Home તાજા સમાચાર gujrati એક એવું નાનકડું ગામ જે એક જ રાતમાં બે વખત સૂર્યાસ્તની તૈયારી...

એક એવું નાનકડું ગામ જે એક જ રાતમાં બે વખત સૂર્યાસ્તની તૈયારી કરી રહ્યું છે

4
0

Source : BBC NEWS

આવેયાનોસા ડે મુન્યો, સ્પેનનું ગામ

ઇમેજ સ્રોત, Rishika Sharma

નહીંવત્ રહીશો, ન કોઈ રેસ્ટોરાં અને જવલ્લે જ આવતા કોઈ મુલાકાતી હોય એવા આવેયાનોસા ડે મુન્યો નામના નાનકડા ગામમાં એક અસાધારણ રાત માટેની તૈયારીઓ ચાલી રહી છે.

કેટલાંક ગામો શાંત જણાય, પરંતુ ઉત્તર સ્પેનના બુર્ગોસ પ્રાંતમાં આવેલું નાનકડું આવેયાનોસા ડે મુન્યો તો શાંતિની પણ પેલે પાર કહી શકાય એવું છે. નથી અહીં કોઈ રેસ્ટોરાં, કે નથી કોઈ દુકાનો. એક બાર છે જે ક્યારેય ખૂલતો નથી અને એક દારૂની ભઠ્ઠી છે જે કદી ખૂલવાની નથી.

પરંતુ ધ્યાનથી સાંભળીએ તો એક નજાકતભર્યું સંગીત સંભળાવા લાગે છે. ઉનાળાના આકરા તડકાથી તપેલી લવન્ડર ફૂલની ઝાડીઓ ફરતે મસ્તીમાં ઊડતી સુતારમાખીઓનો ધીમો ગુંજારવ જાણે નીચા સ્વરે વાગતા સંગીતમય તાલ જેવો લાગે છે. એની ઉપર, પથ્થરનાં છાપરાં વચ્ચે આંટા મારતાં કાળાંધોળાં અબાબીલ પક્ષીઓનો કલરવ લગભગ ખાલી થઈ ગયેલી શેરીઓમાં પડઘાય છે. ગામની બહાર ક્યાંક એકાંતમાં ચાલતા ટ્રૅક્ટરનો અવાજ ઘણી વાર માનવીય હાજરીનો એકમાત્ર સંકેત હોય છે.

અઠવાડિયે એક વાર, નજીકની બેકરીની એક સામાન્ય, સફેદ વાન વળાંક લેતી અહીં આવે છે. અહીંના થોડા બચેલા રહેવાસીઓ માટે તે બ્રેડ લાવે છે અને થોડા સમય માટે ગામના આ ઊંઘરેટા માહોલને ખળભળાવી જાય છે.

આ થોડાઘણા લોકો માટે જીવનનો આ જ લય છે—એવા સ્થળ પરનું જીવન, જ્યાં મોટા ભાગના દિવસોમાં ખરેખર કંઈ જ બનતું નથી. આમ છતાં, આ ઉનાળે સામાન્ય રીતે પોતાની ‘ગેરહાજરીના વૈભવ’ માટે ઓળખાતું આ ગામ પૃથ્વી પરનાં સૌથી રસપ્રદ સ્થળોમાંનું એક બની રહેવાનું છે.

ગામમાં કઈ ખગોળીય ઘટના બનવાની છે?

સ્પેનનું ગામ આવેયાનોસા ડે મુન્યો

ઇમેજ સ્રોત, Alamy

12 ઑગસ્ટ, 2026ના રોજ ઍટલાન્ટિક મહાસાગર પરથી એક સંપૂર્ણ સૂર્યગ્રહણ આગળ વધશે. વર્ષ 1999 પછી પહેલી વાર આવું ગ્રહણ યુરોપના મુખ્ય ભૂભાગ પરથી જોઈ શકાશે.

મેડ્રિડસ્થિત ભૌતિકશાસ્ત્રી ડૉ. મારિયા ટેરેસા લોપેઝ સાંચેઝના જણાવ્યા અનુસાર, 1912 પછી પહેલી વાર સ્પેનના મુખ્ય ભૂભાગ પરથી સંપૂર્ણ સૂર્યગ્રહણ દેખાશે, પરંતુ આ સંપૂર્ણ ગ્રહણ સમગ્ર ખંડના માત્ર એક સાંકડા પટ્ટામાંથી જ જોઈ શકાશે અને આવેયાનોસા ડે મુન્યો બરાબર એ માર્ગ પર આવેલું છે.

આ નાનકડા ગામને ગ્રહણ નિહાળવા માટે ખાસ વિશેષ બનાવે છે અહીંનું કુદરતી દૃશ્ય—સોનેરી ઘઉંનાં ખેતરો, નીચી ટેકરીઓ અને પશ્ચિમ તરફ ખૂલતું વિશાળ આકાશ. અહીં સાવ ઓછાં મકાનો છે, કૃત્રિમ પ્રકાશ લગભગ નથી અને અન્ય જાણીતાં સ્થળોની સરખામણીએ ભીડ પણ ઘણી ઓછી રહેવાની શક્યતા છે.

ગ્રહણનો સમય તેને વધુ વિશેષ બનાવે છે, કારણ કે તે સૂર્યાસ્તના થોડા સમય પહેલાં થશે, તેથી અહીં એક અનોખી, બે વખત સાંજ પડવાની ઘટના સર્જાશે. લોપેઝના શબ્દોમાં કહીએ તો, “થોડી જ મિનિટોમાં બે સૂર્યાસ્ત જીવવા જેવું.” અને એ જ રાત્રે પર્સિડ્ઝ ઉલ્કાવર્ષા પણ જોવા મળશે, જેના કારણે ખગોળીય ઘટનાઓનો એક દુર્લભ મેળાપ સર્જાશે.

આવેયાનોસા ડે મુન્યોનાં રહેવાસી સારા આલ્વારેઝ રોડ્રિગ્‍ઝ માટે એ સમસ્યા જ નથી કે તેઓ લોકોને જોવા માટે ક્યાં મોકલશે. “ગુફા તરફ ઉપર જાઓ,” તેઓ કહે છે, “ત્યાંથી તમને બધું દેખાશે.”

1937માં આવેયાનોસા ડે મુન્યોમાં જન્મેલાં આલ્વારેઝ આ ગામ સિવાય બીજે ક્યાંય રહ્યાં નથી. અહીં વિતાવેલા લગભગ નવ દાયકામાં તેમણે ગામને સંપૂર્ણ રીતે બદલાતું જોયું છે. તેઓ મને જણાવે છે કે 1950ના દાયકામાં ગામમાં લગભગ 200 લોકો રહેતા હતા અને ઘણી નાની દુકાનો હતી. અહીંના માછીમારો સાઇકલ પર નજીકનાં ગામોમાં જઈને પોતાની માછલીઓ વેચતા.

રાઉલ ગ્રાન્ડે રેવિયા 73 વર્ષ પહેલાં અહીં જન્મેલા, પણ બાળપણમાં જ મેડ્રિડ જતા રહ્યા હતા. તેમને યાદ છે કે ટપાલી ગધેડા પર બેસીને ગામમાં પત્રો અને અખબારો પહોંચાડવા આવતો હતો. અડધીપડધી ઊંઘમાં રહેતો આ ટપાલી ગધેડા પર ભરોસો રાખી શકતો હતો કે તેણે ક્યાં અટકવાનું છે- ગામને છેડે આવેલી નાની પોસ્ટ ઑફિસ સહિત.

ગામમાં દેશ-વિદેશથી લોકો આવી રહ્યા છે

આવેયાનોસા ડે મુન્યોમાં બચેલા થોડા રહેવાસીઓ માટે અઠવાડિયામાં એક વાર બેકરીની વાન બ્રેડ લઈને આવે છે.

ઇમેજ સ્રોત, Rishika Sharma

પેઢીઓ સુધી આ ગામ સૂકી જમીનની ખેતી, શાકભાજીની વાડીઓ, દ્રાક્ષની ખેતી અને પશુપાલન પર નભતું રહ્યું, પરંતુ પછી ખેતીમાં યંત્રોનો પ્રવેશ થયો. નજીકમાં રોજગારની તકો ઓછી હતી, તેથી લોકો મેડ્રિડ, બિલ્બાઓ, બાર્સેલોના અને અન્ય શહેરોમાં જવા લાગ્યા.

આજે ગામની આસપાસની ટેકરીઓ પર રહેતાં બકરાંની સંખ્યા અહીં કાયમી વસતા લોકો કરતાં વધારે છે. ક્યારેક જ્યાં સેંકડો ગ્રામજનો ખેતી કરતાં હતાં, ત્યાં હવે સૂર્યમુખીનાં વિશાળ ખેતરો પથરાયેલાં છે.

પરંતુ આ ઉનાળે સૂર્યગ્રહણ ગામના કેટલાક જૂના પરિવારોને ફરી પાછા બોલાવી રહ્યું છે.

આ પ્રસંગ માટે ગ્રાન્ડે પોતાના જીવનસાથી, પુત્ર, પૌત્રો અને મિત્રો સાથે અહીં પાછા ફરશે. તેમના ભાઈ પણ પોતાનાં ત્રણ બાળકો, પૌત્ર અને બહેન સાથે આવશે. આમ, બધા મળીને લગભગ 20 લોકોનું જૂથ બનશે—જે એક રાત પૂરતી ગામની વસ્તીને લગભગ બમણી કરી દેશે.

અને વાત અહીં અટકવાની નથી.

આલ્વારેઝ મને કહે છે કે બીજા પડોશીઓ પણ પોતાનાં મિત્રો અને સગાંને બોલાવી રહ્યાં છે. સ્પેનના જુદા જુદા ભાગમાંથી તો લોકો આવશે જ, ઉપરાંત બ્રિટન, ફ્રાન્સ અને વેનેઝુએલાથી પણ કેટલાક લોકો અહીં આવી પહોંચશે.

સાન્તિયાગો દ કોમ્પોસ્ટેલા યુનિવર્સિટીના ભૂગોળ વિભાગનાં પ્રોફેસર ડૉ. લુક્રેઝિયા લોપેઝ કહે છે કે આવા એકાદ વખત બનતા પ્રસંગો લોકોને “એવા સ્થળને ફરી શોધવાની તક આપે છે, કે જેની સાથે તેમનો કોઈ જૂનો સંબંધ હોય.”

આવેયાનોસામાં આ પુનઃશોધ માત્ર જૂના રહેવાસીઓ અને તેમના પરિવારો પૂરતી મર્યાદિત ન રહેતાં બહારના લોકો સુધી પણ વિસ્તરી છે અને લોકો આ ગામ તરફ આકર્ષાઈ રહ્યા છે.

કેટલીક હોટલો તો 2022થી બુક થઈ ગઈ છે

યાંત્રિકીકરણ અને સ્થળાંતરે આવેયાનોસા ડે મુન્યોને બદલી નાખ્યું, જ્યાં ક્યારેક ખેતી પર સેંકડો લોકો નભતા હતા.

ઇમેજ સ્રોત, Rishika Sharma

લર્મામા શહેરની નજીક આવેલી પેરાડોર દ લેરમા હોટલ, ક્યારેક લર્માના ડ્યુકનો મહેલ હતો. આ પ્રસંગ માટે તે 2022થી જ સંપૂર્ણ બુક થઈ ગઈ હતી.

કાસ્ટિલા ય લેઓનના પ્રવાસન બોર્ડના આલ્બર્ટો બોસ્ક કોએલો કહે છે કે સમગ્ર પ્રદેશમાં આવું જ જોવા મળી રહ્યું છે.

“અમારી મોટા ભાગની રહેવાની વ્યવસ્થા પૂરેપૂરી બુક થઈ ગઈ છે. હકીકતમાં, ઘણા સમય પહેલાં જ બુકિંગ થઈ ગયું હતું,” એમ તેઓ કહે છે.

તેમના જણાવ્યા મુજબ, ગ્રહણના નિષ્ણાતો “સૌથી જાણીતું સ્થળ” નહીં, પરંતુ “સૌથી યોગ્ય સ્થળ” શોધી રહ્યા હતા, કારણ કે તેમનું ધ્યાન શ્રેષ્ઠ દૃશ્ય અને સાનુકૂળ પરિસ્થિતિઓ પર હતું.

ગ્રાન્ડે મને એક કૅલિફોર્નિયાના પરિવાર વિશે કહે છે, જે ગ્રહણ જોવા માટે સ્પેન આવવાનું આયોજન કરી રહ્યો છે.

તેઓ મેડ્રિડમાં સંપૂર્ણ ગ્રહણ ચૂકી ન જાય એ માટે ગ્રાન્ડેએ ગામ આખાના દરેક ઘરના દરવાજા ખટખટાવ્યા અને કોઈ તેમને રહેવા માટે જગ્યા આપી શકે કે કેમ એ બાબતે પૂછ્યું. જેથી એ પરિવાર ગ્રહણને એવી જગ્યાએથી જોઈ શકે, જેને તેઓ સ્પેનનું શ્રેષ્ઠ દર્શનસ્થળ માને છે.

હું તેમને પૂછું છું કે લગભગ 10 રહેવાસીઓ ધરાવતું આ ગામ અચાનક દુનિયાના ધ્યાનનું કેન્દ્રબિંદુ બની જાય ત્યારે કેવું લાગે છે? ગ્રાન્ડે હસે છે અને માથું હલાવે છે. “બિલકુલ એમ જ”, આશ્ચર્ય વ્યક્ત કરતાં તેઓ કહે છે કે તેમનું નાનકડું ગામ, ભલે થોડા સમય માટે, પરંતુ આખી દુનિયાને પોતાના ઊંબરા સુધી ખેંચી રહ્યું છે.

બુર્ગોસના અનેક સમુદાયો ગ્રહણ જોવા માટે ખાસ સ્થળો અને કાર્યક્રમોની તૈયારી કરી રહ્યા છે.

પરંતુ આવેયાનોસા ડે મુન્યોમાં સ્થાનિક લોકો અને મુલાકાતીઓ ગામના ઉપરના ભાગમાં આવેલી ગુફાઓ તરફ જશે.

‘ગામમાં ફરી અવાજો ગૂંજી ઊઠશે’

આ ગ્રહણમાં ઘણા વર્ષો પહેલાંથી જ લોકોને રસ પડવો શરૂ થઈ ગયો હતો. પેરાડોર દ લર્મા હોટલમાં છેક 2022થી જ ગ્રહણ માટે બુકિંગ થઈ ગયું હતું.

ઇમેજ સ્રોત, Rishika Sharma

સંપૂર્ણ ગ્રહણના સમયે સૂર્ય ક્ષિતિજથી માત્ર આઠ અંશ જેટલો ઉપર હશે. તેથી પશ્ચિમ તરફ ખુલ્લું અને કોઈ અવરોધ વિનાનું દૃશ્ય અત્યંત જરૂરી બનશે. આને કારણે ઊંચાઈ પર આવેલી આ ગુફાઓ આ અસાધારણ ખગોળીય ઘટનાને જોવા માટે આગલી હરોળની બેઠક જેવી મોકાની જગ્યા સાબિત થશે.

આ ગુફાઓ કેવળ સારું સ્થળ જ છે એવું નથી. ઘટતી જતી વસ્તી ધરાવતા આ ગામના લોકો પેઢીઓથી ભેગા થઈને અહીં સૂર્યાસ્ત નિહાળતા આવ્યા છે. ગામના એક ભૂતપૂર્વ રહેવાસીએ તો પોતાની અંતિમ ઇચ્છા મુજબ પોતાની રાખ પણ અહીં વિસર્જિત કરાવી હતી.

આ જગ્યા ગામ માટે માત્ર એક સ્થળ નથી, પરંતુ ઊંડી લાગણી અને યાદો સાથે જોડાયેલું સ્થાન છે.

આવેયાનોસા એવું ગામ છે જેને આલ્વારેઝે ક્યારેય છોડ્યું નથી અને છોડશે પણ નહીં. ગ્રાન્ડે પણ લગભગ દરેક વર્ષે અહીં પાછા આવતા રહ્યા છે. દર ઉનાળે આલ્વારેઝની દીકરીઓ અહીં પાછી આવે છે અને તેમની માતા હયાત નહીં રહે એ પછી પણ આવતી રહેશે. ગ્રાન્ડે હવે પોતાનાં પુત્રો, પૌત્રો અને તેમના મિત્રોને લઈને આવે છે. તેમની ઇચ્છા છે કે જે અનુબંધ તેમણે બાળપણમાં આ ગામ સાથે અનુભવ્યો હતો, એવો જ અનુબંધ નવી પેઢી પણ અનુભવે.

તેઓ કહે છે: “મારા માટે સૌથી મહત્ત્વનું એ છે કે મારાં બાળકો અને પૌત્રોને પણ આ ગામ માટે એટલાં જ પ્રેમ અને લાગણી થાય, જેટલાં મને છે.”

ગ્રહણના દિવસે આવેયાનોસા ડે મુન્યોમાં ફરી એક વાર અવાજો ગુંજી ઊઠશે. કોઈ રેસ્ટોરાં નથી ત્યાં શેકાતા ઘેટાનાં માંસની સુગંધ ફેલાશે. ક્યારેક જ્યાં શાળા હતી ત્યાં બાળકોના હાસ્યના અવાજો સંભળાશે.

અને પછી, થોડી અદ્‍ભુત ક્ષણો માટે, બે વાર અંધારું છવાશે. એક અદ્‍ભુત ભૌગોલિક સંયોગને કારણે, સ્પેનના સૌથી ઓછા જાણીતાં ગામોમાંનું એક, થોડા સમય પૂરતું દુનિયાનું કેન્દ્ર બની જશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS