Home તાજા સમાચાર gujrati ઇઝરાયલ : બહુમતી ન મળતા નેતન્યાહૂએ કહ્યું,’આરબ પાર્ટીઓએ ચૂંટણી ચોરી લીધી’ –...

ઇઝરાયલ : બહુમતી ન મળતા નેતન્યાહૂએ કહ્યું,’આરબ પાર્ટીઓએ ચૂંટણી ચોરી લીધી’ – ન્યૂઝ અપડેટ

5
0

Source : BBC NEWS

ગત મંગળવારે ઇઝરાયલમાં યોજાયેલી ચૂંટણીઓનાં પરિણામો લગભગ સ્પષ્ટ થઈ ચૂક્યાં છે. તેમાં નેતન્યાહૂની લિકૂડ પાર્ટીના ગઠબંધનને બહુમતી મેળવવામાં સફળતા મળી નથી.

વાંચવાનો સમય: 1 મિનિટ

ગત મંગળવારે ઇઝરાયલમાં યોજાયેલી ચૂંટણીઓનાં પરિણામો લગભગ સ્પષ્ટ થઈ ચૂક્યાં છે. તેમાં નેતન્યાહૂની લિકૂડ પાર્ટીના ગઠબંધનને બહુમતી મેળવવામાં સફળતા મળી નથી.

ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂએ તેમના ગઠબંધનને બહુમતીથી દૂર રાખવા બદલ આરબ પાર્ટીઓ પર આરોપ લગાવ્યા છે.

તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોતાની પાર્ટીનું નિવેદન શૅર કરતાં જણાવ્યું, “ઇઝરાયલમાં ચૂંટણી એવી આરબ પાર્ટીઓએ ચોરી લીધી છે, જે આતંકવાદને સમર્થન આપે છે અને યહૂદી રાજ્યનો અંત લાવવા માંગે છે. આ ચૂંટણીચોરી લાંચ, ધમકી, હિંસા, બનાવટી દસ્તાવેજો, તેમજ મતદારોને સંગઠિત કરવા માટે પ્રતિબંધિત સૉફ્ટવૅરના ઉપયોગ જેવા ગંભીર ગુનાહિત કૃત્યો દ્વારા કરવામાં આવી છે.”

નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું, “લિકૂડ પાર્ટી ચૂંટણીમાં ગેરરીતિઓ સંબંધિત સેંકડો નિવેદનો અને પુરાવાઓ પોલીસ, શિન બેટ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિને સોંપી રહી છે. આ પુરાવા અનેક આરબ મતદાન કેન્દ્રોમાં થયેલી ગેરરીતિઓ સાથે સંબંધિત છે. તેમાં રા’મ પાર્ટીની પત્રિકાઓ અને રોકડ રકમ ધરાવતાં હજારો કવર, મતદાન કેન્દ્રના સભ્યોને ધમકાવવાના અને તેમની સામે હિંસા કરવાના બનાવો, મતદાન કક્ષાના પડદા પાછળથી અનેક વખત મતદાન કરવું, બેવડી ઓળખ સાથે મતદાન કરવું, કવરોની સંખ્યા અને મતદારોની સંખ્યા વચ્ચેનો તફાવત, તેમજ મતદારોને એકત્રિત કરવા માટે પ્રતિબંધિત સૉફ્ટવૅરનો ઉપયોગ જેવા અનેક મુદ્દાઓ સામેલ છે.”

તેમણે આગળ કહ્યું, “અમે પોલીસ અને શિન બેટને માંગ કરીએ છીએ કે આરબ પાર્ટીઓ દ્વારા કરવામાં આવેલી ચૂંટણી ગેરરીતિઓની વિગતવાર તપાસ કરવામાં આવે અને તેમાં સંડોવાયેલા લોકો સામે સંપૂર્ણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.”

નિવેદનમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિને પણ અપીલ કરવામાં આવી કે “અમે કેન્દ્રીય ચૂંટણી સમિતિને વિનંતી કરીએ છીએ કે તે આ ગુનાહિત કૃત્યોની તપાસ માટે તાત્કાલિક પગલાં ભરે. આ કૃત્યોએ ઇઝરાયલની ચૂંટણીની નિષ્પક્ષતા અને ચૂંટણી પરિણામોને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે.”

97 ટકા મતોની ગણતરી પૂર્ણ થયા બાદ નેતન્યાહૂના ગઠબંધનને 53 બેઠકો મળી છે, જ્યારે તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી ગાડી આઇઝનકોટના નેતૃત્વવાળા ગઠબંધનને 48 બેઠકો મળી છે.

આરબ પાર્ટીઓના ગઠબંધનને 19 બેઠકો પ્રાપ્ત થઈ છે.

ઇઝરાયલની સંસદમાં બહુમતી માટે કુલ 61 બેઠકોની જરૂર પડે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS