Home તાજા સમાચાર gujrati ગુજરાત : સળંગ ત્રણ વર્ષ દુષ્કાળ બાદ ખેતમજૂરે કરેલી એ જળક્રાંતિ જેણે...

ગુજરાત : સળંગ ત્રણ વર્ષ દુષ્કાળ બાદ ખેતમજૂરે કરેલી એ જળક્રાંતિ જેણે ગામડાંની કાયાપલટ કરી

3
0

Source : BBC NEWS

 શામજીભાઈ અંટાળા, gujarat, kutch, shyamji bhai antala, બીબીસી ગુજરાતી

“30 વર્ષ પહેલાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉદ્ભવેલા અને આજે સમગ્ર ગુજરાતનો ચિંતાનો વિષય બનેલી ગુજરાતની જળ સમસ્યા આજે આપણને મૂંઝવે છે. તે આવતાં વર્ષોમાં તો ભારે વિકટ અને વિકરાળ સ્વરૂપે સામે આવવાની છે.”

“તે અંગે ઊંડાણથી સમજવાની અને તેના લાંબા ગાળાના કાયમી હલ માટે સરકાર જ નહીં આપણે એક નાગરિક તરીકે વધુ જાગૃત અને સક્રિય થવું અનિવાર્ય બની રહ્યું છે, કારણ કે અત્યાર સુધી દુષ્કાળ, અર્ધ-દુષ્કાળ અને ઓછા વરસાદના કારણે જ જળ સમસ્યા ઉદ્ભવતી હોવાનું કહેવાતું હતું અને પાણીની આવી અછત આવે એટલે પાઇપલાઇન યોજનાઓ, ઊંડા ને ઊંડા વધુ ને વધુ બોર કરવાની યોજનાઓ, હજારોની સંખ્યાનાં ટૅન્કરો દ્વારા પાણી પહોંચાડવાની યોજનાઓ, આ અને આવી અનેકવિધ કામચલાઉ પાણી પુરવઠા યોજનાઓ દ્વારા પાણી પ્રશ્ન ઉકેલવાના થાગડ-થીગડ જેવા પ્રયત્નો થતા જ રહ્યા છે.”

“આમ જળ સમસ્યાનાં ઉકેલ પાછળ અબજો રૂપિયા ખર્ચાતા રહ્યા છે.”

“ગયા ઉનાળામાં પીવાના પાણી પાછળ રૂપિયા પાંચસો કરોડ ખર્ચાયા હશે અને આ વર્ષે પણ રૂપિયા પંદરસોથી બે હાજર કરોડ આ પાણી પુરવઠાના આયોજન પાછળ ખર્ચાશે અને આમ છતાં પણ રાજ્યની જળ સમસ્યાનો કાયમી ઉકેલ થશે કે કેમ તે પ્રશ્ન તો ઊભો જ રહેશે.”

આ શબ્દો છે એક એવા ખેતમજૂરના જે એક વિદ્યાર્થી તરીકે ક્યારેય નિશાળના પગથિયા ન ચડી શક્યા પરંતુ પોતાની કોઠાસૂઝ, ધગશ અને મહેનતથી ગુજરાતમાં એક આગવી જળક્રાંતિના પ્રણેતા તરીકે ઓળખ મેળવી.

એ ખેતમજૂર એટલે રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરના શ્યામજીભાઈ અંટાળા.

2010માં શામજીભાઈ અંટાળાનું સન્માન કરી રહેલા ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી

શ્યામજીભાઈ 2000થી 2004 દરમિયાન “સંદેશ” અખબારમાં “પ્રજા જીવનના પ્રવાહો” શીર્ષક હેઠળ એક અઠવાડિક કૉલમ લખતા હતા.

કૉલમમાં “પાણી પ્રશ્ને સર્વપક્ષીય સહભાગિતા ઊભી કરવી અતિ જરૂરી” મથાળા હેઠળ 2001માં પ્રકાશિત થયેલા એક લેખમાં તેમણે ઉપર મુજબની ચિંતા વ્યક્ત કરવાની સાથે લોકોને આ બાબતે જાગૃત થવા અને સમસ્યાનું સમાધાન શોધવા હાકલ કરી હતી.

શ્યામજીભાઈની કૉલમમાંથી 78 લેખો “પ્રજા જીવનના પ્રવાહો” નામના પુસ્તકમાં 2004માં પ્રકાશિત થયા હતા. તે પુસ્તકના પાના નંબર 52 પર આ લેખ છપાયેલો છે.

આ વર્ષે ગુજરાતમાં વરસાદ ઓછો પડ્યો છે તેમ 2001નું વર્ષ પણ દુષ્કાળનું વર્ષ હતું અને શ્યામજીભાઈ લોકોને કહી રહ્યા હતા કે પાણીનો પ્રશ્ન તેમના દ્વારા જ નજીવા ખર્ચે હળવો થઈ શકે તેમ છે.

આ વર્ષે સૌરાષ્ટ્ર-કચ્છમાં સિંચાઈના પાણી બાબતે ચિંતા સેવાઈ રહી છે ત્યારે આવી પરિસ્થિતિમાંથી કેવી રીતે હેમખેમ પસાર થઈ શકાય તેના ઉપાયો શ્યામજીભાઈએ ચાર દાયકા પહેલાં આપ્યા હતા.

પરંતુ અવલોકનકારો કહે છે કે અમુક પરિબળોને કારણે હાલની પેઢીના લોકો શ્યામજીભાઈ અને તેમનાં કાર્યોને લગભગ ભૂલી ગયાં છે.

મુશ્કેલ બાળપણે શ્યામજીભાઈને પાણી અને જીવનના પાઠ કેવી રીતે ભણાવ્યા?

2010માં શામજીભાઈ અંટાળાનું સન્માન કરી રહેલા ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી

શ્યામજીભાઈનો જન્મ ધોરાજી શહેરમાં 1937માં થયો હતો.

શ્યામજીભાઈનાં દીકરી પ્રોફેસર નયના અંટાળા કહે છે, “મારા પિતા નવ વર્ષના હતા ત્યારે જ તેમનાં માતા-પિતા ગુજરી ગયાં અને એક રીતે અનાથ થઈ ગયા હતા તેવું મેં મારા નાનીમા પાસેથી સાંભળ્યું છે.”

“નાનપણમાં મારા પિતા ખેતીમાં મજૂરી કરતા અને જીવન ગુજારતા. તેઓ શિક્ષણ માટે વિધિવત રીતે ક્યારેય નિશાળે ન જઈ શક્યા.”

“પરંતુ વાડીમાં પાણી વાળતા વળતા હાથ પરની સૂકી ચામડીમાં એકડા-કક્કો લખતા અને પછી દોડતા દોડતા માસ્તર સાહેબને બતાવવા જતા. આ રીતે તેઓ જાતે જ વાંચતા-લખતા શીખ્યા હતા.”

ઊંચો બાંધો અને સારું બોલી શકવાની આવડતને કારણે તેમનું વ્યક્તિત્વ આકર્ષક હતું.

નયના અંટાળા કહે છે કે, “સ્વાભાવિક રીતે જ તેઓ ખેતમજૂરી છોડીને પત્રકાર બન્યા. પરંતુ ખેતીવાડીમાં પાણીનું કેટલું મહત્ત્વ છે તે મારા પિતાએ નાનપણમાં જ અનુભવ્યું હતું.”

“પત્રકાર હોવાથી તેઓ સૌરાષ્ટ્રનાં વિવિધ ગામોમાં ફરતા રહેતા તેથી, પાણીની સમસ્યા કેટલી વ્યાપક હતી તેનો તેમને ખ્યાલ હતો.”

શ્યામજીભાઈનાં પત્ની વનિતાબહેન એક ગૃહિણી છે અને હજુ પણ ધોરાજીમાં રહે છે. આ દંપતીને ચાર દીકરીઓ અને બે દીકરા હતાં.

 શામજીભાઈ અંટાળાનાં દીકરી પ્રોફેસર નયના અંટાળા

રાજકોટથી પ્રકાશિત થતા ફૂલછાબ અખબારના તંત્રી તરીકે 2008થી 2023 સુધી સેવા આપનાર રાજકોટના વરિષ્ઠ પત્રકાર અને એક સમયે શ્યામજીભાઈના સહકર્મચારી તેવા કૌશિક મહેતા કહે છે કે શ્યામજીભાઈ શરૂઆતના દિવસોમાં અખબારોના ખબરપત્રી તરીકે કામ કરતા હતા. ત્યાર બાદ તેઓ કર્મભૂમિ નામના અખબારના તંત્રી બન્યા હતા.

શ્યામજીભાઈના મિત્ર અને સહકર્મચારી તેવા નટવરસિંહ ચૌહાણ કહે છે, “શ્યામજીભાઈ શરૂઆતના દિવસોથી રાજકીય રીતે સક્રિય હતા. તેઓ ધોરાજી નજીકના ગોંડલ તાલુકાના કોલીથડ ગામના વતની અને કૉંગ્રેસના ખેડૂત નેતા વલ્લભભાઈ પોપટભાઈ પટેલના સંપર્કમાં હતા.”

“આ વલ્લભભાઈ અને અન્ય અગેવાનોનોની દોરવણીથી 1978માં “લોકમાન્ય” નામના દૈનિકની સ્થાપના થઈ અને શ્યામજીભાઈને તેના સ્થાપક તંત્રી નીમવામાં આવ્યા.”

“આ અખબાર રાજકોટથી પ્રકાશિત થતું હતું. તેથી, શ્યામજીભાઈ ધોરાજી છોડીને રાજકોટ આવી ગયા.”

પ્રો. નયના અંટાળા કહે છે કે શ્યામજીભાઈને નોકરી મળી જતા રાજકોટ જવું પડ્યું હતું જયારે બાકીનો પરિવાર ધોરાજી જ રહેતો. રજાના દિવસે પરિવારને મળવા શ્યામજીભાઈ ધોરાજી આવતા-જતા રહેતા.

નયના અંટાળા ઉમેરે છે કે, “મારા પિતા એક ગાંધીવાદી જેવું જીવન જીવતા. સાદાં કપડાં પહેરતા અને હંમેશાં સાઇકલ પર ફરતા.”

“જળ સંચયના કામ માટે તેઓ ગમે ત્યારે ઘરેથી નીકળી જતા. ઘરમાં આર્થિક સંકડામણ કાયમ રહેતી. હું બાળકોને ટ્યુશન કરાવડાવી મારા ભણતરનો ખર્ચ ઉપાડતી.”

અણધાર્યા સંજોગોમાં કેવી રીતે જળસંચ ક્રાંતિની શરુઆત થઈ?

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના મંડલીકપુર ગામમાં કૂવા રિચાર્જ કરવા મૂકાયેલો પાઇપ બતાવતા ખેડૂત ભરતભાઈ સેંજલિયા, શામજીભાઈ અંટાળા, બીબીસી ગુજરાતી

નટવરસિંહ કહે છે કે, “લોકમાન્ય” વર્તમાનપત્ર કેટલાંક કારણોને લીધે બહુ ટકી શક્યું નહીં. તેથી, શ્યામજીભાઈને અન્ય નોકરી શોધવાની ફરજ પડી. છેવટે તેમને ફૂલછાબમાં સર્ક્યુલેશન મૅનેજર તરીકે નોકરી મળી ગઈ.”

દરમિયાન 1985 બાદ 1986માં પણ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં દુષ્કાળ પડ્યો.

1987માં પણ વરસાદ ન પડતા સળંગ ત્રીજું વર્ષ દુષ્કાળનું થયું.

પરિણામે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પીવાનાં તેમ જ સિંચાઈનાં પાણીની ભારે તંગી સર્જાઈ. આવા સંજોગોમાં શ્યામજીભાઈએ કંઈક કરવાનો નિર્ધાર કર્યો.

નટવરસિંહ 1979થી 1982 સુધી લોકમાન્યમાં અને ત્યાર બાદ 1986થી 1997 સુધી ફૂલછાબમાં શ્યામજીભાઈના સહકર્મચારી હતા.

શ્યામજીભાઈની જળ ક્રાંતિના મંડાણ કેવી રીતે થયા તેની વાત કરતા નટવરસિંહ કહે છે, “શ્યામજીભાઈ સર્ક્યુલેશન મૅનેજર થયા એટલે તેમણે સૌરાષ્ટ્રનાં ગામો અને શહેરોનો પ્રવાસ કરવાનું ચાલુ કરી દીધું.”

“તે સમયમાં જે વ્યક્તિ ફૂલછાબના ડિસ્ટ્રિબ્યુશન એજન્ટ હોય તે સામાન્ય રીતે ખબરપત્રી પણ હોય. તેથી, શ્યામજીભાઈને બધી માહિતી મળતી રહેતી હતી.”

રાજકોટ શહેરમાં રેસકોર્સ નજીક આવેલી ફૂલછાબ દૈનિકની ઑફિસ.

શ્યામજીભાઈને થયું કે પાણીની આ કાયમી સમસ્યાનો કોઈ ઉકેલ શોધવો જોઈએ.

તેમને ખબર હતી કે પાંડુરંગ શાસ્ત્રીએ સ્થાપેલો સ્વાધ્યાય પરિવાર તે જમાનામાં વરસાદી પાણી ગામમાં જ રોકાય તે માટે સૌરાષ્ટ્રમાં જળસંચયનાં કામો નાનાં પાયે ચલાવી રહ્યો હતો.

શ્યામજીભાઈને થયું કે વરસાદના પાણીને રોક્યા સિવાય ઉપાય નથી.

તેથી, તેમણે કૂવા અને ડંકી રિચાર્જ કરવાની પદ્ધતિ વિકસાવી અને ત્યાર બાદ ચેકડૅમ અને ખેત તલાવડીના કૉન્સેપટ પણ આપ્યા.”

“પ્રજાજીવનના પ્રવાહો” પુસ્તકમાં લેખક પરિચય કૌશિક મહેતાએ લખ્યો છે.

પુસ્તકમાં કૌશિક મહેતાએ લખ્યું છે, “1987ના કારમા દુષ્કાળ પછી એમણે લોકોને જળસંચયની પ્રવૃત્તિ તરફ વાળવા ભગીરથ પ્રયાસ કર્યો છે.”

“1997માં જળસંચય યાત્રાનું આયોજન કરી વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટેની લોકજાગૃતિનું નોંધનીય કાર્ય કર્યું છે.”

“કોઈની પણ આર્થિક સહાય વગર જળસંચય જાગૃતિ માટે પ્રવૃત્તિ તેમણે અવિરત ચાલુ રાખી છે… 19 વર્ષથી લાગલગાટ તેઓ જળસંચયની પ્રવૃત્તિઓ કરે છે અને એમની આ પ્રવૃતિઓની નોંધ સુપેરે લેવાઈ છે.”

શ્યામજીભાઈ અંટાળા “શ્યામજીભાઈ પાણીવાળા” કઈ રીતે બની ગયા?

મંડલીકપુર ગામના ખેડૂત ગોવિંદભાઈ સેંજલિયા તેમના કૂવા નજીક. તેમના કૂવાને રિચાર્જ કરવા માટે કાસમાંથી બે પાઇપ દ્વારા પાણી આવે છે.

સૌરાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશનો ભૌગોલિક આકાર ઊંધી રકાબી જેવો છે તેથી વરસાદનું પાણી ચારેય દિશાઓમાં વહેતી નાની નાની નદીઓ વાટે ખંભાતના અખાત, કચ્છના અખાત કે અરબી સમુદ્રમાં વહી જાય છે.

નદીઓ પ્રમાણમાં નાની હોવાથી સિંચાઈના પાણી માટે બહુ મોટા ડૅમો બની શક્યા નથી.

અભય રાવલે ગુજરાત સરકારના માહિતી ખાતામાં 1984થી 2015 સુધી એક અધિકારી તરીકે ફરજ બજાવી હતી અને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની જળ સમસ્યા વિશે અહેવાલો લખ્યા હતા.

અભય રાવલ કહે છે કે સૌરાષ્ટ્રમાં એક અન્ય સમસ્યા પણ છે.

બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે, “સૌરાષ્ટ્રમાં માટીનું સ્તર પાતળું છે અને તેની નીચે ખડકો છે. તેથી સપાટી પર પાણી લાંબો સમય સંગ્રહી શકાતું નથી.”

“ખડકોમાં પોલાણ વાટે પાણી ભૂગર્ભમાં ઊતરતા સમય લાગે છે. તેથી, તકલીફ એવી રહેતી કે વરસાદ સારો વરસ્યો હોય તેવાં વર્ષોમાં પણ ઉનાળો આવતા પીવાના અને સિંચાઈનાં પાણીની સમસ્યા સર્જાતી હતી કારણ કે ભૂગર્ભ જળ આ વિસ્તારમાં સીમિત છે.”

શામજીભાઈએ આ સમસ્યાનો સસ્તો અને કાર્યક્ષમ ઉપાય શોધી કાઢ્યો.

કૌશિક મહેતા કહે છે, “સૌરાષ્ટ્રમાં ખેતી અને પીવાના પાણીની કાયમી તંગીના ઉકેલ માટે લોકો માત્ર સરકાર પર નિર્ભર ન રહે પણ જાતે જ કોઈ સસ્તો પરંતુ કાર્યક્ષમ ઉપાય કરે તેવા મિશન સાથે 1987 પછી શ્યામજીભાઈ ગામડે ગામડે જવા લાગ્યા.”

“ખેતરના શેઢે જ્યાં વરસાદનું પાણી એકઠું થતું હોય કે કાંસમાં વહેતું હોય ત્યાંથી કૂવા કે બોર સુધી સિમેન્ટના પાઇપ નાખી તે પાણીને સીધું કૂવા અને બોરમાં ઉતારી કૂવા અને બોરને કૃત્રિમ રીતે તાતકાલિક રિચાર્જ કરવાનું એક મોડેલ તેમણે વિકસાવ્યું.”

કૂવા નજીક કાંસમાં પાઇપ લાઇનોના માઢાની સફાઈ કરી રહેતા ગોવિંદભાઈ સેંજલિયા

શરૂઆતમાં લોકોને તેમની વાત પર વિશ્વાસ ન બેઠો.

તેઓ કહેતા કે, “રાજકોટવાળા સ્વાર્થવગર તેમની પાસે ન આવે. પરંતુ શ્યામજીભાઈ વર્ષો સુધી પ્રયત્નો કરતા રહ્યા.”

“પછી તેમને રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળના માધવપ્રિયદાસ, જૂનાગઢમાં વૈષ્ણવ સંપ્રદાયના અગ્રણી કિશોરચંદ્ર મહારાજા અને પરબવાવડીના મહંત કરશનદાસ તેમ જ જામનગરના આણદાબાવા આશ્રમના દેવીપ્રસાદ મહારાજ વગેરે જેવા ધાર્મિક આગેવાનોનો સહકાર મળ્યો.”

“તેથી, ગામડે ગામડે યુવાનો શ્રમદાન કરી કૂવા-બોર રિચાર્જ કરવાની પાઇપલાઇનો ફિટ કરવા લાગ્યા.”

“આ કામથી ખેડૂતોને ફાયદો થવા લાગ્યો. તેથી, ગામડાઓમાં પાણીનો પ્રશ્ન જાતે જ ઉકેલવાની લોકોમાં ધગશ આવી.”

કૌશિક મહેતા વધારે જણાવતા કહે છે, “પછી તેમણે વરસાદના પાણીને રોકવા ચેકડૅમ, બોરીબંધ અને ખેતતલાવડીઓ બાંધવાની કામગીરી ઉપાડી.”

“તેમણે સૌરાષ્ટ્ર લોક મંચ નામના એક ગ્રૂપની સ્થાપના કરી અને તેના માધ્યમથી જળ સંચયના કાર્યક્રમો ચલાવ્યા.”

“1995માં કેશુભાઈ પટેલ મુખ્ય મંત્રી ચૂંટાતા શ્યામજીભાઈએ શરૂ કરેલી જળસંચયની કામગીરીને સરકારી યોજનાઓમાં સમાવી લીધી.”

“અન્ય અગ્રણીઓએ પણ શ્યામજીભાઈ જેવું કામ ઉપાડ્યું. એક-દોઢ દાયકામાં શ્યામજીભાઈ ખૂબ જાણીતું નામ થઈ ગયું અને તે શ્યામજીભાઈ પાણીવાળા તરીકે ઓળખાવા લાગ્યા.”

“તેમને મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઓડિશા વગેરે રાજ્યોની સરકારોએ તેમને ત્યાં જળસંચયની કામગીરી માટે સલાહકાર તરીકે બોલાવ્યા.”

શ્યામજીભાઈનું કામ ભૂલાઈ ગયું છે?

શામજીભાઈ લિખિત લેખોનો સંગ્રહ

2009માં CNN-IBN ન્યૂઝ ચૅનલે જળસંચય ક્રાંતિ માટે શ્યામજીભાઈને રિઅલ હીરો પુરસ્કારથી નવાજ્યા હતા.

તે એવૉર્ડ સમારંભને સંબોધતા શ્યામજીભાઈએ કહ્યું હતું કે સૌરાષ્ટ્રમાં સાત લાખ કૂવા છે અને તેમાંથી ચાર લાખને રિચાર્જ કરવાનું કામ થયું છે.

શ્યામજીભાઈને જળસંચયની કામગીરી બદલ સંખ્યાબંધ માનપત્રો અને એવૉર્ડ મળ્યા હતા. તેમાં કેન્દ્ર સરકારના જળ સંપદા મંત્રાલય દ્વારા 2011માં અપાયેલા ભૂગર્ભજળ સંચય એવૉર્ડનો પણ સમાવેશ થાય છે.

1981થી 2001 સુધી ફૂલછાબમાં સેવા આપનાર રાજકોટના વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્ય શ્યામજીભાઈની સફળતા બાબતે વાત કરતા બીબીસીને જણાવે છે, “શ્યામજીભાઈ ગામડાના માણસ હતા, માટી સાથે જોડાયેલા હતા અને સૌરાષ્ટ્રમાં પાણીની તંગીથી સુપેરે પરિચિત હતા.”

“તેમણે કૂવા અને ડંકી રિચાર્જના ન માત્ર વિચારો આપ્યા પરંતુ તેને અમલમાં મૂકવા જે પુરુષાર્થ કર્યો તે અદ્ભુત હતો.”

“તે ગામડાંમાં ગયા અને તે કાર્ય માટે ખેડૂતોને તૈયાર કર્યા. તેમના કામથી મોટું પરિવર્તન આવ્યું તે 2000ની સાલમાં મધ્યપ્રદેશના તત્કાલીન મુખ્ય મંત્રી દીગ્વિજય સિંહ ખુદ હેલીકૉપ્ટર લઈને તેને જોવા માટે ધોરાજી આવ્યા હતા. તેમની કામગીરી પદ્મશ્રી પુરસ્કારથી બિરદાવવી પડે એટલી મહત્ત્વપૂર્ણ હતી.”

 શામજીભાઈ અંટાળા

 શામજીભાઈ અંટાળા તેમના પરિવાર સાથે.

કૌશિકભાઈ કહે છે કે 2000ના દાયકા બાદ શ્યામજીભાઈનું કામ શિથિલ થયું અને સૌરાષ્ટ્ર લોક મંચ પણ વિખેરાઈ ગયું.

ઓ કહે છે, “તેનું એક કારણ એ હતું કે શ્યામજીભાઈએ શરૂ કરેલા અભિયાનને રાજ્ય સરકારે તેમ જ હીરાના વેપારી મથુર સવાણી, જૂનાગઢના જામકા ગામના પ્રગતિશીલ ખેડૂત મનસુખ સુવાગિયા વગેરે લોકોએ આગળ ધપાવ્યું.”

“રાજ્ય સરકારે પરંપરાગત કેનોલો અને પાઇપલાઇનના નેટવર્કથી નર્મદા નદીનું પાણી પીવાના હેતું માટે ગામડે ગામડે પહોંચાડ્યું.”

“વળી છેલ્લા અઢી દાયકામાં વરસાદ પણ એકંદરે સારો રહેતાં લોકોને જળસંચની કામગીરી બહુ જરૂર ન જણાઈ, પરંતુ આજે પણ જીરગંગા પરિવાર ટ્રસ્ટના દિલીપ સખિયા, હીરા ઉદ્યોગના અગ્રણી સવજી ધોળકિયા વગેરે જેવી સંસ્થાઓ જળ સંચયનું કામ કરે છે.”

જગદીશ આચાર્ચ કહે છે, “શ્યામજીભાઈને તેમના જમાનામાં માન-પાન મળ્યા હતા. પરંતુ આજની પેઢી કદાચ તેમને ભૂલી ગઈ હશે. એમ તો આપણે ગાંધીજીને પણ ભૂલી ગયા છીએ.”

“આપણને ખબર નથી કે આપણને આઝાદી કેવી રીતે મળી હતી. શ્યામજીભાઈના પ્રયાસોને કારણે જળસંચની પ્રવૃત્તિ હવે સામાજિક જીવનનો એક ભાગ બની ગઈ છે અને તેથી યુવાપેઢીને તેની ખબર નથી હોતી.”

“આપણે એ યાદ રાખવું જોઈએ કે રાજકોટ શહેરમાં જો કોઈને મકાન ચણવું હોય તો તેની ડિઝાઇનમાં જમીનમાં ટાંકો બનાવી અગાસી પર પડતું વરસાદનું પાણી તે ટાંકામાં સંગ્રહવાનો સમાવેશ કરે તો જ રાજકોટ મહાનગરપાલિકા તેને બાંધકામની મંજૂરી આપે છે. આ શરત શ્યામજીભાઈએ કરેલાં કામોની દેન છે.”

પારિવારિક જીવનમાં મુશ્કેલીઓ

 શામજીભાઈ અંટાળાનાં પત્ની વનિતાબહેન અને દીકરા રોહિતનાં પત્ની સુમિતા ધોરાજીમાં તેમના ઘરે.

કૌશિક મહેતા કહે છે કે ફૂલછાબમાંથી 1997માં સ્વેચ્છિક નિવૃત્તિ લઈ લીધા બાદ શ્યામજીભાઈ ધોરાજી પરત ફર્યા હતા.

તેઓ કહે છે, “શ્યામજીભાઈનો પરિવાર લગભગ કાયમ આર્થિક સંકડામણમાં જીવ્યો.”

“તેમના બંને દીકરાઓ તેમના વેપાર-ધંધામાં નિષ્ફળતા અને અન્ય નકારાત્મક કારણોસર લોકાપવાદનો વિષય બનતા હતા. શ્યામજીભાઈને તેનું દુ:ખ રહેતું.”

પ્રો. નયના અંટાળા કહે છે કે પંદરેક વર્ષ અગાઉ શ્યામજીભાઈ એક ગંભીર બીમારીમાં સપડાયા હતા.

તેઓ કહે છે કે, “મેં મારા ખર્ચે તેમની સારવાર શરૂ કરાવી. પરંતુ તેની જાણ શ્યામજીભાઈના મિત્ર અને જળસંચના કામમાં ભાગીદાર તેવા શામજીભાઈ ખૂંટને થઈ.”

“તેમણે મને જણાવ્યું કે દીકરીના પૈસે બાપની સારવાર ન થવા દેવાય અને હવેથી બધો ખર્ચ તેઓ અને તેમનું મિત્રમંડળ ઉપાડી લેશે.”

પરંતુ શામજીભાઈ ખૂંટ કહે છે કે શ્યામજીભાઈ અંટાળા મિત્રોના પૈસે પણ ઇલાજ કરાવવા તૈયાર ન હતા. તેથી અમે વચલો રસ્તો કાઢ્યો અને અમે ડૉક્ટોરેને કહી દીધું કે શામજીભાઈની સારવારના પૈસા તેઓ આપી દેશે.”

તેમના મોટા દીકરા રાજેન્દ્રભાઈનું 2021માં અવસાન થયું અને ત્યાર બાદ 2022માં નાના દીકરા રોહિતભાઈનું પણ મોત થયું.

લાંબી માંદગી બાદ 26 એપ્રિલ 2023માંશ્યામજીભાઈએ પણ અંતિમ શ્વાસ લીધા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS