Home તાજા સમાચાર gujrati 13 વખત ફાંસીની સજા પામેલો સુરિન્દર કોલી 19 વર્ષમાં જેલમાં રહ્યા બાદ...

13 વખત ફાંસીની સજા પામેલો સુરિન્દર કોલી 19 વર્ષમાં જેલમાં રહ્યા બાદ નિર્દોષ કેવી રીતે છૂટી ગયો

6
0

Source : BBC NEWS

નવેમ્બર 2025માં સુપ્રીમ કોર્ટમાંથી નિર્દોષ છૂટ્યા બાદ સુરિન્દર કોલીને ગ્રેટર નોઇડાની લુકસર જેલમાંથી બહાર લાવવામાં આવ્યો હતો

પ્રકાશિત

વાંચવાનો સમય: 8 મિનિટ

લગભગ બે દાયકા સુધી સુરિન્દર કોલીને ભારતના સૌથી કુખ્યાત સિરિયલ કિલરોમાંના એક માનવામાં આવતો હતો.

નિઠારી હત્યાકાંડમાં તેને 13 વખત ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. પરંતુ ગયા વર્ષે નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો હતો. ત્યાર બાદ 19 વર્ષ જેલમાં વિતાવ્યા પછી તેને મુક્ત કરવામાં આવ્યો હતો.

ગયા શુક્રવારે 50 વર્ષના સુરિન્દર કોલી ઉત્તરાખંડમાં આવેલી પોતાની નાનકડી ચાની દુકાનમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.

હરિદ્વાર સિટી પોલીસના અધિકારી શિશુપાલ સિંહે બીબીસી ન્યૂઝ હિન્દીને જણાવ્યું હતું, “સપ્તઋષિ વિસ્તારમાં એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે. મળેલી માહિતી મુજબ મૃતક સુરિન્દર કોલી છે.”

તેમણે કહ્યું, “પ્રાથમિક તપાસમાં આ આત્મહત્યાનો મામલો લાગે છે. ફૉરેન્સિક ટીમે ઘટનાસ્થળની તપાસ કરી છે.”

હરિદ્વારના એસપી સિટી દીપક સિંહે કહ્યું, “જુઓ, સુરિન્દર કોલીના પોસ્ટમોર્ટમનો સત્તાવાર અહેવાલ હજી મારી પાસે આવ્યો નથી. પરંતુ અત્યાર સુધી મળેલી માહિતી મુજબ મૃત્યુનું કારણ આત્મહત્યા હોવાનું જણાય છે.”

સુરિન્દર કોલીનું મૃત્યુ એવા લાંબા કાનૂની સંઘર્ષનો એક દુઃખદ પ્રકરણ બની રહ્યું, જેણે ફોજદારી ન્યાયવ્યવસ્થાની ગંભીર ખામીઓને ઉજાગર કરી હતી.

આ કહાણી શંકાસ્પદ પુરાવા, પોલીસ દ્વારા યાતના અપાઈ હોવાના આરોપો, સુપ્રીમ કોર્ટે પોતાની ભૂલ સ્વીકારી હોવાની વાત અને ન્યાય માટે લગભગ બે દાયકા સુધી ચાલેલા સંઘર્ષની છે.

2006માં નોઇડાનો એક બંગલો અને કોલી

નોઇડાના નિઠારી ગામમાં આવેલો ડી-5 બંગલો. ઉદ્યોગપતિ મોનિન્દર સિંહ પંઢેર અને તેમના ઘરમાં કામ કરતો સહાયક સુરિન્દર કોલી અહીં રહેતા હતા. આ ઘર અને તેની આસપાસથી માનવ અવશેષો મળી આવ્યા બાદ નિઠારી હત્યાકાંડની જાણ થઈ હતી

આ મામલાની શરૂઆત ડિસેમ્બર 2006માં થઈ હતી. ત્યારે પોલીસે નોઇડાના એક બંગલાની પાછળના નાળામાંથી 19 લોકોના હાડપિંજર જેવા અવશેષો મેળવ્યા હતા. તેમાં મોટા ભાગના અવશેષો બાળકોના હતા.

આ મકાન ઉદ્યોગપતિ મોનિન્દર સિંહ પંઢેરનું હતું.

સુરિન્દર કોલી દલિત સ્થળાંતરિત હતો. માધ્યમિક શિક્ષણ પૂરું કરતાં પહેલાં જ તેણે શાળા છોડી દીધી હતી. તે પંઢેરના ઘરે સહાયક તરીકે કામ કરતો હતો.

ત્યાર પછી બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

આ સનસનાટીભર્યા ગુનાના સતત અહેવાલો પ્રસારિત કરી રહેલી ટીવી ચેનલોએ થોડા જ સમયમાં કોલીને ગુનેગાર જાહેર કરી દીધો હતો.

કોલી સામે સરકારી પક્ષનો કેસ મુખ્યત્વે બે બાબતો પર આધારિત હતો.

પહેલી હતી મેજિસ્ટ્રેટ સમક્ષ તેણે કરેલી વિગતવાર કબૂલાત. બીજી હતી હાડપિંજર જેવા અવશેષોની થયેલી જપ્તી.

પોલીસનો દાવો હતો કે આ અવશેષો કોલીએ બતાવેલી જગ્યાએથી જ મળી આવ્યા હતા.

મીડિયામાં લીક થયેલી કબૂલાતમાં કોલીએ કહ્યું હતું કે, “તે છોકરીઓ, મહિલાઓ અને બાળકોને કામ અથવા મીઠાઈની લાલચ આપીને બંગલામાં બોલાવતો હતો. તેમના અંદર આવ્યા પછી પોતે તેમનું ગળું દાબી દેતો હતો.”

“ત્યાર પછી તે છરી અથવા કુહાડીથી તેમના મૃતદેહોના ટુકડા કરતો હતો. તેણે એમ પણ કહ્યું હતું કે તે તેમના શરીરના કેટલાક ભાગોને રાંધીને ખાતો હતો અને બાકીના અવશેષો બંગલાની બહારના નાળામાં ફેંકી દેતો હતો.”

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું-‘સિરિયલ કિલર’

સુરિન્દર કોલી (ડાબે) અને મોનિન્દર સિંહ પંઢેર (જમણે)

વર્ષ 2009માં ટ્રાયલ કોર્ટે 14 વર્ષની રિમ્પા હલદારની હત્યાના કેસમાં કોલીને ફાંસીની સજા ફરમાવી હતી.

અલાહાબાદ હાઈકોર્ટે પણ આ સજા યથાવત રાખી હતી. વર્ષ 2011માં સુપ્રીમ કોર્ટે કોલીની અપીલ ફગાવી દીધી હતી.

સુપ્રીમ કોર્ટે તેને “સિરિયલ કિલર” ગણાવ્યો હતો અને એ મકાનને “વર્ચ્યુઅલ સ્લૉટરહાઉસ” એટલે કે “આભાસી કતલખાનું” ગણાવ્યું હતું.

અદાલતના મતે આ કેસ “દુર્લભમાં પણ અતિ દુર્લભ” (રેરેસ્ટ ઑફ રેર) શ્રેણીમાં આવે છે. આવા કેસોમાં ફાંસીની સજા આપી શકાય છે.

સુપ્રીમ કોર્ટે અગાઉના કેસમાં કોલીની કબૂલાત અને તેની સામેના પુરાવાને માન્ય ગણાવ્યા હોવાથી, નીચલી અદાલતો માટે એ અગાઉના ચુકાદાનું પાલન કરવું ફરજિયાત હતું.

2010થી 2021 દરમિયાન ટ્રાયલ કોર્ટે 2011ના સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વારંવાર ઉલ્લેખ કર્યો. તેના આધારે કોલીને બીજા 12 કેસોમાં પણ ફાંસીની સજા સંભળાવવામાં આવી.

અદાલતોએ કહ્યું કે સુપ્રીમ કોર્ટ પહેલેથી જ માની ચૂકી છે કે કોલીની કબૂલાત કાયદેસર અને સ્વેચ્છાએ આપવામાં આવી હતી, ત્યારે તેનાથી અલગ તારણ પર પહોંચવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી.

દયાની અરજીઓ ફગાવી દેવાયા બાદ સપ્ટેમ્બર 2014માં ટ્રાયલ કોર્ટે તેની ફાંસી માટે ડેથ વૉરન્ટ બહાર પાડ્યું હતું.

ફાંસીના થોડા કલાકો પહેલાં કેવી રીતે રોકાઈ સજા

સુપ્રીમ કોર્ટે સુરિન્દર કોલીને “સિરિયલ કિલર” ગણાવ્યો હતો

સુરિન્દર કોલીને એવી જેલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફાંસી આપવાની વ્યવસ્થા હતી. જલ્લાદની વ્યવસ્થા પણ કરી લેવામાં આવી હતી.

પરંતુ 8 સપ્ટેમ્બર, 2014ના રોજ ફાંસી અપાવાની હતી તેના માત્ર ચાર કલાક પહેલાં સુપ્રીમ કોર્ટે મોડી રાત્રે થયેલી સુનવણીમાં તેની ફાંસી અટકાવી દીધી.

આ સુનવણી વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહના હસ્તક્ષેપ બાદ થઈ હતી.

અટકાવવાનું કારણ એ હતું કે થોડા સમય પહેલાં જ એક નવો કાનૂની સિદ્ધાંત નક્કી કરવામાં આવ્યો હતો. આ નવા કાનૂની સિદ્ધાંત મુજબ, ફાંસીની સજા થયેલા કેસોમાં પુનર્વિચાર અરજીઓની સુનવણી ખુલ્લી અદાલતમાં કરવી જરૂરી હતી.

કોલીની પુનર્વિચાર અરજીની સુનવણી બંધ બારણે થઈ હતી અને તે ફગાવી દેવામાં આવી હતી.

પછી સુપ્રીમ કોર્ટે એ વિશેષ પુનર્વિચાર અરજીને પણ ફગાવી દીધી હતી.

સરકાર સામે સવાલ ઊઠ્યો, સજા બદલાઈ

નિઠારી હત્યાકાંડનો આરોપી રહેલો સુરિન્દર કોલી પોલીસ કસ્ટડીમાં (ફાઈલ ફોટો)

પરંતુ જાન્યુઆરી 2015માં આ કેસમાં એક મહત્ત્વપૂર્ણ વળાંક આવ્યો.

અલાહાબાદ હાઈકોર્ટે રિમ્પા હલદાર હત્યા કેસમાં કોલીની ફાંસીની સજાને આજીવન કેદમાં બદલી નાખી.

ન્યાયાધીશોએ કહ્યું કે તેની દયાની અરજી પર નિર્ણય લેવામાં સરકારે અઢી વર્ષથી વધુનો અસામાન્ય અને અકારણ વિલંબ કર્યો હતો.

અદાલતે એ પણ નોંધ્યું કે 2009માં દોષિત ઠર્યા ત્યારથી કોલીને ગેરબંધારણીય રીતે એકાંત કારાવાસમાં રાખવામાં આવ્યો હતો.

ભારતીય કાયદા મુજબ કોઈ વ્યક્તિને સતત 14 દિવસથી વધુ સમય સુધી એકાંત કારાવાસમાં રાખી શકાય નહીં. કુલ મળીને પણ આ સમયગાળો ત્રણ મહિનાથી વધુ ન હોઈ શકે.

અદાલતે કહ્યું કે આવી પરિસ્થિતિમાં તેને ફાંસી આપવી તેના જીવવાના અધિકારનું ગેરબંધારણીય ઉલ્લંઘન ગણાશે.

આ આદેશથી કોલીનો જીવ બચી ગયો.

જોકે, તેની સામે બીજા 12 કેસોમાં ફાંસીની સજા હજુ બાકી હતી.

બાકીના 12 કેસોમાં પણ કોલી નિર્દોષ છૂટ્યો

આ કેસના બીજા આરોપી મોનિન્દર સિંહ પંઢેરને અદાલત અગાઉથી જ નિર્દોષ જાહેર કરી ચૂકી હતી

જોકે, ઑક્ટોબર 2023માં સરકારી પક્ષનો કેસ નબળો પડવા લાગ્યો.

બીજા 12 કેસોમાં સંભળાવાયેલી સજાઓની સામે કરાયેલી અપીલોની સુનવણી કરતી વખતે અલાહાબાદ હાઇકોર્ટની ખંડપીઠે સરકારી પક્ષના સમગ્ર કેસની વિગતવાર તપાસ કરી.

ત્યાર પછી અદાલતે કોલીને આ તમામ કેસોમાં નિર્દોષ જાહેર કર્યો.

હાઇકોર્ટે નોંધ્યું કે સરકારી પક્ષનો કેસ જે બે મુખ્ય આધાર પર ટકેલો હતો, તેમાં ગંભીર ખામીઓ હતી.

પહેલું, અદાલતે કહ્યું કે કોલીની કબૂલાત ત્યારે નોંધવામાં આવી હતી, જ્યારે તેને સતત 60 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો.

આ સમયગાળો કાયદા દ્વારા નક્કી કરેલી 15 દિવસની મર્યાદા કરતાં ઘણો વધારે હતો. અદાલતે એ પણ નોંધ્યું કે આ દરમિયાન તેને યોગ્ય કાનૂની મદદ મળી નહોતી.

અદાલતી દસ્તાવેજો મુજબ, કોલીએ ઘણી વખત તેને ગંભીર રીતે યાતના આપવામાં આવી હોવાનો આરોપ મૂક્યો હતો.

તેનો દાવો હતો કે પોલીસે તેને વીજળીના કરન્ટના ઝટકા આપ્યા હતા. તેણે એવો પણ આરોપ મૂક્યો હતો કે તેના નખ પકડથી ખેંચીને કાઢી નાખવામાં આવ્યા હતા.

તેણે એમ પણ કહ્યું હતું કે તેની ગુદામાં પેટ્રોલ નાખવામાં આવ્યું હતું અને તેને ઊંધો લટકાવવામાં આવ્યો હતો.

કોલીનું કહેવું હતું કે પોલીસ અધિકારીઓએ તેને નામ અને ઘટનાઓ સાથે જોડાયેલી વિગતો યાદ રાખવા માટે મજબૂર કર્યો હતો.

તેણે એવો પણ આરોપ મૂક્યો હતો કે તેમની વાત ન માને તો તેના પરિવારને ટોળાના હવાલે કરી દેવાની ધમકી આપવામાં આવી હતી.

હાઇકોર્ટે ઠરાવ્યું કે આ કબૂલાત સ્વેચ્છાએ કરવામાં આવી નહોતી. અદાલતે તેને કાયદેસર રીતે સ્વીકારી શકાય તેવી કબૂલાત પણ માની નહોતી.

બીજું, મૃતદેહોના અવશેષો મળી આવ્યા હોવા અંગેના પુરાવા પર પણ અદાલતે સવાલ કર્યા.

અદાલતે નોંધ્યું કે જે નાળામાંથી માનવ અવશેષો મળ્યા હતા તે ખુલ્લી અને જાહેર જગ્યા હતી.

કોલીને ત્યાં લઈ જવામાં આવ્યો તે પહેલાં જ ત્યાં ખોદકામ શરૂ થઈ ગયું હતું. તેની ધરપકડના ઘણા મહિના પહેલાં પણ એ વિસ્તારમાંથી માનવ અવશેષો મળી આવ્યા હતા.

સીબીઆઈની તપાસમાં રહેલી ખામી પણ કોર્ટે નોંધી

નિઠારી હત્યાકાંડના તે સમયના આરોપીઓને ફાંસી આપવાની માગ સાથે ધરણા પર બેઠેલી ગુમ થયેલા બાળકની માતા (ફાઈલ ફોટો)

ન્યાયાધીશોએ કેન્દ્રીય તપાસ એજન્સી (સીબીઆઈ)ની તપાસમાં થયેલી એક મહત્ત્વપૂર્ણ ક્ષતિ તરફ પણ ધ્યાન દોર્યું.

મહિલા અને બાળવિકાસ મંત્રાલયની 2007ની એક સમિતિના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે પીડિતોનાં ધડ ગાયબ હતાં.

અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે મૃતદેહોના ટુકડા “શસ્ત્રક્રિયા જેટલી ચોકસાઈથી” કરવામાં આવ્યા હતા.

અહેવાલમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે “નરભક્ષણની કહાણી ધ્યાન ભટકાવવાની એક યુક્તિ હોઈ શકે છે.”

અહેવાલ મુજબ, તેનો ઉપયોગ અંગોની દાણચોરી કરતી કોઈ સંગઠિત ટોળકી પરથી ધ્યાન હટાવવા માટે થયો હોઈ શકે છે.

જે સ્થળેથી માનવ અવશેષો મળ્યા હતા, તેની બાજુના જ મકાનમાં એક ડૉક્ટર રહેતો હતો. આ ડૉક્ટર કિડની ચોરીના એક કૌભાંડમાં અગાઉ પણ સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું હતું.

પરંતુ સીબીઆઈએ ન તો આ ડૉક્ટરની પૂછપરછ કરી હતી કે ન તો અંગોની દાણચોરીના સંભવિત પાસાની તપાસ કરી હતી.

હાઇકોર્ટે આ તપાસને “ગરબડયુક્ત” અને “બેદરકારીપૂર્વક કરવામાં આવેલી” ગણાવી હતી.

જ્યારે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો બદલ્યો

સીબીઆઈએ કોલીને નિર્દોષ જાહેર કરવાના આ ચુકાદાઓને પડકાર્યા હતા. પરંતુ જુલાઈ 2024માં સુપ્રીમ કોર્ટે તેની અપીલો ફગાવી દીધી.

આનાથી એક કાનૂની વિરોધાભાસ ઊભો થયો.

કોલીને 12 કેસોમાં એટલા માટે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો કે અદાલતે પુરાવાને અવિશ્વસનીય અને બનાવટી ગણાવ્યા હતા. પરંતુ પહેલાંના કેસમાં એ જ પ્રકારના પુરાવાના આધારે તે દોષિત ઠરેલો હતો.

આ સ્થિતિનો ઉકેલ લાવવા માટે સુપ્રીમ કોર્ટે ક્યુરેટિવ અરજી પર સુનવણી કરી.

ક્યુરેટિવ અરજી એક દુર્લભ કાનૂની ઉપાય છે, જેનો ઉપયોગ ન્યાય કરવામાં થયેલી ગંભીર ભૂલો સુધારવા માટે કરવામાં આવે છે.

નવેમ્બર 2025માં અદાલતે 12 કેસોમાં કોલીને નિર્દોષ જાહેર કરવાનાં તારણોને મૂળ કેસમાં પણ લાગુ કર્યા.

સુપ્રીમ કોર્ટે 2011નો પોતાનો ચુકાદો ઊલટાવી દીધો અને કોલીને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો.

અદાલતે કહ્યું કે બેદરકારી અને વિલંબને કારણે હકીકતોની યોગ્ય તપાસ કરવાની પ્રક્રિયાને નુકસાન થયું હતું. સાથે જ, તેમાંથી સાચા ગુનેગારની ઓળખ થઈ શકે તેવી શક્યતાઓ પણ બંધ થઈ ગઈ હતી.

પરંતુ જેલમાંથી છૂટ્યાના માત્ર દસ મહિના બાદ જ કોલીનું મૃત્યુ થયું.

કોલીના મૃત્યુ અંગે વરિષ્ઠ વકીલે શું કહ્યું?

વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહના હસ્તક્ષેપ બાદ નિયત સમયના માત્ર ચાર કલાક પહેલાં કોલીની ફાંસી અટકાવવામાં આવી હતી

2014માં મધરાતે હસ્તક્ષેપ કરીને કોલીની ફાંસી અટકાવનાર વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહનું કહેવું છે કે તેનો દુઃખદ અંત ભારતીય કાનૂની વ્યવસ્થાની એક મોટી ખામીને છતી કરે છે.

જયસિંહે બીબીસીને કહ્યું, “આને ન્યાયની નિષ્ફળતાનો કેસ કહી શકાય.”

તેમણે કહ્યું કે બીજા ઘણા દેશોથી વિપરીત ભારતમાં નિર્દોષ છૂટેલા લોકોને સમાજમાં ફરીથી સ્થાપિત થવામાં અથવા ન્યાય મેળવવામાં મદદ કરે તેવી મજબૂત વ્યવસ્થા નથી.

તેમણે કહ્યું, “તે નિર્દોષ છૂટી ગયો હોવા છતાં, તેની સાથે ક્યારેય નિર્દોષ વ્યક્તિ જેવો વ્યવહાર કરવામાં આવ્યો નહીં.”

તેમણે કહ્યું, “નિર્દોષ છૂટ્યા પછી પણ તે સામાન્ય જીવનમાં પાછો ફરી શક્યો નહીં.”

તેમણે કહ્યું, “તેની પાસે આવકનું કોઈ સાધન નહોતું. તેનું કોઈ મિત્રવર્તુળ નહોતું અને પોતાનો કહી શકાય એવો કોઈ સમુદાય પણ નહોતો.”

એક દાયકા સુધી કોલી તરફથી કેસ લડનારા વકીલ યુગ મોહિત ચૌધરીએ કહ્યું કે ચૌધરીએ કહ્યું કે આ કેસ એવી અસંવેદનશીલ વ્યવસ્થાને છતી કરે છે, જેના કારણે આ દુઃખદ ઘટના બની.

ચૌધરીએ કહ્યું, “કોલીનો કેસ આપણને સ્પષ્ટપણે બતાવે છે કે સમાજના ગરીબ અને હાંસિયામાં ધકેલાયેલા લોકો પર થતી અકલ્પનીય પીડા પ્રત્યે આપણે કેટલા કઠોર અને અસંવેદનશીલ બની ગયા છીએ.”

તેમણે કહ્યું, “આવી ઘટનાઓ બનતી રહેશે, ત્યાં સુધી આપણી મોટી-મોટી સિદ્ધિઓનો કોઈ અર્થ નહીં રહે.”

તેમણે કહ્યું, “આપણા લોકો આ રીતે પીડાતા રહે, તો આપણે ચંદ્ર પર પહોંચી ગયા કે પછી દુનિયાના અમીરોની યાદીમાં આપણાં ધનવાનોનાં નામ સામેલ છે—એનાથી શો ફરક પડે છે?”

કોલી માટે “નરભક્ષી”નું લેબલ એવું સાબિત થયું, જેનાથી તે ક્યારેય છૂટકારો મેળવી શક્યો નહીં.

બીજી તરફ, 19 પીડિતોના પરિવારો માટે કેસનો આ રીતે અંત આવવાનો અર્થ એ છે કે સાચા ગુનેગારો આજે પણ અજાણ્યા છે.

ઇન્દિરા જયસિંહે કહ્યું, “સૌથી મોટો અનુત્તરિત સવાલ એ છે કે યોગ્ય તપાસ ન કરવા બદલ પોલીસની જવાબદારી કોણ નક્કી કરશે?”

તેમણે કહ્યું, “આ કેસમાં કોઈને પણ ન્યાયપૂર્ણ પરિણામ મળ્યું નથી.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS