કરીને આ વિરોધપ્રદર્શનને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું .
તેમણે કહ્યું, “હું એક દાયકાથી વધુ સમયથી નરેન્દ્ર મોદી, આરએસએસ અને તેમની સાથે જોડાયેલા લોકો સામે લડી રહ્યો છું. હું મારા વિરોધીઓને જે રીતે કોઈ પોતાના હરીફને સમજે છે તે રીતે સમજું છું. હું તેમને અંદરથી જાણું છું, હું તેમની દરેક ચાલથી વાકેફ છું. આ લોકોની સૌથી મોટી ઓળખ કાયરતા છે.”
“આ કહાણીના ખલનાયકો નરેન્દ્ર મોદી, અમિત શાહ, મોહન ભાગવત, જ્ઞાનેશ કુમાર, અજિત ડોભાલ હવે ધીમે ધીમે ઘેરાઈ રહ્યા છે. તેમની આસપાસનું વર્તુળ સંકોચાઈ રહ્યું છે.”
પ્રદર્શનકારીની સામૂહિક અટકાયત અંગે, તેમણે કહ્યું, “તમે જે ઇચ્છો તે કરો. તમે ઇચ્છો તેટલી પોલીસ બોલાવો – 10 હજાર, 20 હજાર, 50 હજાર. બધા નેતાઓની ધરપકડ કરો. બધા યુવાનોની ધરપકડ કરો. બધાની ધરપકડ કરો. ગભરાશો નહીં – અમે તમને ચારે બાજુથી ઘેરી રહ્યા છીએ, અને અમે પાછળ હટવાના નથી.”
“મારા શબ્દો યાદ રાખો, અમારી પાસે પહેલાથી જ જરૂરી માહિતી છે. અમે અમારા બંધારણનું રક્ષણ કરીશું. અમે ભારતના લોકોના અવાજનું રક્ષણ કરીશું. અને અમે ખાતરી કરીશું કે છેલ્લાં 10-15 વર્ષોમાં ભારત સાથે જે બન્યું છે તે કોઈપણ સંજોગોમાં ફરી ક્યારેય ન બને.”
તેમણે કહ્યું, “ભારતના યુવાનો, મને તમારા પર ગર્વ છે. તમારો વિરોધ ચાલુ રાખો. અમે તમારી સાથે છીએ. અમે ખાતરી કરીશું કે આ સરકાર અને આપણા બંધારણ પર હુમલો કરનારાઓને હરાવવામાં આવે.”
સીજેપીને ‘અરાજકતાવાદી જૂથ’ ગણાવતી વખતે ભાજપપ્રમુખ નીતિન નબીને શું કહ્યું?
ઇમેજ સ્રોત, BJP
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને કૉક્રોચ જનતા પાર્ટીના વિરોધને ‘દેશને અસ્થિર કરવાનો પ્રયાસ’ ગણાવ્યો હતો
શુક્રવારે મીડિયા સાથે વાત કરતા નીતિન નબીને કહ્યું, “આજે દેશમાં ખૂબ જ ખતરનાક અને ગંભીર પરિસ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દેશના 140 કરોડ લોકોને અસ્થિર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેઓ શાંતિ અને ખુશીથી ભારતના વિકાસમાં સહયોગ આપી રહ્યા છે. આ કોણ કરી રહ્યું છે? આ બે અરાજકતાવાદી જૂથો છે, એકનું નેતૃત્વ ‘ઇન્ડી ગઠબંધન’ના નેતા રાહુલ ગાંધી કરી રહ્યા છે, અને બીજું અરવિંદ કેજરીવાલના સાથી સીજેપી કરી રહ્યા છે.”
નીતિન નબીને કહ્યું, “હું આ બંને જૂથોને સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે ભારતના લોકો તમારા ઇરાદાઓથી સંપૂર્ણપણે વાકેફ છે. આજે તમે અરાજકતા માટે સ્પર્ધા કરી રહ્યા છો કે, આ દેશમાં કોણ વધુ અસ્થિરતા પેદા કરી શકે છે. અમે તમારી આ યોજનાઓને પૂર્ણ થવા દઈશું નહીં.”
તેમણે કહ્યું, “રાહુલ ગાંધીજી, તમારી યોજનાઓ ક્યારેય પૂર્ણ થશે નહીં. રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ અને ઇન્ડી ગઠબંધનના લોકો જે પ્રકારની ભાષા વાપરી રહ્યા છે, કહેવાતા યુવા નેતૃત્વ શું કહી રહ્યું છે, તે ભારતનો યુવા જોઈ રહ્યો છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




