Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
મોંઘવારી અને શાળાઓમાં સર્જાયેલી મુશ્કેલીઓ સામે શનિવારે ફ્રાન્સભરમાં યોજાયેલાં વિરોધપ્રદર્શનો દરમિયાન હિંસા ફાટી નીકળી હતી.
ફ્રૅન્ચ સરકારે જેને “હિંસામાં વધારો” ગણાવ્યો છે, તે દરમિયાન ઓછામાં ઓછા 1,200 લોકોની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે અંદાજે 5.5 લાખ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
પેરિસમાં સાંજ સુધી રમખાણ નિયંત્રણ પોલીસ સાથે ભારે અશાંતિ જોવા મળી હતી, જેમાં પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગૅસ અને વૉટર કૅનનનો ઉપયોગ કર્યો હતો.
રાજધાની પેરિસ અને અન્ય વિસ્તારોમાં ઇમારતોને આગ ચાંપવામાં આવી હતી. લિમોગ્સમાં સ્થિત ટાઉન હૉલમાં ભીષણ આગ લાગવાને કારણે છતનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો.
અનેક શહેરોમાં લૂંટફાટની ઘટનાઓ બની હતી, જેમાં ટાઉન હૉલ અને વેપારી મથકોને મોટા પાયે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
વડા પ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુએ જણાવ્યું હતું કે આ અશાંતિમાં 150 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે.
ફ્રૅન્ચ રાજધાનીમાં બપોરના સમયે મુખ્ય માર્ચ મોટે ભાગે શાંતિપૂર્ણ રહી હતી. યુવાનોના એક જૂથે બીબીસીને જણાવ્યું હતું કે તેઓ “શાંતિપ્રિય” છે અને “માત્ર પરિસ્થિતિ બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ કશું બદલાઈ રહ્યું નથી.”
ઇમેજ સ્રોત, Getty Images
જોકે, દિવસ વિતવાની સાથે જ કેટલાંક જૂથોએ રસ્તાઓ પર આગ લગાવી હતી અને વાહનોને સળગાવી દીધાં હતાં. આ ઘટનાઓ પેરિસના પ્રખ્યાત ‘પ્લૅસ ડી લા રિપબ્લિક’ જેવાં સ્થળોએ પણ બની હતી.
દુકાનોમાં તોડફોડ કરીને લૂંટ ચલાવવામાં આવી હતી, ઓછામાં ઓછી એક રેસ્ટોરાં આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી અને બીબીસીએ કેટલાંક જૂથો વચ્ચે અંદરોઅંદર લડાઈ થતી પણ જોઈ હતી.
મધ્ય પેરિસમાં દંગા નિયંત્રણ પોલીસ ભીડ તરફ દોડતી અને કેટલાક લોકો પર લાઠીચાર્જ કરતી જોવા મળી હતી.
લિયોનમાં, મેયર ગ્રેગરી ડૌસેટે શહેરના પ્રવાસન કાર્યાલયને સળગાવી દેવાની ઘટનાને “દુર્ઘટના” ગણાવી હતી. તેમણે BFMTV ને જણાવ્યું: “આનાથી અમારું દિલ તૂટી ગયું છે કારણ કે તે એક ખૂબ જ જાણીતી ઐતિહાસિક ઇમારત છે.”
સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે “અસામાજિક તત્ત્વોએ” ફાયર બ્રિગેડના જવાનોને સલામત રીતે આગ ઓલવતા રોક્યા હતા.
ફાયર ફાઇટર્સે લિમોગ્સ ટાઉન હૉલની આગ પર પણ કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, જ્યાં સ્થાનિક પ્રશાસનના જણાવ્યા મુજબ ઇમારતનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો.
ઇમેજ સ્રોત, Getty Images
દક્ષિણ-પૂર્વના શહેર સૅન્ટ-ઍટિએનના મેયર રેગિસ જુઆનિકોએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે સૅન્ટ-ઍટિએનમાં એક યુવાનનો હાથ એક નાના વિસ્ફોટકથી “ઉડી ગયો” હતો, અને ઉમેર્યું હતું કે: “આવી દુર્ઘટના ક્યારેય ન બનવી જોઈતી હતી.”
છેલ્લાં કેટલાંક અઠવાડિયાંમાં દેશની લાયસીસ (15થી 18 વર્ષના વિદ્યાર્થીઓ માટેની માધ્યમિક શાળાઓ)માં શિક્ષકોની અછત અને જર્જરિત સુવિધાઓને લઈને સેંકડો વિદ્યાર્થીઓએ વિરોધપ્રદર્શનો કર્યાં છે.
ટ્રેડ યુનિયન સભ્યો અને અન્ય વિરોધ જૂથો દ્વારા તેમની સંખ્યામાં મોટો વધારો થયો છે.
આ જૂથોમાં કકથિત ‘ગિલેટ્સ જૉન્સ’ (યલૉ વેસ્ટ) ચળવળ પણ સામેલ છે, જેણે 2018થી એક વર્ષ કરતાં વધુ સમય સુધી મોંઘવારી સામે વિરોધપ્રદર્શન કર્યું હતું, જે ફ્રૅન્ચ ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચાલેલી ચળવળોમાંની એક બની ગઈ હતી.
ફ્રાન્સના ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે શનિવારનાં પ્રદર્શનોમાં પેરિસ તેમજ માર્સેલી, રેન્સ, તુલોઝ અને ઍન્જર્સ સહિતનાં સ્થળોએ “મોઢું ઢાંકેલી વ્યક્તિઓ” દ્વારા “ટારગેટેડ હિંસા” કરવામાં આવી હતી.
ગ્રેનોબલ, અવિગ્રન, પાઉ, મૉન્ટપેલિયર અને વેલેન્સ સહિત ફ્રાન્સભરમાં ઇમારતોને નુકસાન પહોંચ્યાના અહેવાલ છે.
પેરિસમાં કપડાં અને કરિયાણાની દુકાનોમાં લૂંટ ચલાવવામાં આવી હતી, જ્યારે લીલમાં આવેલા એક ‘ઍપલ સ્ટોર’માં તોડફોડ કરીને તેને ખાલી કરી દેવામાં આવ્યો હતો.
બીબીસી વેરિફાય દ્વારા પ્રમાણિત વીડિયોમાં જોઈ શકાય છે કે ગ્રેનોબલ શહેરમાં માસ્ક પહેરેલા પુરુષો એક પ્રવાસી ટ્રેન ચલાવીને સાંકડી શેરીમાંથી ઓછામાં ઓછા ત્રણ દંગા નિયંત્રણ પોલીસ અધિકારીઓ તરફ લઈ જઈ રહ્યા છે.
ઇમેજ સ્રોત, Reuters
જોકે ફ્રાન્સ માટે વિરોધપ્રદર્શન અને અશાંતિ નવી વાત નથી, પરંતુ આ વખતનો તબક્કો એવા સમયે આવ્યો છે જ્યારે દેશ ઊંડી રાજકીય અનિશ્ચિતતા તરફ આગળ વધી રહ્યો છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૅક્રોં આવતા વર્ષે તેમનું પદ છોડશે અને સર્વેક્ષણો સૂચવે છે કે એપ્રિલની રાષ્ટ્રપતિ ચૂંટણી નૅશનલ રેલીનાં નેતા મરીન લે પેન અને હાર્ડ-લૅફ્ટ લા ફ્રાન્સ ઇન્સોમિસે પાર્ટીના જીન-લુક મૅલેન્ચોન વચ્ચેનો જંગ બની શકે છે.
બાદમાં ફ્રાન્સમાં દેખાવોમાં ભાગ લીધો હતો અને બાદમાં પોલીસ અધિકારીઓ પર પ્રદર્શનકારીઓ પર “હિંસા” કરવાનો આરોપ મૂક્યો હતો, જ્યારે લૂંટફાટ અને આગચંપીની નિંદા કરી હતી.
લેકોર્નુએ કહ્યું કે તેમની ટિપ્પણીઓ “ખતરનાક અને નિંદનીય” હતી.
તેમણે અગાઉ કહ્યું હતું કે પોલીસે “અત્યંત તીવ્ર હિંસા”નો સામનો કરવો પડ્યો છે અને કેટલાંક જૂથો આ પ્રદર્શનોનો ઉપયોગ રાષ્ટ્રપતિ ચૂંટણી માટે “વૉર્મ-અપ” તરીકે કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું: “કોઈપણ હિંસા દ્વારા પોતાનો રાજકીય એજન્ડા લાદી શકશે નહીં.”
લે પેને કહ્યું કે, વિરોધીઓ દ્વારા ઉઠાવવામાં આવેલી “કાયદેસર માંગણીઓ” ને “ડાબેરીઓ દ્વારા બંધક બનાવવામાં આવી છે” અને મૅલેન્ચોન પર હિંસાને વેગ આપવાનો આરોપ લગાવ્યો.
ઇમેજ સ્રોત, Reuters
મૅક્રોંએ કહ્યું “જેમણે તોડફોડ કરી છે, સરકારી કાર્યાલયો અને વ્યવસાયો પર હુમલા કર્યા છે, આપણા ટાઉન હૉલને પણ લૂંટ્યો છે, તેમની સામે કેસ ચલાવવામાં આવશે અને તેમને સજા કરવામાં આવશે.”
સરકારે રાહત આપવાના પ્રયાસો કર્યા છે, જેમાં શિક્ષણ પ્રધાન ઍડોઅર્ડ ગૅફ્રેએ 8 ઑક્ટોબરના રોજ એક ટેલિવિઝન ઇન્ટરવ્યૂ દરમિયાન 3,000 વધારાના શિક્ષકોની ભરતી કરવાનું વચન આપ્યું હતું.
જોકે, તેમ છતાં વિરોધપ્રદર્શનો સતત ચાલુ રહ્યાં છે અને વધુ તીવ્ર બન્યાં છે.
આ પ્રદર્શનકારીઓ કોણ છે?
ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી ન્યૂઝે પેરિસના રસ્તાઓ પર કેટલાક પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરી હતી.
પ્રદર્શનોમાં હાજર રહેવું “ખૂબ જ મહત્ત્વપૂર્ણ” છે, તેમ એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે આજે રસ્તા પર માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ કામદારો પણ ઉતરી આવ્યા હતા.
અઠવાડિયાંના વિદ્યાર્થી વિરોધપ્રદર્શનો પછી, કથિત “યલૉ વેસ્ટ” ચળવળ અને યુનિયનોએ મોંઘવારી અને જાહેર સેવાઓની કથળતી સ્થિતિ સામેના વ્યાપક વિરોધપ્રદર્શનમાં યુવાનો સાથે હાથ મિલાવ્યો હતો.
એક બીજા વિદ્યાર્થીએ બીબીસીને જણાવ્યું કે સમસ્યાઓને સામે આજે “તમામ પેઢીઓ” રસ્તાઓ પર છે.
તેમણે ઉમેર્યું, “આનાથી ખરેખર અમને આગળ વધવાની અને સરકાર દ્વારા અમારી વાત કહેવાની તાકાત મળે છે.”
અન્ય એક પ્રદર્શનકારીએ જણાવ્યું કે તે “ચરમપંથી રાજકારણના વિકાસ સામે લડી રહ્યા છે.”
તેઓ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરતા કહે છે, “આ પરિસ્થિતિમાં જીવવું અશક્ય છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




