Home તાજા સમાચાર gujrati ‘ગાંધી’: મોતીલાલ કોઠારી એ વ્યક્તિ જેમને ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો, ફિલ્મ તૈયાર...

‘ગાંધી’: મોતીલાલ કોઠારી એ વ્યક્તિ જેમને ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો, ફિલ્મ તૈયાર થઈ પડદા પર આવતાં 20 વર્ષ કેમ લાગ્યાં?

8
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી

શ્રદ્ધા, ઝનૂન અને અદમ્ય પ્રેરણા ધરાવતી વ્યક્તિ જ ગાંધીની અસાધારણ જીવનકથાને પડદા પર ઉતારવાનું સ્વપ્ન જોઈ શકે. મોતીલાલ કોઠારી આવી જ એક વ્યક્તિ હતા.

ગાંધી પરનાં દૃશ્યોને શોધવા માટે દુનિયાભરમાં ભટકેલા અને પછી તેમના પરની પહેલી જ જીવનકથા-ફિલ્મ બનાવનાર એ. કે. ચેટ્ટિયારની જેમ જ મોતીલાલ કોઠારીને પણ ગાંધીજીની જીવનકથાને એક ભવ્ય ફિલ્મ દ્વારા દુનિયા સમક્ષ રજૂ કરવાની ધૂન લાગી હતી.

તેઓ ફિલ્મજગતના કોઈ દિગ્ગજ નહોતા અને તેમની પાસે અપાર પૈસા પણ નહોતા. આ પ્રોજેક્ટ હાથ ધર્યો ત્યારે તેમણે જીવનમાં એકેય વાર ફિલ્મ સ્ટુડિયોનાં પગથિયાં પણ ચઢ્યાં નહોતાં. તેમ છતાં તેમણે આ સ્વપ્ન જોયું.

પોતાનું ધ્યેય સિદ્ધ કરવા માટે કોઠારીએ વર્ષો સુધી દિવસ-રાત એક કરી નાખ્યાં. તેમની નિષ્ઠા અને સમર્પણ એટલાં ગાઢ હતાં કે તેમને આ શક્તિ માત્ર ગાંધીજી જ આપી શકે તેમ હતા.

નહીંતર, એકેય ફિલ્મનું દિગ્દર્શન ન કર્યું હોય એવા અભિનેતા-નિર્માતા રિચર્ડ એટનબરો પાસે જઈને ગાંધીજી પર ફિલ્મ બનાવવાનો પ્રસ્તાવ મૂકવાની હિંમત તેઓ શી રીતે કરી શક્યા હોત!

કોઠારીની કલ્પના આગળ જતાં એટનબરોના જીવનનું સૌથી મહત્ત્વનું કામ બની. પરંતુ તેમનું આ સ્વપ્ન સાકાર થવામાં અને બંનેની આ ભવ્ય કલ્પનાને પડદા પર દુનિયા સમક્ષ આવવામાં લગભગ 20 વર્ષ લાગ્યાં.

ત્રણ મુલાકાતો અને એક અપરાધભાવ

મુંબઈ પ્રાંતના સાતારા જિલ્લાના તાસગાંવમાં જન્મેલા મોતીલાલ કોઠારી ગાંધીજીથી ખૂબ પ્રભાવિત હતા.

વિદ્યાર્થીકાળમાં જ તેઓ સ્વાતંત્ર્યસંગ્રામમાં સક્રિય રીતે જોડાયા હતા અને તેમને ગાંધીજીને ત્રણ વખત મળવાની તક મળી હતી.

આ મુલાકાતો બાબતે ગાંધી ફિલ્મના દિગ્દર્શક રિચર્ડ એટનબરોએ પોતાના પુસ્તક ‘ઇન સર્ચ ઑફ ગાંધી’માં લખ્યું છે.

“1925માં મહાત્મા ગાંધી ફાળો એકત્ર કરવા માટેના પ્રવાસે સાતારા જિલ્લાના ફલટણ આવ્યા હતા. ત્યારે ગાંધીજી સાથે મારી પહેલી મુલાકાત થઈ. સ્થાનિક જૈન સમાજે ગાંધીજીના સ્વાગત માટે ભવ્ય મંડપ ઊભો કર્યો હતો. પરંતુ આટલો ઠાઠમાઠ અને દેખાડો ગાંધીજીને જરાય ગમ્યો નહોતો.”

“ગાંધીજીએ કહ્યું, તમે જેને મહાત્મા કહો છો તે પોતે અર્ધનગ્ન રહેવાનું પસંદ કરે છે, તો તેમના સન્માન માટે તમે આટલું બધું વિદેશી કાપડ કેમ વાપર્યું?”

1932માં સવિનય કાનૂનભંગની ચળવળ દરમિયાન ગાંધીજી જેલમાં હતા ત્યારે કોઠારી તેમને ફરી મળ્યા.

“1946માં મુંબઈના બિરલા હાઉસમાં તેમની ત્રીજી મુલાકાત થઈ. એ સોમવાર હતો અને ગાંધીજીનો મૌનવાર હતો. તેમ છતાં તેમણે લખેલી ચિઠ્ઠીઓ દ્વારા અડધા કલાકથી વધુ સમય સુધી વાતચીત કરી. 20 વર્ષના ગાળામાં થયેલી આ ત્રણ મુલાકાતોએ મોતીલાલ કોઠારી પર ઊંડી અસર કરી.”

બીબીસી ગુજરાતી

ગાંધીજીની હત્યા પછી કોઠારી લંડન ગયા અને ભારતીય ઉચ્ચાયુક્તાલયમાં નોકરી સ્વીકારી. પરંતુ આ નિર્ણય તેમના માટે સહેલો નહોતો.

પોતે જવાબદારીથી ભાગી રહ્યા છે, એવું તેમને સતત લાગતું રહ્યું. 5 માર્ચ 1965ના ‘ફિલ્મફેર’ સામયિકમાં આ અંગે એક નોંધ પ્રકાશિત થઈ હતી.

“ભારત છોડીને જતી વખતે વિમાનમથક પર મારા અંતરાત્માએ મને પૂછ્યું, તું ભાગી તો નથી રહ્યો ને? અને શા માટે?” થોડાં વર્ષો પછી તેમને હૃદયરોગનો હુમલો આવ્યો ત્યારે એ જ અવાજ ફરી તેમની સામે ઊભો થયો, “અને હવે તું ક્યાં ભાગીશ?”

એ જ ક્ષણે કોઠારીએ નક્કી કર્યું કે ગાંધીજીની જીવનકથા એક શક્તિશાળી માધ્યમ દ્વારા દુનિયા સમક્ષ આવવી જોઈએ. સિનેમા કરતાં વધુ સારું માધ્યમ બીજું કયું હોઈ શકે?

કોઠારી કહે છે, “મેં નક્કી કર્યું કે કંઈક તો કરી જ જોવું. ભલે એ કામ ગમે એટલું નાનું હોય, માનવતા કાજે ભરેલું એ એક હકારાત્મક પગલું હશે, એવો મને વિશ્વાસ હતો.”

‘ફિલ્મફેર’માં નોંધ છે કે આ પ્રોજેક્ટ માટે શરૂઆતમાં જ તેમને એક શુભ સંકેત મળ્યો હતો.

અમેરિકન લેખક લુઈ ફિશરે ગાંધીજી પર લખેલું જીવનચરિત્ર શ્રેષ્ઠ પુસ્તકોમાંનું એક ગણાય છે. તેના ફિલ્મ અને ટેલિવિઝન અધિકારો કોઠારીને મળ્યા એ તેમના માટે આશીર્વાદ સમાન હતું. ફિશરે એક પણ પૈસો લીધા વિના આ અધિકારો કોઠારીને આપી દીધા.

એટનબરો પર લગાવેલો દાવ

જુલાઈ, 1962માં કોઠારી રિચર્ડ એટનબરોને મળ્યા. એ વખતે એટનબરો 29 વર્ષના હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રોયલ એર ફોર્સમાં સેવા આપ્યા પછી તેઓ એક સફળ અભિનેતા અને નિર્માતા તરીકે ઓળખ પ્રાપ્ત કરી ચૂક્યા હતા.

કોઠારીએ ગાંધીજી પર ફિલ્મ બનાવવાનો વિચાર તેમની સમક્ષ મૂક્યો ત્યારે એટનબરો ભારે આશ્ચર્યચકિત થયા. પોતાના પુસ્તકમાં એટનબરોએ લખ્યું છે, “મહાત્મા ગાંધી પર ફિલ્મ બનાવવાની જવાબદારી લેવી કે નહીં, એ અંગે હું ખૂબ જ અસમંજસમાં હતો. પરંતુ એ વિષયે મારા મનમાં પહેલેથી જ એક જબરદસ્ત ખેંચાણ ઊભું કર્યું હતું.”

શરૂઆતમાં એટનબરોને લાગતું હતું કે આ ફિલ્મનું દિગ્દર્શન કરવાની પોતાની લાયકાત નથી. પરંતુ રજાઓ દરમિયાન લુઈ ફિશરે લખેલું ગાંધીજીનું જીવનચરિત્ર વાંચ્યા પછી તેઓ આ વિષયથી સંપૂર્ણપણે મોહિત થઈ ગયા.

તેમના નજીકના સાથીદારો આ પ્રોજેક્ટ અંગે સાશંક હતા, પરંતુ તેમનાં પત્ની અને અભિનેત્રી શીલા આ પ્રોજેક્ટમાં તેમની પડખે મજબૂતીથી ઊભાં રહ્યાં.

બીબીસી ગુજરાતી

ગાંધીજી જેવા રાષ્ટ્રીય નેતા પર ફિલ્મ બનાવવા માટે ભારત સરકારની મંજૂરી જરૂરી હતી. આ કામમાં એટનબરોની લુઈ માઉન્ટબેટન સાથેની મિત્રતા કામ લાગી.

મે 1963માં એટનબરોએ દિલ્હીમાં જવાહરલાલ નહેરુ, માહિતી અને પ્રસારણમંત્રી બી. ગોપાલ રેડ્ડી અને ઇન્દિરા ગાંધી સાથે મુલાકાત કરી.

અકાદમી પુરસ્કાર વિજેતા અભિનેતા એલેક ગિનેસ ગાંધીજીની ભૂમિકા ભજવે એવી નહેરુની ઇચ્છા હતી. પરંતુ ગિનેસનું માનવું હતું કે પોતાના જેવા વિદેશી અભિનેતાએ નહીં, કોઈ ભારતીય અભિનેતાએ જ આ ભૂમિકા ભજવવી જોઈએ.

સૌથી મહત્ત્વનું એ હતું કે નહેરુએ એટનબરોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “તમે કંઈ પણ કરો, પરંતુ તેમને દેવત્વ ન આપતા. ભારતમાં અમે એ જ કર્યું છે. તેઓ એટલા મહાન માણસ હતા કે તેમને દેવત્વ આપવાની કોઈ જરૂર જ નહોતી.”

એટનબરોને મળ્યા પહેલાં જ કોઠારી ઇચ્છતા હતા કે રૉબર્ટ બોલ્ટ આ ફિલ્મની પટકથા લખે.

ઑક્ટોબર 1961માં કોઠારીએ પોતાના વકીલ લૉરેન્સ હાર્બોટલ મારફતે બોલ્ટને પત્ર લખીને પોતાની ઇચ્છા જણાવી હતી.

એ વખતે બોલ્ટ ‘લૉરેન્સ ઑફ અરેબિયા’ની પટકથા લખી રહ્યા હતા અને શરૂઆતમાં તેમણે ના પાડી દીધી.

કોઠારીએ એમનો નકાર સ્વીકાર્યો નહીં.

તેમણે બીજો પત્ર લખ્યો અને ટપાલથી થતો વિલંબ ટાળવા માટે આ વખતે તે પત્ર પોતે જ જઈને પહોંચાડ્યો.

માર્ગારેટ રેમ્સીને લખેલા આ પત્રમાં કોઠારીએ કહ્યું હતું, “આ ફિલ્મ બનાવવામાં મારી પોતાનો ભક્તિભાવ અને પટકથા બોલ્ટે જ લખવી જોઈએ એવી મારી ખાતરી—આ બંને બાબતમાં હું મક્કમ છું.”

બીબીસી ગુજરાતી

દરમિયાન, ફિલ્મના મૂળ સ્વરૂપ અંગે કોઠારી અને એટનબરોના મનમાં સ્પષ્ટતા હતી. ત્રણ કલાકની ફિલ્મમાં ગાંધીજીનું આખું જીવન દર્શાવવું અશક્ય છે, એ બંને જાણતા હતા. આ ફિલ્મ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ વિશેની નહોતી અને સ્વાતંત્ર્યસંગ્રામ વિશેની પણ નહોતી.

પટકથાલેખકને લખેલી એક ચિઠ્ઠીમાં કોઠારીએ ગાંધીજીના કાર્યનાં ત્રણ પાસાં પર ભાર મૂક્યો હતો: “ગરીબો પ્રત્યેનો તેમનો પ્રેમ, અન્યાય સામેનો તેમનો સંઘર્ષ અને બીજાઓને કહેતાં પહેલાં દરેક વાત પોતે જ આચરણમાં મૂકવાનો તેમનો દૃઢ નિશ્ચય.”

આખરે હેરોલ્ડ હેનલીએ તૈયાર કરેલો ફિલ્મનો પહેલો ડ્રાફ્ટ પાંચ કલાકથી પણ લાંબો નીકળ્યો.

ગાંધીજી જેવી અસાધારણ વ્યક્તિનું જીવન ટૂંકાવીને પડદા પર રજૂ કરવું હંમેશાં એક મોટો પડકાર રહ્યું છે.

ફિલ્મના નિર્માણ માટે કોઠારી અને એટનબરોએ ‘ઇન્ડો-બ્રિટિશ ફિલ્મ્સ’ નામની પોતાની નિર્માણ સંસ્થા ઊભી કરી. પરંતુ ટૂંક સમયમાં જ આ પ્રોજેક્ટના સૌથી મોટા સમર્થક નહેરુનું 1964માં અવસાન થયું. એ પછી આર્થિક મુશ્કેલીઓ પણ ઊભી થઈ.

શરૂઆતમાં નાણાં પૂરાં પાડનારા વડોદરાના મહારાજા સાથે વાટાઘાટો કરવી મુશ્કેલ બનતી ગઈ અને નાણાં પૂરાં પાડતી બ્રિટિશ સંસ્થા ‘રૅન્ક ઑર્ગેનાઇઝેશન’ પણ પ્રોજેક્ટમાંથી ખસી ગઈ. એ પછી અણધારી રીતે જોસેફ લેવિનની ‘એમ્બસી પિક્ચર્સ’ ફિલ્મ કંપની આ પ્રોજેક્ટને ટેકો આપવા આગળ આવી. તેની સાથે હૉલિવૂડનો મોટો સ્ટુડિયો ‘પૅરામાઉન્ટ’ પણ જોડાયો.

બધું ગોઠવાઈ ગયું અને 15 ડિસેમ્બર 1964ના રોજ લંડનની હોટેલ સૅવોયમાં યોજાયેલા એક ભવ્ય સમારંભમાં 5 મિલિયન ડૉલરનું અંદાજિત બજેટ ધરાવતી આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી.

આ કાર્યક્રમમાં કોઠારીએ કહ્યું હતું, “[ગાંધી] આપણી સદીની એકમાત્ર વ્યક્તિ છે, જેમણે પોતાના આચરણ દ્વારા એવી જીવનશૈલી બતાવી, જે આજના વિશ્વની સમસ્યાઓના ઉકેલની આશા આપે છે.”

બીબીસી ગુજરાતી

આટલા મોટા બજેટની ફિલ્મ અંગે ચારે તરફ ઉત્સુકતા હતી, પરંતુ ગાંધીજીની મુખ્ય ભૂમિકા સહિત હજુ સુધી કોઈ પણ કલાકારની પસંદગી થઈ નહોતી.

ગાંધીજીની ભૂમિકા કોઈ બિનભારતીય અભિનેતા ભજવે એવું એટનબરોને જરાય નહોતું લાગતું. તેમ છતાં તેમણે ડર્ક બોગાર્ડ, પીટર ફિન્ચ, આલ્બર્ટ ફિની અને ટૉમ કર્ટની જેવા જાણીતા બ્રિટિશ કલાકારોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળતા મળી નહીં.

કલાકારોમાં એક પણ જાણીતો ચહેરો નહોતો અને પટકથાનો ડ્રાફ્ટ પણ અત્યંત વિખરાયેલો હતો. પરિણામે ફિલ્મનું નિર્માણ મુશ્કેલીમાં મૂકાઈ ગયું. ગાંધીજીની ભૂમિકા માટે જાણીતા અભિનેતાની પસંદગી કરવામાં નિષ્ફળતા મળતાં ‘એમ્બસી પિક્ચર્સ’ પણ ફિલ્મના નિર્માણમાંથી બહાર નીકળી ગયું.

…તો વી. શાંતારામે દિગ્દર્શન કર્યું હોત

રસપ્રદ વાત એ છે કે રિચર્ડ એટનબરો પાસે ગાંધી ફિલ્મનો વિચાર લઈને જતાં પહેલાં જ કોઠારીએ આ પ્રતિષ્ઠિત પ્રોજેક્ટની જવાબદારી સંભાળી શકે એવા એક ભારતીય ફિલ્મકારનો વિચાર કરી લીધો હતો.

એ હતા જાણીતા દિગ્દર્શક વી. શાંતારામ. 1961માં કોઠારી તેમને મળ્યા અને ગાંધી ફિલ્મનું દિગ્દર્શન કરવાની દરખાસ્ત કરી. એ વખતે શાંતારામ ‘સ્ત્રી’ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા અને આ મુલાકાત તેના જ સેટ પર થઈ હતી.

મધુરા પંડિત જસરાજના પુસ્તક ‘ધ મૅન હૂ ચેન્જ્ડ ઇન્ડિયન સિનેમા’માં આ વાતનો ઉલ્લેખ છે.

કોઠારીએ પોતાનો વિચાર જણાવ્યો ત્યારે શાંતારામ ખૂબ ઉત્સાહિત થઈ ગયા.

‘પ્રભાત ફિલ્મ સ્ટુડિયો’ના સમયથી જ શાંતારામ દેશના સ્વાતંત્ર્યસંગ્રામને સમર્થન આપતા આવ્યા હતા અને પોતાની ફિલ્મોમાં રાષ્ટ્રવાદી ભાવના રજૂ કરવાનો પ્રયાસ કરતા હતા.

બીબીસી ગુજરાતી

ફિલ્મનું દિગ્દર્શન કરવાની સંમતિ આપતાં શાંતારામે કહ્યું કે ગાંધી ફિલ્મને એક રાષ્ટ્રીય ઉપક્રમ તરીકે જોવી જોઈએ અને તે સામાન્ય લોકો સુધી પહોંચવી જોઈએ. આ કામ માટે પોતે એક પણ પૈસો નહીં લે એવું પણ તેમણે કહ્યું.

ફિલ્મને ભારત સરકારનું સમર્થન મળે એ ઇચ્છનીય રહેશે, એવું શાંતારામનું માનવું હતું. કોઠારીએ પણ સંમતિ આપી અને વડા પ્રધાન નહેરુ સાથે વાત કરવાનું વચન આપ્યું. પરંતુ ત્રણ મહિના વીતી ગયા છતાં કોઈ પ્રગતિ ન થઈ.

આખરે શાંતારામે પોતે નહેરુને પત્ર લખીને આ પ્રોજેક્ટ અંગે ચર્ચા કરવા મુલાકાતનો સમય માગ્યો, પરંતુ એનું પણ કંઈ પરિણામ આવ્યું નહીં.

કોઠારી કે નહેરુ, બંને તરફથી કોઈ પ્રતિસાદ ન મળતાં શાંતારામ નિરાશ થયા. ગાંધીજીના વ્યક્તિત્વનો આત્મા પડદા પર સફળતાપૂર્વક રજૂ કરી શકાશે એવો તેમને દૃઢ વિશ્વાસ હતો.

ઘણાં વર્ષો પછી જ્યારે એટનબરોની ‘ગાંધી’ ફિલ્મ રજૂ થઈ, ત્યારે ગાંધીજીનું એકાંગી ચિત્રણ અને તેમાં દેખાતા પ્રભાવક પશ્ચિમી દૃષ્ટિકોણ બદલ શાંતારામે ફિલ્મની આકરી ટીકા કરી હતી.

ઝિનેમન પ્રકરણ

જાન્યુઆરી 1966માં નહેરુના અનુગામી લાલ બહાદુર શાસ્ત્રીનું પણ અવસાન થયું. એ પછી પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની. પટકથા, કલાકારોની પસંદગી અને નાણાં-આમ અનેક મોરચે કામ અટકી ગયું. આ તબક્કે કોઠારીને એટનબરોની સંપૂર્ણ પ્રતિબદ્ધતા જોઈતી હતી, પરંતુ એ શક્ય બન્યું નહીં. તેથી બંનેએ પોતપોતાની રીતે કામ ચાલુ રાખવાનું અને શક્ય બને તો પછી ફરી કરાર કરવાનું નક્કી કર્યું.

કોઠારીએ રોબર્ટ બોલ્ટ સાથે ફરી વાતચીત કરી અને તેના પરિણામે જાણીતા દિગ્દર્શક ફ્રેડ ઝિનેમન આ પ્રોજેક્ટમાં જોડાયા.

બોલ્ટ અને ઝિનેમને ‘એ મૅન ફૉર ઑલ સીઝન્સ’ (1966)માં સફળતાપૂર્વક સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ માટે ઝિનેમનને શ્રેષ્ઠ દિગ્દર્શકનો અકાદમી પુરસ્કાર પણ મળ્યો હતો.

આ ઘટનાક્રમ પછી એટનબરોએ ફિલ્મ છોડી દીધી.

પોતાના પુસ્તક ‘ઇન સર્ચ ઑફ ગાંધી’માં તેમણે લખ્યું છે, “ઝિનેમન ખરેખર મહાન દિગ્દર્શક છે, એટલું જ નહીં, તેઓ દુનિયાના શ્રેષ્ઠ દિગ્દર્શકોમાંના એક છે. મારે મારું સ્વપ્ન છોડવાનું થાય, તો તેને આગળ લઈ જવા માટે તેમના કરતાં યોગ્ય વ્યક્તિ હું વિચારી પણ શકતો નથી.”

પરંતુ કોઠારીને આપવામાં આવેલું શ્રેય અને અધિકાર ઝિનેમનને મંજૂર નહોતાં. તેઓ આ ફિલ્મ પોતાની ‘હાઇલૅન્ડ ફિલ્મ્સ’ના બૅનર હેઠળ બનાવવા માગતા હતા.

તેમણે પોતાના એજન્ટ ક્રિસ્ટોફર માનને લખેલા પત્રમાં કહ્યું હતું કે કોઠારીને પોતાની પસંદગીનું કોઈ પણ પદ આપી શકાય, પરંતુ તેમના હોદ્દાની આગળ ‘નિર્માતા’ અને ‘દિગ્દર્શક’ જેવા શબ્દો ન હોવા જોઈએ.

પરંતુ આ વિશાળ પ્રોજેક્ટમાં કોઠારીનું મહત્ત્વ શું છે એ રૉબર્ટ બોલ્ટ સારી રીતે જાણતા હતા.

તેમણે ઝિનેમનને લખેલા પત્રમાં કહ્યું હતું, “ભારત સરકાર ઇચ્છે છે કે આ પ્રોજેક્ટમાં ભારતીય પક્ષની પણ યોગ્ય ભૂમિકા હોય. દેશના ફિલ્મકારો પર તેમને વિશ્વાસ નથી, પરંતુ મોતી કોઠારી પર વિશ્વાસ છે.”

“ભારત સરકારને કોઠારી પર વિશ્વાસ છે, કારણ કે તેઓ ગાંધીજીના નિષ્ઠાવાન અનુયાયી છે અને નહેરુ સાથે તેમનો અંગત પરિચય હતો.”

બીબીસી ગુજરાતી

પરંતુ ડેવિડ લીન અને બોલ્ટ ‘રાયન્સ ડૉટર’ ફિલ્મના નિર્માણમાં વ્યસ્ત થઈ ગયા.

આ કામમાં ત્રણ વર્ષ લાગ્યાં અને તેના કારણે વધુ વિલંબ થયો. આ તમામ અડચણો વચ્ચે પણ બોલ્ટને કોઠારીની ક્ષમતા અને દૃઢ નિશ્ચય પર પૂરો વિશ્વાસ હતો.

માર્ચ 1968માં બોલ્ટનાં એજન્ટ માર્ગારેટ રેમ્સીએ ડેવિડ લીનના એજન્ટ લી સ્ટાઇનરને લખ્યું હતું, “ગાંધીની વાર્તામાં એવું કંઈક છે, જે લોકોને ગાંધીજીની પવિત્રતાનો ઓછામાં ઓછો એક અંશ તો પોતાના જીવનમાં ઉતારવા પ્રેરિત કરે છે. બૉબ કોઠારીને જે રીતે ટેકો આપી રહ્યા હતા, એ બતાવે છે કે કોઠારી પ્રત્યે તેમને કેટલો વિશ્વાસ અને જવાબદારીનો ભાવ હતો.”

શાંત અને ધીરજવાન સ્વભાવના કોઠારીએ રાહ જોવાનું નક્કી કર્યું, પરંતુ તેઓ નિષ્ક્રિય બેઠા નહોતા.

બોલ્ટ અને લીન વચ્ચેનો પ્રશ્ન ઉકેલાતો નહોતો અને પ્રોજેક્ટ અનિશ્ચિત સ્થિતિમાં હતો ત્યારે જ સપ્ટેમ્બર 1969માં કોઠારીને હૃદયરોગનો હુમલો આવ્યો. આખરે 15 જાન્યુઆરી 1970ના રોજ તેમનું અવસાન થયું.

ફિલ્મ અંગેની એક બેઠકમાં કોઠારીએ પુણેના વરિષ્ઠ મરાઠી ફિલ્મકાર રામ ગબાલે સમક્ષ પોતાના મનની વાત કહી હતી. રામ ગબાલેની આત્મકથામાં આ વાતનો ઉલ્લેખ છે: “આ ફિલ્મ પૂરી કરવા માટે આપણે ખૂબ મહેનત કરી રહ્યા છીએ, પરંતુ ખબર નહીં કેમ, મને હંમેશાં એવું લાગે છે કે ફિલ્મ પૂરી થશે ત્યારે તેને જોવા માટે હું જીવતો નહીં હોઉં.”

‘ગાંધી’ જેવી ફિલ્મ બનાવવાના આ અસાધારણ પ્રયાસ પાછળની સાચી પ્રેરણા કોની હતી, એ વાત એટનબરોએ પણ મુક્તપણે સ્વીકારી છે.

તેમણે લખ્યું છે, “1963માં મોતી અને મેં સાથે મળીને આ ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો હતો. આ પ્રેરણા મોતી પાસેથી જ મળી હતી.”

આખરે 1982માં ‘ગાંધી’ ફિલ્મ રજૂ થઈ ત્યારે નિર્માતાઓએ આ ફિલ્મ મોતીલાલ કોઠારી ઉપરાંત પંડિત નહેરુ અને લુઈ માઉન્ટબેટનને અર્પણ કરી. ‘ગાંધી’ને મળેલો અકાદમી પુરસ્કાર પણ એટનબરોએ મોતીલાલ કોઠારીને અર્પણ કર્યો.

આખરે ‘ગાંધી’ પડદા પર આવી

1980ના દાયકામાં ક્યારેક-ક્યારેક જોવા મળતી ‘ફિલ્મ્સ ડિવિઝન’ની છૂટીછવાઈ માહિતીપ્રદ ફિલ્મોને બાદ કરતાં ગાંધીજી પર બહુ ઓછી દૃશ્યસામગ્રી ઉપલબ્ધ હતી.

ભારતમાં દૂરદર્શન આવ્યા પછી ‘ગાંધી’ ફિલ્મ જોવી અનેક લોકો માટે જાણે કે વાર્ષિક પરંપરા બની ગઈ. દર 2 ઑક્ટોબરે, ગાંધીજીના જન્મદિવસે, દૂરદર્શન આ ફિલ્મ બતાવતું અને લોકો તેને વારંવાર નિહાળતા.

ગાંધીજીની ભૂમિકા માટે બેન કિંગ્સલેની પસંદગી એટનબરો માટે નિર્ણાયક સાબિત થઈ.

કૃષ્ણ પંડિત ભાણજી તરીકે જન્મેલા કિંગ્સલે ભારતીય મૂળના હતા, પરંતુ આ ભૂમિકા મળતાં પહેલાં તેમણે ભારતમાં પગ પણ મૂક્યો નહોતો.

માથું મુંડાવવાની સાથે તેઓ યોગ શીખ્યા અને શાકાહારી બન્યા. તેમણે લગભગ 10 કિલો વજન પણ ઘટાડ્યું.

આ અસાધારણ અભિનય માટે તેમને 1983નો શ્રેષ્ઠ અભિનેતાનો અકાદમી પુરસ્કાર મળ્યો.

બીબીસી ગુજરાતી'ગાંધી' ફિલ્મમાં અભિનેત્રી રોહિણી હટ્ટંગડીએ કસ્તૂરબા ગાંધીની ભૂમિકા ભજવી હતી

ભારતના શ્રેષ્ઠ અભિનેતાઓમાં ગણાતા નસીરુદ્દીન શાહ પણ આ પ્રતિષ્ઠિત ભૂમિકા માટેના પ્રબળ દાવેદાર હતા.

નસીરુદ્દીન શાહે પોતાના પુસ્તક ‘ઍન્ડ ધેન વન ડે’માં લખ્યું છે કે તેમને લાગતું હતું, “કોઈ ભારતીય અભિનેતાને જ લેવો હોય, તો એ હું જ હોવો જોઈએ.”

પસંદગી ન થતાં તેઓ નિરાશ થયા નહીં. પરંતુ ફિલ્મ જોયા પછી તેમણે ખુલ્લા દિલે સ્વીકાર્યું, “બેન ખરેખર અદ્‍ભુત હતા. ગાંધીજીના સ્મિત સિવાય બાકીનું બધું તેમણે બરાબર કરી બતાવ્યું.”

તેમ છતાં પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપતાં શાહે કહ્યું, “મને લાગે છે કે કેટલીક બાબતોમાં તેઓ ઊણા ઊતર્યા હતા. એક તો સ્મિત અને બીજું અવાજ… પરંતુ તેમણે પાત્રનો મૂળ ભાવ પકડી લીધો હતો, એ મારે સ્વીકારવું જ રહ્યું.”

થોડાં વર્ષો પછી, 1998માં ફિરોઝ અબ્બાસ ખાનના દિગ્દર્શનમાં અજિત દળવીએ લખેલા નાટક ‘મહાત્મા વિરુદ્ધ ગાંધી’માં શાહને ગાંધીજીની ભૂમિકા ભજવવાની તક મળી.

બીબીસી ગુજરાતી

કસ્તૂરબાની ભૂમિકામાં રોહિણી હટ્ટંગડી પણ એટલાં જ અસરકારક હતાં. નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામાનાં આ વિદ્યાર્થિનીએ માત્ર 27 વર્ષની ઉંમરે કસ્તૂરબાની ભૂમિકા ભજવી હતી.

જાણીતાં અભિનેત્રીઓ સ્મિતા પાટીલ અને ભક્તિ બર્વેને પાછળ રાખીને તેમની આ ભૂમિકા માટે પસંદગી થઈ હતી.

આ યાદગાર અભિનય બદલ હટ્ટંગડીને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો બાફ્ટા પુરસ્કાર પ્રાપ્ત થયો. આ સન્માન મેળવનાર તેઓ એકમાત્ર એશિયન અભિનેત્રી બન્યાં.

પ્રસિદ્ધ ફિલ્મ સમીક્ષક રૉજર એબર્ટે ફિલ્મની ખૂબ પ્રશંસા કરતાં લખ્યું હતું, “આ એક દુર્લભ મહાકાવ્યાત્મક ફિલ્મ છે, જેમાં અનેક દાયકાઓનો સમયગાળો જોવા મળે છે… છતાં શરૂઆતથી અંત સુધી તે એક માનવીય દોરને પકડીને આગળ વધે છે.”

ફિલ્મની શરૂઆતની 40 મિનિટમાં દક્ષિણ આફ્રિકામાં અહિંસા અને સત્યાગ્રહના સફળ પ્રયોગોને દર્શાવાયા છે.

દાંડીયાત્રાની નાટ્યાત્મક અસર ઉપસાવતો ચાર મિનિટનો પ્રસંગ, પંડિત રવિશંકરનું મધુર પાર્શ્વસંગીત અને ભારતની સામાજિક તથા ભૌગોલિક વિવિધતાનું ચિત્રણ-આ બધું ફિલ્મની વિશેષતા બની રહે છે.

બીબીસી ગુજરાતી

પરંતુ એમ કહી શકાય કે એટનબરોએ શૂટિંગ શરૂ કરતાં પહેલાં નહેરુએ આપેલી સલાહની અવગણના જ કરી હતી.

નહેરુએ કહ્યું હતું, “જુઓ, તેમનામાં પણ ઘણી ખામીઓ હતી, ઘણી મર્યાદાઓ હતી. એ અમને બતાવો… તમે કંઈ પણ કરો, પરંતુ તેમને દેવત્વ ન આપો.” પરંતુ દિગ્દર્શકે ગાંધીજીનાં કાર્યોનું વિશ્લેષણ કરવાને બદલે સરળ રીતે તેમની વાર્તા કહેવાનો માર્ગ પસંદ કર્યો.

ફિલ્મ ઇતિહાસકાર આશિષ રાજાધ્યક્ષે એક લેખમાં લખ્યું હતું, “આ ફિલ્મ એ વ્યક્તિમાં, અથવા કહીએ તો એ વ્યક્તિત્વમાં, રસ પેદા કરે છે અને તેમાં બનતી ઘટનાઓ માત્ર એ વ્યક્તિની મહાનતા ઊભી કરવા માટે વપરાયેલાં નાટ્યાત્મક સાધનો બની રહે છે.”

જીવનચરિત્ર આધારિત ફિલ્મની પોતાની મર્યાદાઓ હોય છે.

ફિલ્મકારને ઘણી વાર ગહન વિશ્લેષણથી દૂર રહેવું પડે છે અને એટનબરોની ‘ગાંધી’ પણ તેમાં અપવાદ નથી. શાંતારામે કરેલી પશ્ચિમી દૃષ્ટિકોણ અંગેની ટીકા પણ આ જ મર્યાદા તરફ ધ્યાન દોરે છે.

ટીકાત્મક વિશ્લેષણને બાજુ પર રાખીએ તો પણ રિચર્ડ એટનબરોની ‘ગાંધી’ રાષ્ટ્રપિતા પર બનેલી પહેલી પૂર્ણ લંબાઈની જીવનકથા-ફિલ્મ બની. તેણે એક બહુઆયામી માણસની સરળ વાર્તા કહી અને શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શક અને શ્રેષ્ઠ અભિનેતા સહિત કુલ 9 અકાદમી પુરસ્કાર મેળવ્યા.

એટનબરોની ‘ગાંધી’એ ભારતીય દિગ્દર્શકોને પણ ગાંધીજીના જીવનની ઝીણી વિગતોને નિર્ભયતાથી રજૂ કરવા પ્રેરણા આપી.

ત્યાર પછી ગાંધીજી પોતે કેન્દ્રમાં ન હોય, પરંતુ તેમના નજીકના સાથીદારો અને અન્ય સ્વાતંત્ર્યસેનાનીઓના જીવન પર પણ જીવનકથા-ફિલ્મો બનતી રહી.

પરંતુ આ સમગ્ર ઇતિહાસમાં મોતીલાલ કોઠારીનું નામ માત્ર એક પાદટીપ પૂરતું જ રહી ગયું.

(આ લેખ પ્રકાશ મગદૂમના પુસ્તક ‘ધ મહાત્મા ઑન સેલ્યુલોઇડ’ પર આધારિત છે. પપાયરસ પ્રકાશન તરફથી આ પુસ્તકનું મરાઠીમાં પ્રકાશન થઈ રહ્યું છે. અક્ષય શેલાર આ પુસ્તકનો અનુવાદ કરી રહ્યા છે.)

સંદર્ભસૂચિ

  • એટનબરો, રિચર્ડ. (1982). ઇન સર્ચ ઑફ ગાંધી; લંડન: બોડલી હેડ લિમિટેડ.
  • ફિલ્મફેર. (5 માર્ચ 1965), પૃ. 19.
  • માર્ગારેટ રેમ્સી અને મોતીલાલ કોઠારી વચ્ચેનો પત્રવ્યવહાર, 1961-62; ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’માં પ્રકાશિત લેખ.
  • ફ્રેડ ઝિનેમન, રોબર્ટ બોલ્ટ અને ક્રિસ્ટોફર માન વચ્ચેનો પત્રવ્યવહાર, ઓક્ટોબર 1966.
  • માર્ગારેટ રેમ્સીનો લી સ્ટાઇનરને લખેલો પત્ર, 25 માર્ચ 1968.
  • જસરાજ, મધુરા પંડિત. (2015). ‘ધ મૅન હૂ ચેન્જ્ડ ઇન્ડિયન સિનેમા’; નવી દિલ્હી: હે હાઉસ ઇન્ડિયા.
  • ગબાલે, રામ. (2006). આત્મકથા; પુણે: પદ્મગંધા પ્રકાશન, પૃ. 180.
  • શાહ, નસીરુદ્દીન. (2014). એન્ડ ધેન વન ડે; નવી દિલ્હી: હેમિશ હેમિલ્ટન; તથા લેખકે લીધેલી મુલાકાત, 31 ઑગસ્ટ 2020.
  • એબર્ટ, રોજર. (1982). ગાંધી (સમીક્ષા). rogerebert.com.
  • રાજાધ્યક્ષ, આશિષ. (1983). ગાંધીયન ઍન્ડ ગાંધીઑલૉજી; ફ્રેમવર્ક, ખંડ 22/23.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS