Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Bipin Tankaria
-
પ્રકાશિત
-
વાંચવાનો સમય: 5 મિનિટ
રાજકોટ શહેરની મધ્યમાં આવેલા અને જ્યાં વાહનોનો સતત ધમધમાટ રહે છે તેવા ભક્તિનગર સર્કલમાં ગુરુવારે બપોરના સમયે ત્રણ લોકો વિમલ વાણિયા નામના એક 27 વર્ષના દલિત યુવાન પર છરી લઈને તૂટી પડ્યા અને તેમની હત્યા કરી હોવાના આરોપ સાથે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
પોલીસે જણાવ્યું કે છરીથી હુમલો કરાયાની અમુક મિનિટોમાં જ વિમલનું મૃત્યુ થઈ ગયું, જ્યારે ત્રણેય હુમલાખોર બે મોટરસાઇકલ પર સવાર થઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા. આ મામલે નોંધાયેલી પોલીસ ફરિયાદ અનુસાર, વિમલ પર હુમલો કરનાર અન્ય કોઈ નહીં પણ વિમલનાં પત્ની શીતલનો સગો ભાઈ કમલેશ ઉર્ફે કાનો ઘાંઘળ અને કાનના બે મિત્રો જ હતા.
પોલીસે એમ પણ જણાવ્યું કે સાતેક વર્ષ અગાઉ વિમલ અને શીતલ વચ્ચે પ્રેમસંબંધ બંધાયો અને શીતલના પરિવારને તેની જાણ થઈ ત્યારથી શીતલનો ભાઈ તે સંબંધની વિરુદ્ધમાં હતો અને અવારનવાર ધમકીઓ આપ્યા કરતો હતો.
વિમલનો જન્મ એક દલિત પરિવારમાં થયો હતો, જ્યારે શીતલ અન્ય સમાજમાંથી આવે છે તેમ કહી પોલીસે ઉમેર્યું હતું કે શીતલના પરિવારને વિમલ સાથેનો તેનો સંબંધ મંજૂર ન હતો.
આરસી બુક લેવા ગયેલા વિમલ પર કઈ રીતે હુમલો થયો?
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
વિમલ પર હુમલો થયા બાદ મીડિયા પ્રતિનિધિઓ સાથે વાત કરતા શીતલે જણાવ્યું હતું કે તેમના પતિ વાહન નોંધણીની “આરસી (સર્ટિફિકેટ ઑફ રજિસ્ટ્રેશન) બુક લેવા જાઉં છું” તેમ કહીને ઘરેથી નીકળ્યા હતા. પોલીસે કહ્યું કે ગુરુવારે બપોરે સવા બે વાગ્યે વિમલ ભક્તિનગર સર્કલમાં આવેલા એક પાનની દુકાને ઊભો હતો ત્યારે કાનાએ પાછળથી તેની ડોક પકડી લીધી અને થોડે દૂર લઈ જઈને તેને છરીના ઘા માર્યા.
આ બાબતે વિમલનાં માતા ભારતીબહેને આપેલી ફરિયાદના આધારે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં એક એફઆઇઆર નોંધવામાં આવી છે.
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
ફરિયાદમાં ભારતીબહેને જણાવ્યું છે કે વિમલ પર હુમલો થયો ત્યારે વિમલનો મિત્ર તૃશાલ અગ્રાવત તેની સાથે હતો. તૃશાલે આશરે પોણા ત્રણ વાગ્યે ભારતીબહેનને ફોન કરીને વિમલ પર થયેલા હુમલાની જાણ કરી હતી તેમ પોલીસે જણાવ્યું.
તૃશાલે આપેલી માહિતીને ટાંકતા માતાએ તેમની ફરિયાદમાં જણાવ્યું કે કાનો અને અન્ય એક શખ્સ એક મોટરસાઇકલ પર સવાર થઈ ભક્તિનગર સર્કલ આવી ચડ્યા, જ્યારે ત્રીજો હુમલાખોર એક બુલેટ પર સવાર થઈને ત્યાં પહોંચી ગયેલો. માતાએ કહ્યું કે કાનાએ અને તેની સાથે આવેલા સફેદ જેવા રંગનો શર્ટ પહેરેલી વ્યક્તિએ વિમલ સાથે પહેલાં ગાળાગાળી અને ઝપાઝપી કરી.
માતાએ આપેલી ફરિયાદને ટાંકીને એફઆઇઆરમાં લખવામાં આવ્યું છે, “કમલેશ ઉર્ફે કાનો બોલવા લાગેલો કે ‘મારી બહેન સાથે પ્રેમલગ્ન કરેલ છે અને હવે જો તું, તને પતાવી દેવો છે.’ એમ કહી શરીરે આડેધડ માર મારી, ત્યાર બાદ પછાડી અને કમલેશ ઉર્ફે કાનાએ છરી કાઢી અને વિમલને છરીના આડેધડ ઘા મારી દીધેલા અને ત્રણેય બુલેટ તથા સ્પ્લેન્ડર મોટરસાઇકલ લઈ ભાગી ગયા.”
પ્રેમીયુગલનાં મિત્રો કઈ રીતે પોતે જ પ્રેમમાં પડ્યાં?
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
ભારતીબહેનની ફરિયાદના આધારે ભક્તિનગર પોલીસે કમલેશ ઉર્ફે કાના ઘાંઘળ અને તેમના બે મિત્રો સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ હત્યા, હત્યા કરવાની ધમકી, જાહેર સુલેહી-શાંતિનો ભંગ કરવા માટે કોઈનું ઇરાદાપૂર્વક અપમાન કરવું વગેરે કલમો, તેમજ ઍટ્રોસિટી કાયદાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને આ કેસની તપાસ ચાલુ કરી છે.
ભક્તિનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. પરમારે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે વિમલ અને શીતલના પરિવાર રાજકોટ શહેરના અલગ-અલગ વિસ્તારમાં રહે છે. પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે તે બંનેનો પરિચય એકબીજાના મિત્રો મારફતે થયો હતો.
જે.ડી. પરમારે કહ્યું, “વિમલના એક મિત્રને શીતલની એક બહેનપણી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. તેથી જ્યારે તે યુવક-યુવતી એકબીજાને મળવા જતાં ત્યારે વિમલ તેના મિત્રના નાતે તે યુવક સાથે અને શીતલ તે યુવતીની સખી હોવાને નાતે તે યુવતી સાથે જતી. આ રીતે વિમલ અને શીતલની મુલાકાત થઈ અને પછી તે બંને પણ એકબીજાના પ્રેમમાં પડ્યાં.”
પરિવારની ના-મંજૂરી, બળજબરી છતાં શીતલ કઈ રીતે વિમલને પરણ્યાં?
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. પરમારે જણાવ્યું કે એકબીજાના પ્રેમમાં પડ્યાં બાદ વિમલ અને શીતલ ઘરેથી ભાગી ગયાં હતાં, પરંતુ શીતલને તેમના ભાઈએ શોધી કાઢ્યાં હતાં અને ઘરે લઈ આવ્યાં હતાં.
“શીતલને ઘરે લઈ આવ્યા બાદ તેમના પરિવારે તેમનાં લગ્ન અન્ય યુવક સાથે કરાવી દીધાં હતાં. પરંતુ શીતલને તે લગ્ન અમાન્ય હતાં અને તેઓ પાછાં આવી ગયાં હતાં અને સંરક્ષણગૃહમાં આશરો લીધો. ત્યાર બાદ તેમણે વિમલ સાથે લગ્ન કરી લીધાં હતાં.”
ફરિયાદમાં વિમલનાં માતા ભારતીબહેને જણાવ્યું કે વિમલ અને શીતલ પ્રથમ વાર ઘર છોડીને ભાગી ગયાં બાદ કડી તરફ રહેવા ગયાં હતાં.
એફઆઇઆરમાં માતાને ટાંકીને નોંધવામાં આવ્યું છે, “ત્યાં શીતલનો ભાઈ કમલેશ ઉર્ફે કાનો લાખાભાઈ ઘાંઘળ પહોંચી ગયો હતો અને વિમલને માર માર્યો હતો અને શીતલને તેડીને જતો રહ્યો હતો. પછી શીતલને બીજે પરણાવી દીધાં હતાં.”
“આ બનાવના એક વર્ષ પછી શીતલ ફરી પાછાં તેમના ઘરેથી ભાગીને વિમલની પાસે રહેવાં આવી ગયાં હતાં.”
પિતા બન્યાના 11 મહિના બાદ વિમલની ‘હત્યા’ થતાં પત્નીએ શું માગણી કરી?
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
ભક્તિનગર પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. પરમારે જણાવ્યું કે વિમલ વાણિયા સીએનસી મશીન ઑપરેટર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમનાં બહેનનાં લગ્ન થઈ ગયાં છે. વિમલ નાના હતા ત્યારે જ તેમના પિતાનું બીમારીથી મૃત્યુ થઈ જતા તેમનાં માતાએ બીજાં લગ્ન કર્યાં હતાં.
પોલીસ ઇન્સ્પેક્ટરે વધુમાં ઉમેરતા કહ્યું કે કાનો વાહન ડ્રાઇવર તરીકે કામ કરે છે.
જે.ડી. પરમારે કહ્યું, “વિમલ પર થયેલા હુમલાનું રેકૉર્ડિંગ ભક્તિનગર સર્કલ વિસ્તારમાં લગાડેલા સીસીટીવી કૅમેરામાં થઈ ગયું છે. સીસીટીવી ફૂટેજથી એવું સાબિત થાય છે કે ત્રણ હુમલાખોરોમાંથી એક કમલેશ ઉર્ફે કાનો જ હતો. બાકીના બે આરોપીની ઓળખ પ્રસ્થાપિત કરવાની કામગીરી ચાલી રહી છે. હાલ આ ત્રણેય આરોપી ફરાર છે. અમારી ટીમ આ ગુનાના કામે તેમને પકડી પાડવા પ્રયત્નો કરી રહી છે.”
જોકે મીડિયા સાથેની વાતચીતમાં શીતલે કહ્યું હતું કે વિમલ સાથે લગ્નનો નિર્ણય લીધા બાદ તેમનો ભાઈ તેમને ધમકી આપ્યા કરતો હતો.
તેમણે કહ્યું, “હું ભાગી ત્યારે, મારા ભાઈએ કહ્યું હતું, કે ‘તું જે દિવસે સામી મળીશ ને તે દિવસે’ તને મારી નાખીશ. આજ તો મનેય તેણે મારી નાખી હોત કદાચ, જો હું મારા ઘરવાળા સાથે હોત તો.”
“મને, મારા છોકરાને બધાંયને મારી નાખ્યા હોત. મેં લવ મૅરેજ કર્યાં હતાં, ભાગીને લગ્ન કર્યાં હતાં. આજ સાત વરસે એણે માર્યા મારા ઘરવાળાને.”
શીતલે કહ્યું કે 11 મહિના પહેલાં તેમણે એક દીકરાને જન્મ આપતા તેઓ અને વિમલ માતાપિતા બન્યાં હતાં.
તેમણે ઉમેર્યુ, “હું એમને કોઈને નથી નડતી, કોઈ દિવસ આડે નથી આવી. મેં કોઈ દિવસ કોઈને પૂછ્યું નથી.”
“પણ તેણે આવી રીતે મારા ઘરવાળાને માર્યો. આવડો છોકરો ક્યાં જશે તેના બાપ વગર. એને ફાંસીની સજા મળે, બસ.”
કમલેશ ઉર્ફે કાના ઘાંઘળ કે તેના વકીલનો તાત્કાલિક સંપર્ક થઈ શક્યો ન હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




